સંક્ષિપ્ત સમાચાર - સૌરાષ્ટ્ર

Friday 02nd June 2017 10:54 EDT
 

વિધર્મીઓ દેશને અધઃપતન તરફ ધકેલી રહ્યા છેઃ વિશ્વ હિંદુ પરિષદ (વિહિપ)ના ઉપક્રમે શહેરમાં પ્રબુદ્ધ નાગરિકો સાથે સંગઠનના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ડો. પ્રવીણભાઈ તોગડિયાની વિચાર ગોષ્ઠી બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે અગાઉ હિન્દુ સમાજ સમૃદ્ધ અને સુરક્ષિત હતો. આજે તેની સામે પડકારરૂપ સ્થિતિ પેદા થઈ છે. તેમણે જણાવ્યું હતું કે વિધર્મીઓ દેશને અધઃપતન તરફ ધકેલી રહ્યા છે. હિંદુ સંસ્કૃતિને છિન્નભિન્ન કરવાના પ્રયાસો થઈ રહ્યાં છે. તેની સામે એકતાપૂર્વક લડતનો સમય આવ્યો છે. આજે દેશમાં ૧૯ કરોડ લોકો ભૂખ્યા સૂવે છે. ૧૫ કરોડ યુવાધન બેરોજગાર છે તેવો દાવો કરીને તેમણે આક્ષેપ કર્યા હતો કે, દેશમાં જીડીપીનો દર વધે છે, પરંતુ રોજગાર વધતી નથી, શિક્ષણની દુર્દશા થઈ રહી છે. શિક્ષણનું સ્તર સુધરે અને લોકોની પ્રગતિ થાય તો જ સાચો વિકાસ થયો ગણાય.

રૂ. ૧ કરોડની ચલણી નોટ સાથે ૩ ઝડપાયાઃ રાજકોટ શહેર પોલીસે મવડી નગર મેઇન રોડ પર ગોઠવેલી વોચ દરમિયાન સુરત અને જામનગરના ત્રણ શખસો એક કરોડ રૂપિયાની રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની રદ થયેલી ચલણી નોટ સાથે ઝડપાઇ ગયા હતા. દીપક મોહનભાઈ નાંઢા (સુરત) અને જામનગરના ત્રિલોક દવે તથા સુલેમાન ભટ્ટીએ જણાવ્યું હતું કે તેમને એક કરોડ રૂપિયાની આ રદ થયેલી ચલણી નોટોના બદલામાં કમિશન બાદ કર્યા બાદ રૂ. ૨૨ લાખ મળવાના હતા. પોલીસે એ વાતે તપાસ કરી રહી છે કે આ લોકો રદ થયેલી ચલણી નોટો બદલવા માટે એનઆરઆઇ ખાતાનો ઉપયોગ કરવાના હતા કે કેમ.

બર્નિંગ ટ્રેન બની વેરાવળ-ત્રિવેન્દ્રમ એક્સપ્રેસઃ વંથલીના શાપુર પાસે ૨૫ મેના રોજ સવારે વેરાવળ-ત્રિવેન્દ્રમ ટ્રેનના પાછળના એન્જિનમાં આગ લાગતા ચાલકે સમયસૂચકતા દાખવીને એન્જિનને ટ્રેનથી અલગ કરી નાખ્યું હતું. બાદમાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઇ લેવામાં આવી હતી. વેરાવળ-ત્રિવેન્દ્રમ ટ્રેન ૨૫ મેના રોજ વહેલી સવારે વેરાવળથી રવાના થઈ હતી અને સવારે ૬.૧૫ના અરસામાં શાપુરથી પસાર થયા બાદ ટ્રેનના પાછળના એન્જીનમાં ધૂમાડા જોવા મળતાં ડ્રાયવરે સમયસૂચકતા વાપરી ટ્રેન થોભાવી દીધી હતી. બાદમાં એન્જિનને અલગ કરી ટ્રેનને જૂનાગઢ તરફ રવાના કરાઈ હતી.

ચીનના વિલેજ ફેસ્ટિવલમાં જૂનાગઢનો યુવાન ઝળક્યોઃ ચીનના જીયામુસી ખાતે યોજાયેલા ગ્લોબલ કલ્ચર વિલેજ ફેસ્ટિવલમાં ૬૫ દેશોના ૧૨૦૦ તબીબી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાં સતત બીજા વર્ષે જૂનાગઢના વતની અને ઇન્ડિયન સ્ટુડન્ટ યુનિયનના પ્રમુખ આકાશ કોરાટે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ઇન્ડિયન સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રમુખ તથા અન્ય ૩૬ સભ્યોએ સખત મહેનત કરી સતત બીજા વર્ષે આ સિદ્ધિ મેળવી હતી. આ સ્પર્ધામાં ભારતીય વિદ્યાર્થીઓએ દેશની વાનગીઓ, કલા, સાહિત્ય, પહેરવેશ, નૃત્ય, ગાયન જેવી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. વિશ્વના ૬૫ દેશોના ૧૨૦૦ મેડિકલના વિદ્યાર્થીઓએ પોતપોતાના દેશની કલા રજૂ કરી હતી.

બ્રેઇન ડેડ યુવાનનાં અંગોથી છને નવજીવનઃ ભાવનગર જિલ્લાનાં વલ્લભીપુરનાં વતની અને હાલ મુંબઈમાં રહેતા જૈન યુવાનનું બ્રેઇન ડેડ થઈ જતાં પરિવારજનોની સંમતિથી તેનાં અવયવો હાર્ટ, લીવર, કીડની, આંખોનું દાન કરવાનો પરિવારે નિર્ણય કર્યો હતો. આ સ્તુત્ય નિર્ણયથી છ વ્યક્તિને નવજીવન મળશે. મૂળ વલ્લભીપુર શહેરના વતની પણ હાલ મુંબઈમાં મલાડ ખાતે રહેતા ઘોઘારી વીસા શ્રીમાળી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન નવીનચંદ્ર કાળીદાસ ગાંધીનો પુત્ર રાજ ગાંધી કોમર્સ ફેકલ્ટીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. ૧૮ મેના રોજ તે મસ્જિદ બંદરેથી ઘરે પરત આવવા માટે રવાના થયો હતો ત્યારે બાંદ્રા પાસે લોકલ ટ્રેનમાંથી પડી જતા રેલવે પોલીસે તરત જ તેને ભાભા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. જોકે સ્થિતિ ગંભીર હોવાથી તેને લીલાવતી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં લીલાવતી હોસ્પિટલના ડોક્ટરોએ બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો.


comments powered by Disqus