• બોમ્બ બ્લાસ્ટનો આરોપી દુબઈથી ડીપોર્ટઃ અમદાવાદમાં વર્ષ ૨૦૦૮માં કરાયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસના ૮૦મા આરોપી શુહેબ અબ્દુલ પોટ્ટનીકલને દુબઈથી ભારત ડીપોર્ટ કરાયો હતો. ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીએ કેરળથી તેની ધરપકડ કરી છે. શુહેબને કોર્ટમાં રજૂ કરી ૩૦ દિવસના રિમાન્ડ માગણી કરવામાં આવી હતી. કોર્ટે તેના ૮ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બ્લાસ્ટ કરવા માટે બોમ્બમાં ઇલેક્ટ્રોનિક ચિપ બનાવવાની અને બોમ્બ પ્લાન્ટ કરવાની શુહેબની ભૂમિકા હતી. બોમ્બ બ્લાસ્ટ બાદ શુહેબ ગલ્ફ દેશમાં ભાગી ગયો હતો. હજી આ કેસમાં ૧૭ આરોપીને ઝડપવાના બાકી છે.
• ‘કોંગ્રેસ પાટીદારોને ૫૫ બેઠકો ફાળવે’ઃ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાને રાખી પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. પ્રભારી ગેહલોત સમક્ષ કોંગ્રેસના ધારાસભ્ય પ્રહલાદ પટેલે રજૂઆત કરી હતી કે, ગુજરાતમાં પાટીદારો ભાજપથી નારાજ છે, આ સ્થિતિમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ૧૮૨ બેઠકોમાંથી ૫૫ બેઠકો પર પાટીદારોને ટિકિટ આપવી જોઈએ. આ રજૂઆત બાદ પ્રભારીએ પાટીદારોને પૂરતું પ્રતિનિધિત્વ આપવાની બાંયધરી આપી છે.
• ગલ્ફની એરલાઈન કંપની ડોમેસ્ટિક સેક્ટરમાંઃ આંતરરાષ્ટ્રીય સેક્ટરમાં ઓપરેટ કરતી ગલ્ફની એક એરલાઈન કંપનીએ અમદાવાદના ડોમેસ્ટિક સેક્ટરમાં પ્રવેશ કરી નવી ફ્લાઈટ શરૂ કરવાનો રસ દાખવ્યો છે. આગામી છ મહિનામાં અમદાવાદમાં ડોમેસ્ટિક એરપોર્ટ પરથી નવી ફ્લાઈટની સુવિધા પ્રવાસીઓને મળી રહેશે. વિદેશની આ પ્રથમ એરલાઈન કંપની હશે જે અમદાવાદથી ડોમેસ્ટિક સેક્ટરમાં ફ્લાઈટ શરૂ કરશે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઓપરેટ થતી ગલ્ફની એક એરલાઈન કંપની દોહાની સેવા આપી રહી છે. હવે આ એરલાઈન કંપનીએ ડોમેસ્ટિક સેક્ટરમાં પગ પેસારો કરવાની તૈયારી દર્શાવી છે.
• પાકિસ્તાન ડેલિગેટ્સની સૂચક ગેરહાજરીઃ ધ સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કો-ઓપરેશન (સાર્ક), ભારતના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તથા ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે રાયસણ નજીક જીડીએમઆઇ ખાતે ઊભા કરાયેલા સાર્ક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરનું ૨૪ મેના રોજ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે અહીં ત્રણ દિવસની ‘એપ્લિકેશન ઓફ સ્પેસ ટેકનોલોજી ઇન મોનિટરિંગ એન્ડ મેનેજિંગ રિસ્ક્સ’ વિશેની કાર્યશિબિર પણ ખુલ્લી મુકાઇ હતી. આ પ્રસંગે પાકિસ્તાનના બે ડેલિગેટ્સની ગેરહાજરી ચર્ચાનું કેન્દ્ર બની હતી. ભારતીય લશ્કરે પાકિસ્તાન પર વધુ એક વખત સર્જિકલ સ્ટ્રાઇક કરતાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજદ્વારી સંબંધો તંગ બન્યા છે તેના પરિપ્રેક્ષ્યમાં પાકિસ્તાનના ડેલિગેટ્સ ગેરહાજર રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
• ૩૭ નકલી પેઢીઓ, રૂ. ૮૧૦ કરોડનું બોગસ બિલિંગઃ ગુજરાતના કોમર્શિયલ ટેક્સ વિભાગે, બોગસ કંપનીઓ ઊભી કરીને રૂ. ૮૧૦ કરોડનું બોગસ બિલિંગ કરવાનું કૌભાંડ પકડી પાડ્યું છે. કૌભાંડમાં ૩૭ બોગસ કંપની ઊભી કરીને કાગળ પર જ વ્યવહારો દર્શાવીને રૂ. ૪૦ કરોડની ટેક્સ ક્રેડિટ મેળવી હતી. કૌભાંડ આચરનારાઓમાં બે ટેક્સ કન્સલ્ટન્ટ અને ૨ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સંડોવણી પણ જોવા મળી છે. આ કૌભાંડમાં તપાસના અંતે વેટ ચોરીનો આંક વધે તેવી શક્યતા છે.
