મોદી સરકારના ૩ વર્ષઃ ગુજરાતના કેન્દ્ર સાથેના કેટલા પ્રશ્નો પડતર?

Wednesday 31st May 2017 10:36 EDT
 
 

ગાંધીનગરઃ કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારને ત્રણ વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ ગુજરાતના પડતર પ્રશ્નોની ફરિયાદ અગાઉ મોટાપાયે કરવામાં આવતી હતી તે જાણે ઉકેલાઇ ગયા હોય તેમ ગુજરાત સરકાર દ્વારા તેનો ઉલ્લેખ સુદ્ધાં કરવાનું બંધ થઇ ગયું છે. અગાઉ યુપીએ સરકાર હતી ત્યારે રાજયની ભાજપ સરકાર દ્વારા સતત ગુજરાતને અન્યાય થતો હોવાની અને ઢગલાબંધ પ્રશ્નો વણઉકલ્યા હોવાની સતત ફરિયાદ કરવામાં આવતી હતી.
મોદી ૨૦૧૪માં વડા પ્રધાન બન્યા તે પહેલા ફેબ્રુઆરી-૨૦૧૩ સુધીમાં ૧૦૯ પ્રશ્નો પડતર હોવાની યાદી રાજય સરકારે જાહેર કરી હતી. આજે તે તમામ પ્રશ્નો ઉકેલાઇ ગયા હોય તેમ વર્તમાન સરકારે ૨૦૧૭ના બજેટ સત્ર પૂર્વે પડતર પ્રશ્નો અંગે સાંસદોને જાણકારી આપતી કે કેન્દ્રમાં ફોલોઅપ કરવા માટેની બેઠક સુદ્ધાં બોલાવી નથી.
ગુજરાતની કેન્દ્ર સરકાર સાથેના કોઇ પણ વિભાગની બેઠક હોય ત્યારે યુપીએ સરકારમાં ગુજરાતના પ્રશ્નો ઉકેલાતા નહીં હોવાની રાવ રાજય પ્રધાન મંડળના સભ્યો અવારનવાર કરતા રહેતા હતા. જોકે મોદી વડા પ્રધાન બન્યા તે પછી સ્થિતિ સમૂળગી બદલાઇ જવા પામી છે. ૨૦૧૩માં ૧૦૯ પ્રશ્નોની લાંબી યાદી તૈયાર કરવામાં આવી હતી તે ૨૦૧૪માં મોદી સરકાર આવ્યા બાદ ૨૦૧૫ના વર્ષમાં ૬૫ થઇ ગયા છે. ૨૦૧૭માં કેન્દ્ર સાથેના કેટલા પ્રશ્નો પડતર છે તેની યાદી જાહેર કરવા વિભાગ દ્વારા તૈયારી પણ કરવામાં આવી હતી. જોકે રાજય સરકારે બજેટ સત્ર પૂર્વે ગુજરાતના સાંસદોની બેઠક બોલાવવાનું જ માંડી વાળ્યું હતું.
સરકાર દ્વારા સત્તાવાર રીતે કેટલા પ્રશ્નો વણઉકલ્યા રહ્યા છે તેવું જાહેર કરાયું ન હતું. ૨૦૧૬માં સાંસદો સાથે જે બેઠક યોજાઈ તેમાં ૬૫માંથી ૨૧ જેટલા પ્રશ્નો ઉકેલાયા હોવાના સરકારે દાવો કર્યો હતો. એટલે કે ૪૦થી વધુ પ્રશ્નો પડતર રહ્યા હતા. જે ઉકેલાઈ ગયા હોય તે રીતે છેલ્લા એક વર્ષથી તેઓ ઉલ્લેખ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો નથી.


comments powered by Disqus