વલ્લભીપુરમાં માંડવિયા પર ‘પાસ’ના અગ્રણીએ જોડું ફેંક્યું

Wednesday 31st May 2017 10:50 EDT
 
 

વલ્લભીપુર: સ્થાનિક નગરપાલિકા અને ભાજપ આયોજિત ‘મોક્ષરથ’ લોકાર્પણ સમારોહમાં કેન્દ્રીય પ્રધાન અને વલ્લભીપુરના જમાઈ મનસુખભાઈ માંડવિયા ઉપર ‘પાસ’ (પાટીદાર આંદોલન સમિતિ)ના કન્વિનર ભાવેશ સોનાણીએ જૂતાનો ઘા કરતા ચકચાર મચી જવા પામી છે.
નગરમાં દરબારગઢના ઢાળ તરીકે ઓળખાતા વિસ્તારમાં રવિવારે ‘મોક્ષરથ’ લોકાર્પણ સંદર્ભે જાહેર સભા યોજાઈ હતી. સભા શરૂ થતાં જ ત્યાં હાજર ‘પાસ’ના કન્વિનર અને તરસમિયા ગામના રહેવાસી ભાવેશ સોનાણીએ રોષભેર ઉભા થઈને ‘ભારત માતા કી જય’ બોલીને જોડાંનો ઘા કર્યો હતો. આ ઘટનાથી સભામાં હોગોકીરો થઇ ગયો હતો. સ્થળ પર રહેલી પોલીસે તરત જ સોનાણીની અટકાયત કરી હતી. જોકે હજુ સુધી કોઈ ફરિયાદ થઈ નથી.
ઉલ્લેખનીય છે કે, મનસુખભાઈ વલ્લભીપુરના જમાઈ છે. જમાઈને સાસરિયાના ગામમાં માન-સન્માન મળવાની કાઠિયાવાડી પરંપરાથી વિરુદ્ધ રાજકીય રોષનો ભોગ બનવું પડયું હોય આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી.


comments powered by Disqus