• દિવ્યાંગો માટે વિશિષ્ટ ટ્રીગો ટ્રાઇસિકલઃ ચારુસેટ યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ કોલેજના પ્રોજેક્ટ અંતર્ગત દિવ્યાંગો માટે ટ્રીગો ટ્રાયસિકલ નામથી વિશિષ્ટ પ્રકારનું હેન્ડીકેપ વ્હીકલ તૈયાર કર્યું છે. આણંદ શહેરમાં રહેતા મહર્ષિએ સાયકલ બનાવતાં પહેલાં કેટલાક દિવ્યાંગોની મુલાકાત લઈને સાયકલ ચલાવવામાં પડતી મુશ્કેલીઓ વિશે જાણકારી મેળવી હતી. જેમાં તેને સાયકલ ચલાવતી વેળા એક હાથે પેન્ડલીંગ કરવાથી હાથમાં દુઃખાવો, સાયકલને પાછળ લઇ જવામાં પડતી મુશ્કેલીઓ વગેરે અંગે જાણવા મળ્યું હતું. આ પછી મહર્ષિએ દિવ્યાંગોની આ મુશ્કેલીઓ દૂર થાય તેવું વ્હીકલ તૈયાર કર્યું છે. આ સાયકલ ઓછા ખર્ચે અને સ્ક્રેપ મટીરિયલમાંથી તૈયાર કરવામાં આવી છે. જેને બનાવતા માત્ર ૩૦ દિવસનો સમય લાગ્યો છે.
• ભરૂચમાં રૂ. ૧ કરોડની નોટો સાથે ચાર ઝડપાયાઃ ભરૂચ પોલીસે વાહનચેકિંગ દરમિયાન એક કારમાં સવાર ચાર વ્યક્તિને એક કરોડ એક લાખ રૂપિયાની રદ થયેલી ચલણી નોટો સાથે ઝડપી લઇને તપાસ શરૂ કરી છે. આ તમામ રકમ રદ થયેલી રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ સ્વરૂપે છે. પોલીસ ટીમ શીતલ સર્કલ પાસે વાહન ચેકિંગમાં હતી ત્યારે સફેદ રંગની ફોર્ચ્યુનર ગાડીમાંથી રૂ. ૧૦૦૦ની નોટના ૪૫ બંડલ અને રૂ. ૫૦૦ની નોટના ૧૧૩ બંડલ મળી આવ્યા હતા.
• વિશ્વની ટફેસ્ટ મેરેથોનમાં સુરતના દોડવીરઃ આગામી ચોથી જૂનના રોજ દક્ષિણ આફ્રિકામાં યોજાનારી વર્લ્ડની સૌથી અઘરી અલ્ટ્રા મેરેથોન દોડમાં સુરતના ૧૪ દોડવીરો ભાગ લઇ રહ્યા છે. દેશભરમાંથી ૧૨૦ દોડવીરો સ્પર્ધામાં લેશે, જેમાંથી ૧૬ સ્પર્ધકો ગુજરાતના છે. તમામ દોડવીરો દક્ષિણ ગુજરાતના છે. જેમાં સુરતના ૧૪, બારડોલીના એક અને વલસાડના એક દોડવીરનો સમાવેશ થાય છે. આ મેરેથોન વિશે રાજીવ શેઠે જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકા ખાતે દર વર્ષે ટફેસ્ટ અલ્ટ્રા મેરેથોન યોજાય છે. જે આ વર્ષે હિલ અલ્ટ્રા મેરેથોન છે. આ વખતે આ અલ્ટ્રા મેરેથોન ડર્બન શહેરથી પીટર મેરીટર્સબર્ગ સુધી ૯૦ કિ.મી.ની છે. જેમાં વિશ્વમાંથી ૨૦ હજાર લોકો ભાગ લે છે. જે સ્પર્ધકે ઓગસ્ટ ૨૦૧૬ પછી એક મેરેથોનમાં ૪૨ કિલોમીટરનું અંતર પાંચ કલાકમાં પૂરું કર્યું હોય તેવા દોડવીરો ક્વોલિફાઇ થાય છે. આ રેસ હિલ રેસ હોય છે અને ૫૬૦૦ ફિટનું હિલ એલિવેશન સ્પર્ધકોએ પાર કરવાનું હોય છે.
• સિન્થેટિક યાર્ન - કાપડ પર ઊંચો જીએસટીઃ સિન્થેટિક યાર્ન પર ૧૮ ટકા તથા કાપડ પર ૧૨ ટકા જીએસટી લાગવાનો સંકેત મળતાં સુરતના ટેક્ષટાઈલ ઉદ્યોગકારોમાં રોષ ફાટી નીકળ્યો છે. મેનમેઇડ ફાઈબર આધારિત ટેક્ષટાઈલ ઉદ્યોગના સંગેઠનોએ ચેમ્બર ઓફ કોમર્સ સાથે બેઠક યોજીને ગુજરાત અને ભારત સરકારને રજૂ કરવાનો નિર્ણય લીધો છે.
• વિશ્વની ટોપ ડાયમંડ જ્વેલરી બ્રાન્ડમાં સુરતની એક પણ નહીં!ઃ હીરાના ઘડામણથી માંડીને તેના વેચાણમાં સુરત ભલે વિશ્વમાં મોખરાનું સ્થાન ધરાવતું હોય, પરંતુ વિશ્વની ટોચની ડાયમંડ જ્વેલરી બ્રાન્ડમાં આ હીરાનગરીની એક કંપની સ્થાન ધરાવતી નથી. આ વાત માન્યામાં ન આવે તેવી હોવા છતાં હકીકત છે. ડેલોઇટની ટોપ-૧૦૦ લકઝરી બ્રાન્ડ વિશેના ગ્લોબલ પાવર્સ ઓફ લકઝરી ગુડઝ-૨૦૧૭ના રિપોર્ટમાં સુરતની એક પણ જેમ્સ એન્ડ જવેલરી ઉત્પાદક કંપનીનું નામ નથી. યાદીમાં ભારતની માત્ર ત્રણ કંપનીઓને સ્થાન મળ્યું છે. તેમાં મુંબઇની ગીતાંજલી જેમ્સ, ટાઇટન અને દિલ્હીની પી. સી. જવેલર્સનો સમાવેશ થાય છે.
• ૧૯૦ બિલ્ડર-ઉદ્યોગપતિને ઇન્કમટેક્સ નોટિસઃ સુરત શહેરના ૧૯૦ જેટલા શહેરના બિલ્ડરો અને ઉદ્યોગપતિઓને ઈન્કમટેક્સ વિભાગની ડીડીઆઈ (ડિમેટ ડિસ્ટ્રીબ્યુશન ઈન્કમ) વિંગ દ્વારા પ્રોસિક્યુશન કેસ શા માટે દાખલ ન કરવો તેવી નોટિસ ફટકારાઇ છે. એક સાથે આટલા લોકોને પ્રોસીક્યુશન કેસ દાખલ કરવાની શો-કોઝ અપાઈ હોય તેવો દેશમાં આ પહેલો કિસ્સો હોવાનું આઇટી નિષ્ણાતોનું માનવું છે. આ લોકોએ ટેક્સ ચોરી ન કર્યાની જે દલીલો કરી છે તેમાં કોઈ વજૂદ ન જણાતા હવે ટેક્સ ભરવા માટે આઈટીએ અલ્ટીમેટમ આપ્યું છે. અન્યથા પ્રોસીક્યુશન કેસ દાખલ કરવા માટે જણાવાયું છે.
