દેશમાં ૨૩ હજાર જેહાદી ફરે છે

Wednesday 31st May 2017 06:28 EDT
 
 

લંડનઃ માન્ચેસ્ટર સુસાઈડ એટેક પછી પણ વધુ ત્રાસવાદી હુમલાની ચેતવણી વડા પ્રધાન થેરેસા મેએ ઉચ્ચારી છે ત્યારે બ્રિટિશ ઇન્ટેલિજન્સ સર્વિસીસ દ્વારા દેશમાં ૨૩,૦૦૦ જેટલા સક્રિય જેહાદીની ઓળખ કરવામાં આવી છે. આ જેહાદીઓમાંથી દેશમાં છુપાઈ ગયેલાં ૩,૦૦૦ જેહાદી દેશ માટે ખતરારૂપ હોવાનું ઈન્ટેલિજન્સ રિપોર્ટ્સના પગલે ૫૦૦ શંકાસ્પદો પર નજર રખાઈ રહી છે. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે અગાઉ પૂછપરછ કરાયા પછી જોખમી કક્ષામાં મૂકાયેલાં અન્ય ૨૦,૦૦૦થી વધુ લોકોની તપાસ આવશ્યક છે.
ઇન્ટેલિજન્સ સર્વિસીસ રિપોર્ટમાં કહેવાયું છે કે માન્ચેસ્ટરનો લિબિયન સુસાઈડ હુમલાખોર સલમાન આબેદી ગુપ્તચર એજન્સી MI5નાં રડાર પર હોવાં છતાં તેનાથી ગંભીર ખતરો હોવાનો અણસાર એજન્સીને આવ્યો ન હતો. માન્ચેસ્ટર અરીનામાં ૨૨ મેની રાત્રે થયેલા ત્રાસવાદી વિસ્ફોટ હુમલામાં ૨૨ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને ૧૧૯ને ઈજા પહોંચી છે. આત્મઘાતી હુમલા પછી પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત કામગીરીમાં ૧૪ સ્થળોએ દરોડા પાડી કુલ ૧૫ શંકાસ્પદની અટકાયત કરી છે. એક અહેવાલ મુજબ આંતકવાદીઓએ બે વર્ષ અગાઉથી જ માન્ચેસ્ટરમાં હુમલા માટે તૈયારી શરૂ
કરી હતી.

૧૦ વર્ષમાં પહેલીવાર મહત્તમ કક્ષાનું એલર્ટ

વડા પ્રધાન થેરેસાએ ૨૩ મેના રોજ દેશને સંબોધન કરતાં મહત્તમ કક્ષાના ખતરાની ચેતવણી આપી હતી. આતંકી હુમલાથી સ્તબ્ધ બ્રિટનમાં તમામ મહત્ત્વનાં સ્થાને સૈન્ય તૈનાત છે. થેરેસા મેએ ચેતવણી આપી હતી કે માન્ચેસ્ટરમાં થયેલો હુમલો કોઈ મોટાં સંગઠનનું કામ હોઈ શકે છે. તેને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. દેશમાં ૨૩ હજાર શંકાસ્પદ ત્રાસવાદીઓ હોવાના અહેવાલોથી લોકોમાં ભયનો પણ માહોલ છે. દરમિયાન, સરકારે જાહેર સ્થળોએ યોજાનારા કાર્યક્રમમોમાં સુરક્ષા માટે સૈન્યને ઉતારવાનું નક્કી કર્યું છે અને લોકોને સતર્ક રહેવાની પણ ચેતવણી જારી કરાઇ છે.

લિબિયન વેબસાઈટના આલા ઝાકરીની ધરપકડ

માન્ચેસ્ટરમાં વાર્ષિક દોડ સ્પર્ધા યોજાઈ તેની સાથોસાથ સુસાઈડ બોમ્બર સલમાન આબેદી અને ત્રાસવાદીઓના શંકાસ્પદ નેટવર્કની તપાસ પણ ચાલુ રહી હતી. કાઉન્ટર-ટેરરિઝમ ડિટેક્ટિવ્ઝે ગ્રેટર માન્ચેસ્ટરમાં વ્હેલી રેન્જ તેમજ ચેશાયરમાં ચેસ્ટરના અનેક મકાનોમાં તપાસ હાથ ધરી હતી. પોલીસે ત્રાસવાદની શંકાના આધારે લિબિયન ઓનલાઈન માર્કેટપ્લેસ વેબસાઈટના ચીફ એક્ઝિક્યુટિવ મનાતા ૨૩ વર્ષીય આલા ઝાકરીની સસેક્સના શોરહામ-બાય-સી ખાતેથી ધરપકડ કરી હતી.
ઝાકરીની હાસોબ અલાફાક વેબસાઈટ યુકેમાં રજિસ્ટર્ડ કરાયેલી છે અને ટ્રિપોલીમાં કાર્યરત છે. ઝાકરી ડિજિટલ માર્કેટિંગ સ્પેશિયાલિસ્ટ હોવા સાથે ટ્રેઈની પાઈલોટ પણ છે. તેની વેબસાઈટ ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ્સ તથા ઈન્ટરનેટ પેમેન્ટ સર્વિસીસ ઓફર કરે છે. તેનો પરિવાર લિબિયામાં અને તેની આન્ટી યુકેમાં રહે છે. ઝાકરીની માતા ડો. અમલ અઝુઝે તેમનો પુત્ર કદી ત્રાસવાદ સાથે સંકળાઈ ન શકે તેમ જણાવી તેને સારો વ્યક્તિ ગણાવ્યો હતો.

