સુરતઃ સુરતના ઘોડાદરા વિસ્તારમાં ૩૦મી જાન્યુઆરીએ વાછરડાના કપાયેલા ડોકાને લઈને ગૌરક્ષા અને તેને સંલગ્ન સંસ્થાઓએ તોફાન મચાવ્યું હતું. હાડપિંજર સાથે મળેલું વાછરડાંનું ડોકું ત્રણ દિવસ જૂનું હતું. આ ડોકા સાથે કલેકટર કચેરીએ રેલી લઈ જવાની જીદ સાથે ઉશ્કેરાયેલા ૫૦૦થી ૭૦૦ માણસોનાં ટોળાએ પોલીસ પર જ પથ્થરમારો કર્યો હતો અને કેટલીક દુકાનોમાં આગ ચાંપી દીધી હતી. ઘોડાદરા મહારાણા પ્રતાપ સર્કલ અને નીલગીરી વિસ્તારમાં આવેલી ત્રણ ચીકનશોપની તોડફોડ કરીને એકને ટોળાએ સળગાવી દીધી હતી. તોફાનીઓએ કરેલા પથ્થરમારામાં બે સબઇન્સ્પેક્ટર સહિત છ જેટલા પોલીસ કર્મચારીઓ અને એક ફોટોગ્રાફર ઘવાતાં પોલીસે તોફાનીઓને કાબૂમાં લેવા હળવો લાઠીચાર્જ કર્યો હતો અને ૬૯ ટીયરગેસના શેલ છોડવાની સાથે ૪૧ તોફાનીઓને ડિટેઇન કર્યાં હતાં. ગાયનું ડોકું લઈને જવાની વાતે દુકાનોમાં ટોળાએ તોડફોડ કરવાની શરૂઆત કરી અને પોલીસ સાથે લોકો ઘર્ષણમાં ઉતરતાં પથ્થરમારો શરૂ કર્યો હતો.
પોલીસ પર પથ્થરમારા સાથે તોફાનો શરૂ થઈ ગયા હતા. રોડ અને શેરીઓની ગલીઓમાંથી પણ પોલીસ પર ટોળાએ પથ્થરમારા શરૂ કરી દેતાં સબ ઇન્સ્પેકટર આર. એન. રાઠવા, કોન્સ્ટેબલ વિકાસ વિશ્વાસ અને ભરત ભાગવત સહિત છ પોલીસકર્મી પથ્થરમારામાં ઘવાયા હતા. સબઇન્સપેક્ટર રાઠવાના માથે વધુ ઈજા થતાં તેમને ત્વરિત હોસ્પિટલમાં ખસેડાયા હતા. હરીશ ચૌધરી નામના યુવાન અને એક ફોટોગ્રાફરને પણ ભાગદોડ દરમિયાન ઈજા થતાં હોઈ તેને સુરતની નવી સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

