લંડનઃ મણિકાકાના નામે લોકપ્રિય મણિભાઈ તલશીભાઈ પટેલનું ૯૬ વર્ષની વયે બુધવાર, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ સાંજના ૪.૦૦ કલાકે નિધન થયું હતું. તેમનો જન્મ ૧૯૨૧ની ત્રીજી એપ્રિલે ગુજરાતના ખેડા જિલ્લાના નદિયાદ તાલુકાના અખડોલ ગામે થયો હતો. નાની વયે તેમની માતાના દેહાંત પછી સગાંસંબંધીઓ દ્વારા તેમનો ઉછેર વસોમાં થયો હતો. તેમણે વડોદરા જિલ્લાના ડભોઈમાં શિક્ષણ મેળવ્યું હતું અને ૧૯૪૦માં મેટ્રિક પાસ થયા પછી ફોઈની સાથે યુગાન્ડા ગયા હતા.
મણિભાઈએ જિંજામાં થોડો સમય બેન્કમાં કામ કર્યું હતું. જોકે, કોઈના માટે કામ કરવાનું તેમના સ્વભાવમાં જ ન હતું. તેમણે બેન્કની નોકરી છોડી જિંજામાં પેકેજિંગ બિઝનેસ શરૂ કર્યો હતો અને સરમુખત્યાર જનરલ ઈદી અમીન દ્વારા ૧૯૭૨માં એશિયનોની હકાલપટ્ટી કરાઈ ત્યાં સુધી તેમણે આ બિઝનેસ ચલાવ્યો હતો. તેઓ લંડનમાં સ્થાયી થયા પછી ૫૨ વર્ષની વયે તેમણે પુત્ર ગિરીશ સાથે પોતાનો પ્રિન્ટિંગ બિઝનેસ શરૂ કર્યો હતો. તેમનો બિઝનેસ આજે લંડનમાં સારી પ્રતિષ્ઠા ધરાવે છે.
તેઓ વ્યસ્ત બિઝનેસમેન હોવાં છતાં, સામાજિક અને સખાવતના કાર્યો માટે સમય કાઢી લેતા હતા. તેઓ લિબરલ ડેમોક્રેટ્સ પાર્ટીમાં પણ સક્રિય હતા. મણિભાઈના ચેરિટેબલ કાર્યોની કદર કરીને ક્વીન દ્વારા તેમને મેમ્બર ઓફ બ્રિટિશ એમ્પાયર (MBE)નો ઈલકાબ અપાયો હતો. તેઓ ૭૦થી વધુની વયે નિવૃત્તિ પછી મોટા ભાગનો સમય ભારતમાં વ્યતીત કરતા હતા.
તેમના જીવનનો ઉદ્દેશ તમામ માટે શિક્ષણનો રહ્યો હોવાથી તેઓ એસ.એન. પટેલ આદર્શ વિદ્યામંદિરનું સંચાલન કરતા અખડોલ કેળવણી મંડળની એક્ઝિક્યુટિવ સમિતિના સભ્ય અને ૧૯૯૬માં તેના પ્રમુખ બન્યા હતા. તેમની અથાક મહેનતથી આ શાળાએ પ્રતિષ્ઠા હાંસલ કરી છે અને તેમાં ૩૪ના સ્ટાફ સાથે ૧,૦૦૦થી વધુ વિદ્યાર્થી અભ્યાસ કરે છે. તેમને આ સ્કૂલના આજીવન ટ્રસ્ટી પણ બનાવાયા હતા. તેઓ બ્રહ્મા કુમારી સંસ્થામાં પણ સક્રિય હતા. સંસ્થાની નડિયાદ શાખામાં ‘ડાયમન્ડ બ્રધર’ તરીકે જાણીતા હતા.
મણિભાઈના લગ્ન શાંતાબહેન સાથે થયા હતા. લગ્નજીવનમાં તેમને પુત્રી રશ્મિ, બે પુત્ર ગિરીશ અને અશ્વિન તેમજ પુત્રી સંગીતાનો પરિવાર મળ્યો હતો. તેઓ પાંચ છોકરા અને બે છોકરીના દાદા પણ બન્યા હતા. તેમની અંતિમ ક્રિયા અખડોલ સ્મશાનગૃહમાં શનિવાર, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ કરવામાં આવી હતી.