યુએન સપોર્ટ મિશન પર હુમલાની યોજના

એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે આબેદી બ્રિટનમાં હુમલો કરવાની યોજના ઘડી રહ્યો હોવાની માહિતી FBI દ્વારા જાન્યુઆરીમાં MI5ને જાન્યુઆરીમાં જ અપાઈ હતી. બોમ્બરના નાના ભાઈ હાશેમે આ પ્લોટમાં પોતાની સંડોવણીની કબૂલાત કરી હોવાનું કહેવાય છે. આ ઉપરાંત, લિબિયામાં યુએન સપોર્ટ મિશન પર હુમલાની તેની આગવી યોજના પણ હતી.
હાશેમે આ વર્ષના આરંભે ટ્રિપોલીની મુલાકાત દરમિયાન યુએન સપોર્ટ મિશનના વડા માર્ટિન કોબ્લેરની હત્યાની યોજના ઘડી હતી. ટેરરિસ્ટ જૂથ આ યોજનાના અંતિમ તબક્કામાં હતું પરંતુ, તેનો અમલ થાય તે પહેલા યોજના નિષ્ફળ બનાવાઈ હતી. હાશેમ આબેદી મોટો ખેલાડી હોવાનું માનતી લિબિયન સિક્યુરિટી સર્વિસીસ કેટલાક મહિનાથી ઈસ્લામિક ત્રાસવાદી જૂથ પર નજર રાખી રહી હતી. ગત મંગળવારે ટ્રિપોલીમાં આબેદી પરિવારના ઘરમાંથી પિતા રમાદાન આબેદી સાથે તેની ધરપકડ કરાઈ હતી અને માન્ચેસ્ટર હુમલામાં તેની ભૂમિકા અંગે MI6 અને લિબિયન ઈન્ટેલિજન્સ દ્વારા તેની પૂછપરછ ચાલે છે.
પરિસ્થિતિ થાળે પડી રહી છે
માન્ચેસ્ટરમાં ત્રાસવાદી હુમલાના એક સપ્તાહ પછી પરિસ્થિતિ થાળે પડી રહી છે. વાર્ષિક ગ્રેટ માન્ચેસ્ટર રનમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ૨૨ મેના હુમલાના પગલે માન્ચેસ્ટર વિક્ટોરિયા સ્ટેશન બંધ કરી દેવાયું હતું તે હવે મંગળવારથી ફરી કાર્યરત કરાયું છે અને નોર્ધર્ન, ટ્રાન્સ પેનાઈન એક્સપ્રેસ અને મેટ્રોલિન્કની સેવાઓ સંપૂર્ણપણે નિયમ સમયપત્રક અનુસાર ચાલુ કરાશે.
NHS Englandના જણાવ્યા અનુસાર હુમલા પછી ગંભીર હાલતમાં સારવાર મેળવી રહેલા ૧૯ ઈજાગ્રસ્તોમાં છ બાળકો છે, જેઓ રોયલ માન્ચેસ્ટર ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં ઓર્ગન સપોર્ટ અથવા શ્વાસોચ્છવાસની સારવાર હેઠળ છે. ગ્રેટર માન્ચેસ્ટરની આસપાસની હોસ્પિટલોમાં અત્યારે બાવન ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે. હુમલા પછી તરત ૧૧૯ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ હતા.

માન્ચેસ્ટર હુમલાનો વીડિયો જાહેર

ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે પહેલી વખત આત્મઘાતી હુમલાની સીસીટીવી તસવીરો જારી કરી છે. તસવીરમાં ૨૨ વર્ષનો આબેદી હુમલા માટે જઈ રહ્યો હોય તે પણ જોવા મળે છે. જેમાં સલમાન આબેદી ગ્રાન્ડ કોન્સર્ટના અંત ભાગમાં બંદુકનું ટ્રિગર દબાવતો દેખાઇ રહ્યો છે. પોલીસે નાગરિકોને આબેદી વિષે માહિતી આપવા જણાવ્યું છે. આબેદી ૧૮ મેના રોજ લિબિયાથી બ્રિટન પાછો ફર્યો હતો. માન્ચેસ્ટર અરીનામાં જતા હાથબનાવટના બોમ્બનો વિસ્ફોટ કરતા પહેલા આબેદી સીસીટીવી ફૂટેજમાં ઝડપાઈ ગયો હતો. પશ્ચિમી વિશ્વ તરફ તિરસ્કાર હોવા છતાં તેણે અમેરિકી બ્રાન્ડના નાઈકે એર જોર્ડર્ન ટ્રેઈનર્સ અને હોલિસ્ટર બોડી વોર્મર પહેર્યા હતા.

બોમ્બની અફવાથી થિયેટર ખાલી કરાવાયું

બોમ્બ મૂકાયાની અફવાના પગલે લંડનના ઓલ્ડ વિક થિયેટર અને તેની આસપાસના પબ તેમ જ રેસ્ટોરાં ખાલી કરાવી દેવાયાં હતાં. આ સેંકડો લોકોમાં સ્ટાર વોર્સના કલાકાર જોન બોએગા પણ સામેલ છે. બોએગાને ઇમ્પીરિયલ વોર મ્યુઝીયમમાં લઇ જવામાં આવ્યો હતો. પોલીસ કાર્યવાહીના પગલે અફરાતફરી મચી ગઈ હતી. આશરે બે કલાક પછી પોલીસે ‘ઓલ ઈઝ વેલ’નો સંકેત આપ્યો હતો.


comments powered by Disqus