લંડનઃ જોબ કરતા લોકો માટે ઓફિસ અવર્સ દરમિયાન બ્રેક લઇને ચા-નાસ્તો કરવો સામાન્ય બાબત છે. મોટા ભાગે કર્મચારી તેના પર થતા ખર્ચનો હિસાબ પણ રાખતા નથી. જોકે બ્રિટનમાં કરાયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે મોટા ભાગના કર્મચારીઓ પોતાની સમગ્ર કેરિયર દરમિયાન ચા-નાસ્તા, નાની-મોટી પાર્ટીઓ તથા અન્ય વસ્તુઓ પાછળ લગભગ ૪૦ હજાર પાઉન્ડ ખર્ચી નાખે છે.
બ્રિટનની એક ફાઈનાન્સિયલ એજન્સી નેશનવાઇડ બિલ્ડિંગ સોસાયટીએ સમગ્ર દેશમાં સર્વે કરાવ્યો હતો. જે અનુસાર મોટા ભાગે નોકરિયાત ચા-નાસ્તા માટે વર્ષમાં ૧૦૦૩ પાઉન્ડ ખર્ચ કરે છે. જો એક કર્મચારીની કારકિર્દી ૪૦ વર્ષની ગણવામાં આવે તો સરેરાશ ૪૦ હજાર પાઉન્ડ ખર્ચે છે. બ્રિટનમાં એક કર્મચારીની સરેરાશ વાર્ષિક કમાણી ૨૦ હજાર પાઉન્ડ હોય છે. આમ તે સમગ્ર કેરિયર દરમિયાન નાસ્તા-પાણી પાછળ જે રકમ ખર્ચે છે તે તેના બે વર્ષની કુલ કમાણી જેટલી હોય છે. ઉલ્લેખનીય છે કે આ ખર્ચમાં ઓફિસે આવવા-જવાનો અને દરરોજના લંચનો ખર્ચ સામેલ કરાયો નથી.
સર્વેમાં જણાવાયું છે કે ક્રિસમસનું સપ્તાહ કર્મચારીઓ માટે વધારે ખર્ચાળ સાબિત થાય છે. આ દિવસોમાં ડ્રિંક્સ અને ગિફ્ટની લેવડદેવડ માટે કર્મચારી વધારે રકમ ખર્ચ કરે છે. સર્વે પ્રમાણે ક્રિસમસના સમયે કર્મચારી સરેરાશ ૧૩૮.૩૬ પાઉન્ડ દરરોજ ખર્ચ કરે છે. રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું છે કે લોકો સાથી કર્મચારીઓ સાથે રાતે પાર્ટી કરતાં વધારે ઓફિસ સમયે ચા-કોફી અને સ્વીટ
માટે વધારે પૈસા ખર્ચ કરે છે. સરેરાશ કર્મચારી ફક્ત ચા-કોફી માટે એક વર્ષમાં ૬૬ પાઉન્ડ ખર્ચ કરે છે.
નેશનવાઇડના પ્રમુખ એલન ઓલીવરે કહ્યું કે મોટા ભાગના કર્મચારીઓને ઓફિસમાં સાથીઓના બર્થ-ડે અથવા ફેરવેલ પાર્ટી માટે કોન્ટ્રીબ્યુશન કરવામાં કોઇ મુશ્કેલી થતી નથી.
આ સર્વે ૨૦૦૦ કર્મચારીઓ વચ્ચે કરાયો હતો, જેમાં ૧૦ ટકા લોકોએ માન્યું હતું કે તે સપ્તાહમાં ઓછામાં ઓછો એક દિવસ કર્મચારીઓ સાથે પાર્ટી કરે છે. જ્યારે ૩૫ ટકા લોકોએ કહ્યું કે તેમણે સાથી કર્મચારીઓ સાથે બહાર જવુ પસંદ નથી.

