શ્રીનગર/બનિહાલઃ જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમપ્રપાતમાં ગોધરાના ૧ જવાન સહિત ૨૦ સૈનિક અને અન્ય લોકોના સહિત ૨૫નાં મોત થયાં છે. હિમપ્રપાત અને ભૂસ્ખલનના કારણે ૨૭મીએ સતત જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે બંધ રહ્યો હતો. હિમપ્રપાતગ્રસ્ત ગુરેઝ સેક્ટરમાં લાપતા સૈનિકના મૃતદેહ વારાફરતી મળી આવતાં સૈનિકોનો કુલ મૃત્યુઆંક ૨૦ થયો છે.
ગોધરાના ઓરવાડા ગામના વતની સુનીલ ભાઇ તખતસિંહ પટેલ પોતાની ૫૧ રાષ્ટ્રીય રાઇફલ્સના સાથી જવાનો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હિમસ્ખલનની લપેટમાં આવીને મૃત્યુ પામ્યા હતા. સેનાના રેસ્ક્યૂ અભિયાનમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. ગુરેઝમાં હિમપ્રપાતમાં સૈનિકો બરફ નીચે દટાયા હતા. રેસ્ક્યૂ ટીમોએ સાત જવાનને જીવતા બહાર કાઢ્યા હતા જ્યારે ૧૦ સૈનિકના મૃતદેહ મળ્યા હતા. પછી હિમવર્ષાના પગલે હિમપ્રપાતની જુદી જુદી ઘટનાઓમાં ૨૦ સૈનિકનાં મોત થયા છે.
કાશ્મીરના માછિલ સેક્ટરમાં હિમસ્ખલનમાં દટાયેલાં પાંચ જવાનો સતત બે દિવસથી જીવન અને મોત વચ્ચેનો સંઘર્ષ કરી રહ્યા હતા. આ સંઘર્ષમાં આખરે તેમનો પરાજય થયો હતો અને સોમવારે પાંચ જવાનોનાં મોત થયા હતા. મૃત્યુ પામેલા જવાનોમાં એક જવાન દેવા હઝાભાઈ પરમાર ભાવનગરનો વતની હોવાનું પણ બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, તેમની સારવાર ચાલી રહી હતી છતાં આંતરિક ઈજાને કારણે તેઓ મૃત્યુ પામ્યા હોવાની સૂત્રોમાં ચર્ચા છે.
શોક વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન
કાશ્મીરના ગુરેઝમાં હિમપ્રપાતમાં સૈન્યના જવાનોના મોત અંગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને પીએમ મોદીએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી. આર્મી ચીફ જનરલ બિપિન રાવતને પાઠવેલા સંદેશામાં રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, 'કાશ્મીરમાં હિમપ્રપાતમાં ઘણા સૈનિકોએ જીવ ગુમાવ્યા હોવાનું અને કેટલાક સૈનિકો લાપતા હોવાનું જાણીને મને ઘણું દુ:ખ થયું છે.'

