જામનગરઃ મેડિકલ કોલેજની ૧૨૫૦ સીટ છે તેમાં વધુ ૫૦ સીટનો ઉમેરો કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે જામનગરમાં મેડિકલ કોલેજ માટે નવનિર્મિત સંકુલનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે મુખ્ય પ્રધાનના હસ્તે રૂ. ૧૧૦ કરોડની રકમ સંસ્થાને અપાઈ હતી.
ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા બાદ ૨૯મીએ પ્રથમ વખત જામનગર આવેલા વિજયભાઈ રૂપાણીએ ધનવંતરી મેદાનમાં યોજાયેલી જાહેરસભામાં સંબોધતાં જણાવ્યું હતું કે, જામનગરની એમ. પી. શાહ મેડિકલ કોલેજ અને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ગુજરાત અને દેશનું ગૌરવ છે. બંનેના વિકાસ માટે અને જરૂરિયાત સંતોષવા સરકાર દ્વાર સક્રિય પ્રયાસો થાય છે. મુખ્ય પ્રધાન દ્વારા મહાપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર યોજના હેઠળ રૂ. ૩૦૭.૩૯ કરોડના ખર્ચે તૈયાર થયેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ પણ ૨૯મીએ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કૃષિ અને ઊર્જા પ્રધાન ચીમનભાઈ સાપરિયા, આરોગ્ય રાજ્ય પ્રધાન શંકરભાઈ ચૌધરી, પાણી પુરવઠા પ્રધાન બાબુભાઈ બોખીરિયા અતિથિ વિશેષ તરીકે હાજર હતા. સાંસદ પૂનમબહેન માડમ, ધારાસભ્યો વસુબહેન ત્રિવેદી, મેઘજીભાઈ ચાવડા તથા જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલની પણ હાજરી હતી.

