ગુજરાતની આઠ પ્રતિભાઓને પદ્મ સન્માન

Wednesday 01st February 2017 05:28 EST
 
 

(પદ્મભૂષણ) 

રત્નસુંદર મહારાજ - વ્યસન મુક્તિ માટે ઝુંબેશ

જૈન ધર્મના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત જૈનાચાર્યની પદ્મભૂષણ એવોર્ડ માટે પસંદગી થઈ છે. યુથ આઇકન તરીકે ઓળખાતા જૈનાચાર્ય રત્નસુંદર મહારાજે જ્ઞાનના પ્રચાર સાથે ૩૧૧ જેટલા પુસ્તકો લખ્યા છે અને અત્યાર સુધીમાં ૮૦ લાખ પ્રતોનું વિતરણ કર્યું છે. એક જ ભાષામાં ૨૭૫ પુસ્તકો લખવા બદલ ત્રણ વર્ષ પૂર્વે ‘ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’થી નવાજવામાં આવ્યા હતા. વ્યસનમુક્તિ માટે વર્ષોથી અભિયાન ચલાવી રહ્યા છે અને એના પરિણામે લાખો યુવાનો તેમના ભક્ત બની ચૂક્યા છે.

•••

(પદ્મશ્રી)

વિષ્ણુ પંડ્યા - પત્રકાર લેખક-ઇતિહાસવિદ્

વિષ્ણુ પંડ્યા ગુજરાત સમાચારના કટાર લેખક તથા માનદ તંત્રી છે. તેઓ ક્રાન્તિવીર લેખક-ઇતિહાસવિદ્ છે. સાધના સાપ્તાહિકના તંત્રી તરીકે ૧૯૬૭માં કારકિર્દીની શરૂઆત કરી. ત્યારથી વિવિધ અખબારો-સામયિકોમાં લેખન પ્રવૃત્તિ કરી રહ્યા છે. પત્રકારત્વનાં ૧૦ પુસ્તકો સહિત તેમણે લખેલાં કુલ ૯૨ પુસ્તકોમાંથી ૧૫ને સાહિત્ય પરિષદ-અકાદમીના એવોર્ડ મળ્યા છે. ઇતિહાસ લેખન માટે એમને નર્મદ સુવર્ણચંદ્રક અને ‘મિસાવાસ્યમ’ને કાકાસાહેબ પારિતોષિક મળ્યું હતું.

•••

પુરુષોત્તમ ઉપાધ્યાય પદ્મશ્રી - સંગીતનો ટહુકાર

ગુજરાતી સુગમ સંગીતનો શ્વાસ એટલે પુરુષોત્તમ ઉપાધ્યાય. તેમની રચનાઓ મહોમ્મદ રફી અને બેગમ તરન્નુમ જેવા ગાયકોએ ગાઇ છે. તેમની સંગીત યાત્રા આલેખતાં પુસ્તક ‘સુરોત્તમ પુરુષોત્તમ’નું લતા મંગેશકરે વિમોચન કરેલું, તેમજ લતાજીએ તેમના જીવનનું સૌથી પહેલું ગુજરાતી ગીત ગાયું, તે પુરુષોત્તમ ઉપાધ્યાય દ્વારા સ્વરબદ્ધ થયેલું. તેઓ અમેરિકાનો ગાંધી સ્મૃતિ એવોર્ડ, તેમજ ગુજરાત સરકારના ગુજરાત ગૌરવ એવોર્ડ સહિત ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ મેળવી ચુક્યા છે.

•••

ગેનાભાઈ પટેલ - દાડમની ખેતીથી કમાલ

બનાસકાંઠાના લાખણી પંથકના દિવ્યાંગ ખેડૂત ગેનાભાઇ પટેલ અનારકાકા તરીકે ઓળખાય છે. તેમણે દાડમની ખેતીમાં કરેલી કમાલની સાફલ્ય ગાથા દિલ્હી સુધી પહોંચતાં પદ્મશ્રી માટે તેમની પસંદગી થઇ છે. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણથી પ્રભાવિત થઇને એમણે બાગાયતી ખેતીમાં ઝંપલાવ્યું અને આજે સિધ્ધિના સોપાન સર કર્યા. બનાસકાંઠા ની કૃષિ યુનિવર્સિટી અને ખેતીવાડી વિભાગમાંથી માહિતી એકઠી કરી દાડમની ખેતીમાં ડંકો વગાડ્યો છે.

