પોરબંદરઃ ભારતીય જળસીમામાંથી માછીમારોને બોટ સાથે ઉઠાવી જવાનો સિલસિલો પાકિસ્તાન મરિન દ્વારા ચાલુ રહ્યો છે ત્યારે પ્રજાસતાક પર્વના દિવસે જ પાકિસ્તાન મરિને વધુ ૬૦ ભારતીય માછીમારોને ૧૦ બોટ સાથે બંદૂકના નાળચે ઉઠાવી ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેથી માછીમાર પરિવારોમાં ચિંતા સાથે રોષની લાગણી ફેલાઈ છે. પાક. મરિને કેટલી બોટ અને કેટલા માછીમારોનાં અપહરણ કર્યાં તે જાણવા તંત્રએ કવાયત હાથ ધરી છે.
ર૬ જાન્યુઆરીની વહેલી સવારે પોરબંદર અને ઓખાની દસેક જેટલી બોટો સાથે ભારતીય સ્થાનિક માછીમારો માછીમારી કરી રહ્યા હતા. આ સમયે અચાનક જ પાકિસ્તાન મરિનની બોટોએ ભારતીય જળસીમામાં ઘૂસીને માછીમારોની બોટોને ઘેરી લીધી હતી. એ પછી દસ જેટલી બોટ સાથે ૬૦ જેટલા માછીમારોને બંદૂકનાં નાળચે ઉઠાવી ગઈ હતી. જોકે, પાક. મરિન કેટલા માછીમારો અને કેટલી બોટનાં અપહરણ કરી લઈ ગઈ છે તે આંકડો હજુ સુધી જાણવા મળ્યો નથી. પ્રાથમિક તપાસમાં તમામ ખલાસીઓ ઊના, વલસાડ તરફના હોવાનું જાણવા મળ્યું છે.
નોંધનીય છે કે, પાકિસ્તાનની જુદી જુદી જેલમાં લાંબા સમયથી સબડી રહેલા ૪૧૯ માછીમારોને તાજેતરમાં જ મુકત કર્યાં છે ત્યારે ફરી એક વખત ભારતીય માછીમારોનાં પાકિસ્તાન મરિન દ્વારા અપહરણ કરાતા તેની નાપાક હરકતથી માછીમાર પરિવારોમાં રોષની લાગણી સાથે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાન મરિન છેલ્લા લાંબા વર્ષોથી ગુજરાતનાં દરિયાઈ જળસીમામાં ઘૂસી જઈ માછીમારો અને બોટોને ઉઠાવી જાય છે. બીજી તરફ પકડાયેલા માછીમારોને જેલમાંથી મુક્ત કરવાનું પાકિસ્તાન નાટક કરે છે, પરંતુ માછીમારોની કિંમતી બોટો પરત કરવાનું નામ લેતું નથી. જાણવા મળ્યાં મુજબ, ગુજરાતની જળસીમામાંથી ઉઠાવી જવાયેલી અબજો રૂપિયાના કિંમતની અંદાજિત ૯૦૦ જેટલી કિંમતી બોટો હાલ પાકિસ્તાનનાં જુદાં જુદાં બંદરો પર સડી રહી છે.
