અમદાવાદઃ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલા ધો. ૧૦ની પરીક્ષાનું સોમવારે પરિણામ જાહેર થયું છે. આ વર્ષે ૬૮.૨૪ ટકા પરિણામ જાહેર થયું છે જે ગત વર્ષની સરખામણીમાં ૧.૧૮ ટકા વધુ છે.
જોકે ગત વર્ષની માફક આ વખતે પણ વિદ્યાર્થિનીઓ મેદાન મારી ગઈ છે. નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ ૬૪.૬૯ ટકા આવ્યું છે જ્યારે વિદ્યાર્થિનીઓનું ૮.૬૪ ટકાના વધારા સાથે ૭૩.૩૩ ટકા પરિણામ આવ્યું છે. ધો. ૧૦ની પરીક્ષા સમગ્ર રાજ્યના ૮૭૬ કેન્દ્રોમાં લેવામાં આવી હતી. જેમાં રાજકોટ જિલ્લાના રૂપાવટી કેન્દ્રે ૯૭.૪૭ ટકા પરિણામ મેળવી ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે સાબરકાંઠાનું લાંબડિયા કેન્દ્ર ૧૦.૫૦ ટકા સાથે સૌથી ઓછું પરિણામ મેળવનાર કેન્દ્ર બન્યું છે. પરીક્ષામાં કુલ ૧૧ લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા, જે પૈકી ૭,૭૫,૦૧૩ નિયમિત વિદ્યાર્થીમાંથી ૫,૨૮,૮૭૦ ઉત્તીર્ણ થયાં છે.
