• બોગસ પાસપોર્ટ પર કેનેડા જતાં દંપતી ઝડપાયુંઃ બોગસ પાસપોર્ટના આધારે અમદાવાદથી નાઈરોબી અને મોરક્કો થઇને કેનેડા પહોંચવા માગતા મહેસાણાના દંપતીને અમદાવાદ ઈમિગ્રેશન વિભાગે ઝડપી લીધું છે. દંપતીએ આ બોગસ પાસપોર્ટ બનાવવા માટે મુંબઈના એજન્ટને રૂ. ૭૦ લાખ ચૂકવ્યા હતા. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટના ઈમિગ્રેશન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મહેસાણાના કાલાભાઈ પટેલ (૩૦) અને વર્ષાબેન પટેલ (૨૫) ૨૭ મેના રોજ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યાં હતાં. અધિકારીઓએ બંનેના પાસપોર્ટ જોતા તેમાં દક્ષિણ ભારતીયોના નામ જોવા મળતાં અધિકારીઓને શંકા ગઈ હતી. આથી પાસપોર્ટ તપાસતા બંને પાસપોર્ટ બોગસ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી દંપતીની પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, કલોલના હાર્દિકભાઈએ મુંબઈના એજન્ટની મુલાકાત કરાવી હતી. આ એજન્ટે બોગસ પાસપોર્ટ બનાવી આપ્યો હતો.
• જીવતા કારતૂસનો જથ્થો મળ્યોઃ ભારત-પાકિસ્તાન વચ્ચે કાશ્મીર સરહદે પ્રવર્તતી તંગ સ્થિતિ વચ્ચે કચ્છના ખાવડા નજીક ૨૭ મેના રોજ ૧૭૬ જીવતા કારતૂસનો જથ્થો મળી આવતાં સુરક્ષા તંત્ર દોડતું થઇ ગયું છે. ખાવડામાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) કેમ્પથી ૧૦ કિલોમીટરના અંતરે વરસાદી છેલામાં જમીનની અંદર દાટી રાખવામાં આવેલી કોઈ શંકાસ્પદ વસ્તુ પડી હોવાનું એક નાગરિકના ધ્યાને આવતાં તેણે સંબંધિત સત્તાધિશોનું ધ્યાન દોર્યું હતું.
• ચાર દાયકા બાદ પાક નિષ્ફળઃ નખત્રાણા પંથકમાં દસકાઓની વિક્રમજનક ગરમી પડી રહી છે અને ગરમીનો પારો ૪૫ ડિગ્રીને આંબ્યો છે. કાળઝાળ ગરમીથી પંથકમાં ઉનાળુ મગફળીનો પાક બળી ગયો છે અને ખેડૂતોને ભારે આર્થિક નુકસાની સહન કરવી પડી છે. વિતેલા ચાર દાયકામાં પ્રથમ વખત જ ઉનાળુ મગફળી પાક નિષ્ફળ ગયો હોવાનું વડીલોનું કહેવું છે. સામાન્ય રીતે આ પંથકમાં ખેડૂતો જ્યાં ભૂતળના પાણી સારા તેમજ મીઠાં હોય છે ત્યાં ઉનાળુ મગફળીનું વાવેતર કરે છે. આ વરસે મગફળીનું ભરપૂર વાવેતર થયું હતું.
• વડનગરની મુલાકાતે જાપાનના રાજદૂતઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન અને ઐતિહાસિક બૌદ્ધનગરી વડનગરની ૨૪ મેના રોજ જાપાનના રાજદૂત કેનજી હીરમત્સુએ મુલાકાત લઇને તેમણે વડગરના બૌદ્ધ સ્તુપ અંગે માહિતી મેળવી હતી. તેમણે કહ્યું હતું કે બૌદ્ધ સ્તુપ બૌદ્ધ વિહારક સાથે જોડાયેલો છે. વડનગરમાં ખોદકામ દરમિયાન બૌદ્ધકાલિન સ્તૂપ અને બૌદ્ધ નગરી સાથે સંકળાયેલા અવશેષો મળી આવ્યા છે. જાપાનના રાજદૂતે આ સંશોધનકાર્ય પણ નિહાળ્યું હતું. તેમણે કહ્યું હતું કે વડનગરમાં ખોદકામ દરમિયાન બૌદ્ધ સ્તૂપનો બીજો ભાગ પણ મળી શકે છે.
• જૈન સમાજના આગેવાનનું નિધનઃ માંડવીના વતની અને હાલ ભૂજમાં વસતા જૈન અગ્રણી રમેશચંદ્ર વાડીલાલ શાહનું ૭૭ વર્ષની વયે અવસાન થતાં સમાજમાં શોક ફેલાયો છે. સદગત રમેશભાઈનું શિક્ષણ ક્ષેત્રે નોંધનીય યોગદાન આપ્યું હતું. તેઓ જૈન વિદ્યોતેજક મંડળના નેજા હેઠળ દર વર્ષે જૈન સમાજના તેજસ્વી બાળકો અને સિદ્ધિપ્રાપ્ત વ્યક્તિઓનો જાહેર સન્માન સમારંભ યોજીને તેમને બિરદાવતા હતા. તેમણે ભૂજ જૈન સોશિયલ ગ્રૂપના વિકાસમાં પણ યોગદાન આપ્યું હતું.
• ડીસામાં બાજરીનો ઊભો પાક જમીનદોસ્તઃ ડીસા પંથકમાં તીવ્ર ઝડપે ફુંકાયેલા પવન અને કમોસમી વરસાદથી પાકવાના આરે ઉભેલા બાજરીના પાકને ભારે નુકસાન થયું છે. ચાલુ વર્ષે શિયાળુ સિઝનમાં બટાટાના ઓછા ભાવ મળ્યા હોવાથી ખેડૂતોને ઉનાળુ બાજરી પર મોટી આશા હતી. જોકે કાપણીની તૈયારીમાં ઉભેલી બાજરી ૨૧ મેના રોજ ફૂંકાયેલા વાવાઝોડામાં નમી ગઇ છે. તાલુકામાં આ સિઝનમાં બાજરીનું ૨૯,૫૯૪ હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું.
