ઘરે ઘરે વીજળી પહોંચાડશે ‘સૌભાગ્ય’

Wednesday 27th September 2017 06:32 EDT
 
 

નવી દિલ્હીઃ દેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારોના તમામ ઘરો સુધી વીજળી પહોંચાડવા માટે મોદી સરકારે મહત્ત્વાકાંક્ષી ‘સૌભાગ્ય’ યોજના જાહેર કરી છે. સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનસંઘના સ્થાપક દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે દેશને ૧૬,૩૨૦ કરોડ રૂપિયાની આ મહત્ત્વની યોજનાની ભેટ આપી હતી.
‘સૌભાગ્ય’ યોજના અંતર્ગત દરેક ગામ, દરેક શહેરના દરેક ઘર સુધી વીજળી પહોંચાડવાનો લક્ષ્યાંક છે. ડિસેમ્બર-૨૦૧૮ સુધીમાં આ યોજના પૂરી કરવાનો લક્ષ્યાંક મૂકાયો છે. ચાર કરોડથી વધુ ગ્રામીણ-શહેરી પરિવારોના ઘરમાં આ યોજના દ્વારા વીજળી પહોંચાડાશે.
વર્ષ ૨૦૧૧ની સામાજિક-આર્થિક વસતી ગણતરી અંતર્ગત નોંધાયેલા ગરીબોને મફત વીજળી કનેક્શન અપાશે. જે લોકોનાં નામ નથી નોંધાયેલા તેઓ પણ ૫૦૦ રૂપિયા આપીને વીજળીનું કનેક્શન મેળવી શકશે. આ રકમ તેઓ ૫૦ રૂપિયાના ૧૦ હપતામાં ચૂકવી શકશે.
વડા પ્રધાને કહ્યું કે દેશ સ્વતંત્ર થયો તેને ૭૦ વર્ષ થયા છતાં હજી ૪ કરોડથી વધુ પરિવારોમાં હજી વીજળી પહોંચી નથી તે દુ:ખદ બાબત છે. અગાઉ વીજળીકાપ અને કોલસાની અછત સર્જાતી ત્યારે બ્રેકિંગ ન્યૂઝ આવતા હતા, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે અને વીજળીની અછતમાંથી દેશ જરૂરિયાત કરતાં પણ વધારે વીજળી ઉત્પન્ન કરવા લાગ્યો છે.
‘સૌભાગ્ય’ યોજના અંતર્ગત દૂર-સુદૂરના ગામોમાં વીજળીથી વંચિત ઘરોમાં મોદી સરકાર બેટરી બેન્ક ઉપલબ્ધ કરાવશે. તેમાં ૨૦૦થી ૩૦૦ વોટના સોલાર પાવર પેક હશે, જેમાં પાંચ એલઈડી બલ્બ, એક ડીસી પંખો, એક ડીસી પાવર પ્લગ અને પાંચ વર્ષ માટે મેઈન્ટેનન્સની સવલત પણ મળશે.
‘સૌભાગ્ય’ યોજના પ્રારંભે બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઓડિશા, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન અને પૂર્વોત્તર રાજ્યોમાં અમલી બનશે.
આશરે ૧૬,૩૨૦ કરોડ રૂપિયાની યોજનામાંથી ગ્રામીણ વિસ્તારો માટે ૧૪,૦૨૫ કરોડ રૂપિયા અને શહેરો માટે ૨૨૯૫ કરોડ રૂપિયા ફાળવાશે.
‘સૌભાગ્ય’ યોજના શું છે
• આ યોજના અંતર્ગત દરેક ઘરમાં વીજળી પહોંચાડાશે અને ગરીબોને મફત વીજળીનું કનેકશન અપાશે. • જે ગરીબોનું સામાજિક-આર્થિક વસતી ગણતરીમાં નામ નોંધાયેલું છે તેમને તેનો લાભ મળશે. • જેમનું નામ નોંધાયેલું નથી તેઓ રૂ. ૫૦૦ અને એ પણ ૧૦ હપ્તામાં આપીને નામ નોંધાવી શકશે. • વીજળી નથી તેવા ઘરોને બેટરી બેન્ક અપાશે અને સોલાર પાવરથી ઘર ઝગમગાવાશે. ૨૦૦થી ૩૦૦ વોટની વીજળીવાળી પાવર બેન્ક અપાશે. • આ પાવર બેન્કમાં પાંચ એલઇડી બલ્બ અને ડીસી પંખા અપાશે. • કેન્દ્ર સરકાર આ યોજના માટે ૧૬,૩૨૦ કરોડ રૂપિયા ખર્ચ કરશે.


comments powered by Disqus