લખનૌઃ અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવાના કેસમાં ભારતના પૂર્વ નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સહિતના બીજા ૧૨ ગુનેગારોને કોર્ટે જામીન પર મુક્ત કર્યા છે. સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં ગુનેગારોને ૫૦-૫૦ હજાર રૂપિયાના પર્સનલ બોન્ડ પર જામીન મળ્યા છે. આરોપીઓએ ડિસ્ચાર્જ એપ્લિકેશન આપીને પોતાના પર કરવામાં આક્ષેપને રદ્દ કરવાની માગણી કરી છે. તેમનું કહેવું છે કે મસ્જિદ તોડવામાં તેમનો કોઈ જ હાથ નથી.
આ પહેલા, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે લખનૌના વીવીઆઈપી ગેસ્ટ હાઉસમાં અડવાણી અને અન્ય ભાજપના નેતાઓની મુલાકાત લીધી હતી. યોગીએ આ મુલાકાત એવા સમયમાં કરી છે, જ્યારે તેઓ એક દિવસ પછી જ અયોધ્યા જઈને શ્રીરામનાં દર્શન કરવાના છે. દાયકાઓ પછી આવું કરનારા તે પહેલા મુખ્ય પ્રધાન છે. માનવામાં આવી રહ્યું છે કે યોગી આદિત્યનાથ આવનારા સમયમાં અયોધ્યાથી ચૂંટણીમાં ભાગ લઈ શકે છે.
કેસની સુનાવણી માટે કાર્યવાહી ૧૧ વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ કોઈક કારણોસર તેમાં મોડું થઈ ગયું. કોર્ટમાં સંબંધિત પક્ષો સિવાય કોઈને પણ પ્રવેશ મેળવવાની છૂટ નહોતી. મીડિયાવાળાઓને પણ કોર્ટની બહારથી જ રિપોર્ટિંગ કરવાની છૂટ હતી.
કેબિનેટ પ્રધાન ઉમા ભારતીએ કોર્ટની સુનાવણી પહેલાં કહ્યું કે આ કોઈ ષડયંત્ર નહીં, પણ આંદોલન હતું. બીજી તરફ રામવિલાસ વેદાંતીએ સ્વિકાર્યું કે તેમણે જ વિવાદી માળખું તોડાવ્યું હતું અને તેમને તે વાતથી કોઈ દુઃખ પણ નથી. વેદાંતીએ દાવો કર્યો છે કે સમગ્ર દેશ રામ મંદિર બને તેમ ઈચ્છે છે.