•••

ડો. સુબ્રતો દાસ - હાઇવે ઇમરજન્સી મેડિકલ સર્વિસ

દેશની જાણીતી હાઇવે ઇમરજન્સી મેડિકલ સર્વિસીસ (ઇએમએસ)ના સ્થાપક એવા વડોદરાના ડો. સુબ્રતો દાસ અને તેમના પત્ની સુષ્મિતા દ્વારા લાઇફલાઇન ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી. બિનનફાકારક એવા આ સંગઠન દ્વારા હાઇવે માટે ખાસ હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી હતી. જે ભૌગોલિક દૃષ્ટિએ દક્ષિણ એશિયામાં સૌથી વધુ વિસ્તારમાં ઇમરજન્સી મેડિકલ સેવાઓ ઉપલબ્ધ કરાવતી હતી. ત્યાર પછી ૧૦૮ સર્વિસ કાર્યરત થઈ હતી.

•••

ડો. દેવેન્દ્ર પટેલ - કેન્સર સામે અડગ ઢાલ

ગુજરાતમાં ઓન્કોસર્જરીનો પરિચય કરાવનારા ડો. દેવેન્દ્ર પટેલને રાષ્ટ્રીય સન્માન મળતાં અમદાવાદ શહેરનું ગૌરવ ઓર વધી ગયું છે. વર્ષ ૧૯૬૬માં તેઓ ગુજરાત કેન્સર સોસાયટી સાથે ચીફ સર્જન તરીકે જોડાયા હતા. વર્ષ ૧૯૯૦થી ૧૯૯૩ દરમિયાન તેમણે હોસ્પિટલમાં ડેપ્યુટી ડાયરેક્ટર અને ત્યાર પછી વર્ષ ૨૦૦૩ સુધી તેમણે હોસ્પિટલના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી હતી. તેમના સમયગાળામાં MCH સુપર સ્પેશ્યાલિટી જેવી સુવિધાનો વિકાસ થયો હતો.

•••

એચ. આર. શાહ - સેવાભાવી એનઆરજી

એચ આર શાહ અમેરિકાની ટીવી એશિયા નેટવર્કના ચેરમેન તથા સીઇઓ એચ.આર.શાહ ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ તથા ટ્રસ્ટી છે. અમેરિકામાં તેઓ સેવાકીય પ્રવૃત્તિએ સાથે જોડાયેલા છે અને અનેક સંગઠનોની સાથે તેઓ સક્રિય રીતે સંકળાયેલા છે. ગુજરાતના ભૂકંપથી લઈને અનેક કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ સેવાઓ આપવા હંમેશા અમેરિકામાંથી સક્રિય રહે છે. અમદાવાદના ક્રિશ્ના હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક ડાયરેક્ટર પણ હતા.

•••

વી. જી. પટેલ - ઉદ્યોગ સાહસિકતા

ઉદ્યોગ સાહસિકતા માટે પ્રેરકબળ પૂરું પાડનાર વી. જી. પટેલ એન્ટ્રપ્રિનિયરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સ્થાપક ડાયરેક્ટર છે. તેમણે લખેલું ‘ધ સેવન બિઝનેસ ક્રાઇસિસ એન્ડ હાઉ ટુ બીટ ધેમ’ પુસ્તક ઉદ્યોગસાહસિકો માટે ઘણું ઉપયોગી નિવડે તેમ છે. આ ઉપરાંત લઘુઉદ્યોગકારોને ધંધા વ્યવસાય માટે તેઓ મદદ કરે છે. નાના ઉદ્યોગો, તેમના અર્થતંત્ર અને તેના વિકાસને માટે તેઓ ઉપયોગી કાઉન્સેલર તરીકે અને નીતિઓના ઘડવૈયા તરીકે ભૂમિકા અદા કરી ચૂક્યા છે.


comments powered by Disqus