૭ દસકામાં ન થયું તે ૩ વર્ષમાં કર્યું

Wednesday 31st May 2017 06:35 EDT
 
 

નવી દિલ્હીઃ ભાજપની મોદી સરકારે ત્રણ વર્ષ પૂરાં કર્યાં છે ત્યારે તેની સિદ્ધિઓનું વર્ણન કરતાં ભાજપ પ્રમુખ અમિત શાહે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે કાશ્મીર સમસ્યાનો સરકાર દ્વારા ઝડપથી ઉકેલ લાવવામાં આવશે. શાહે કહ્યું કે આઝાદીના ૭૦ વર્ષમાં દેશે જે હાંસલ નથી કર્યું તે સરકારે ૩ વર્ષમાં કરી બતાવ્યું છે. શાહે નોટબંધી અને બેનામી સંપત્તિને સકંજામાં લેવાનાં સરકારનાં પગલાને સાહસિક ગણાવ્યું હતું. સરકારે ૧૫,૦૦૦ કરોડની બેનામી સંપત્તિ જપ્ત કરી છે. જીએસટીના અમલની દિશામાં પ્રગતિ એ સરકારની મોટી સિદ્ધિ સમાન ગણાવી હતી. સ્વચ્છ ભારત અભિયાન અને ૪.૫ કરોડ ગરીબોને શૌચાલય એ પણ મોટી સિદ્ધિ છે. એફડીઆઈમાં ૪૫ ટકાનો વધારો થયો છે.

મજબૂત ઇચ્છાશક્તિ

શાહે કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઇક એ સરકારની મજબૂત ઇચ્છાશક્તિનું પરિણામ છે. આથી લોકોનો અને સૈન્યનો આત્મવિશ્વાસ વધ્યો છે. ૩ વર્ષમાં અમારા વિરોધીઓ પણ સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી શકી નથી. સરકારે ગરીબોનાં કલ્યાણ માટે પગલાં લીધાં છે. સૈનિકોને વન રેન્ક-વન-પેન્શન આપવામાં આવ્યું છે.

પરિવારવાદ-જાતિવાદથી દૂર

શાહે કહ્યું કે આ ત્રણ વર્ષમાં દેશના ગૌરવમાં નોંધાપાત્ર વધારો થયો છે. દેશે નવાં નવાં સિમાચિહનો સર કર્યા છે. દેશની વિચારધારાને બદલવા માટે મોદી સફળ રહ્યા છે. પરિવારવાદ અને જાતિવાદના દૂષણને દૂર કર્યું છે. તૃષ્ટિકરણ અને ભ્રષ્ટાચારનાં રાજકારણને જાકારો આપ્યો છે.\

જનધન યોજના

જનધન યોજના દ્વારા દેશમાં ૨૮.૫૨ કરોડ ખાતા ખોલાયા છે. આમ દેશના દરેક પરિવારને ઇકોનોમી સાથે જોડવામાં આવ્યા છે. તો મહિલાઓ માટે મેટરનિટી લીવમાં વધારો કરીને તેને ૨૬ અઠવાડિયા કરી છે. સરકારે જનધન યોજના વીમા સુરક્ષા, ગેસ કનેકશન, સસ્તી દવાોનાં પગલાં લીધાં છે. ૧૩૦૦૦ ગામોમાં વીજળી પહોંચાડવામાં આવી છે.

વડા પ્રધાન મોદીની લોકપ્રિયતા ૮૧ ટકા વધી

ભાજપ સરકારે સત્તાનું સુકાન સંભાળ્યાનાં ત્રણ વર્ષ પૂરાં કર્યાં છે ત્યારે મોદીની લોકપ્રિયતાનો ગ્રાફ વધીને ૮૧ ટકાએ પહોંચ્યો છે. મોદી સરકાર દ્વારા આ પ્રસંગે તેની કામગીરી અને દેશની પ્રગતિનું રિપોર્ટકાર્ડ રજૂ કરાયું હતું. જે મુજબ દેશનાં ૬૫ ટકા લોકોએ વિકાસ સામે સંતોષ અને આનંદ વ્યક્ત કર્યો છે. મોદી સરકાર સત્તા પર આવી તે પહેલાં ૨૦૧૩માં ફક્ત ૨૯ ટકા લોકો દેશમાં જે કંઈ ચાલી રહ્યું હતું તેનાથી રાજી હતાં. ૨૦૧૬માં ૬૫ ટકા લોકોએ દેશના વિકાસથી રાજીપો દર્શાવ્યો હતો. સરકાર દ્વારા જે રીતે આર્થિક પગલાં લેવામાં આવ્યાં અને અર્થતંત્રમાં તેજી લાવવામાં આવી તેનાથી ૮૦ ટકા લોકોએ આનંદ વ્યક્ત કર્યો હતો. ૨૦૧૩માં આ આંક ૫૭ ટકાનો હતો. મોદીએ ટ્વિટ કર્યું હતું કે ૩ વર્ષમાં લોકોનાં જીવનધોરણમાં આમૂલ પરિવર્તન આવ્યું છે.


comments powered by Disqus