નવી દિલ્હીઃ ભારતના ૬૮મા પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં હાજરી આપવા નવી દિલ્હી આવેલા યુનાઇટેડ આરબ અમિરાત (યુએઈ)ના પ્રિન્સ જાયેદની ઉપસ્થિતિમાં ભારત-અબુધાબી વચ્ચે ૧૪ મહત્ત્વના કરાર થયા છે. પ્રિન્સ જાયેદ અને યજમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મંત્રણા યોજાઇ ચર્ચા યોજાઈ હતી. જેમાં સંરક્ષણ, સિક્યુરિટી, આઈટી સર્વિસીસ, સાયબર સ્પેસ, શિપિંગ તેમજ હાઈવે પ્રોજેક્ટ અંગે દ્વિપક્ષીય સમજૂતી કરવામાં આવી હતી. યુએઈ આગામી કેટલાંક વર્ષમાં ભારતમાં પાંચ લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરશે. બંને નેતાઓ વચ્ચે એનર્જી અને રોકાણનાં મુદ્દે દ્વિપક્ષીય વાટાઘાટો હાથ ધરાઈ હતી.
અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામા જ્યારે બે વર્ષ પહેલાં રિપબ્લિક ડે પરેડમાં હાજરી આપવા ભારત આવ્યા ત્યારે મોદીએ તેમને હૈદરાબાદ હાઉસના ગાર્ડનમાં સેર કરાવી હતી અને ‘ચાય પે ચર્ચા’ કરી હતી. આ જ ગાર્ડનમાં પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહ્યા તેમજ નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા હાથ ધરાઈ હતી.
યુએઇ ભારતનું મિત્ર રાષ્ટ્રઃ મોદી
પ્રિન્સ અને વડા પ્રધાન વચ્ચે ૨૫ જાન્યુઆરીએ સવારે ૭, લોકકલ્યાણ માર્ગ પર મિટિંગ યોજાઈ હતી. આ પછી બપોરે હૈદરાબાદ હાઉસમાં બંને દેશનાં પ્રતિનિધિ મંડળો વચ્ચે વાટાઘાટો યોજાઈ હતી. મોદીએ કહ્યું હતું કે યુએઈ ભારતનું બેસ્ટ એનર્જી પાર્ટનર છે. ભારતની ગ્રોથ સ્ટોરીમાં યુએઈનો ફાળો મહત્ત્વનો છે. બન્ને દેશોએ આગામી સમયમાં વધુ ગાઢ દ્વિપક્ષીય સંબંધો સ્થાપિત કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ટ્રેડ પાર્ટનરશિપ અંગે બંને દેશોએ કરાર કર્યા હતા.
મોદી અને પ્રિન્સ વચ્ચે વેપાર-ઉદ્યોગ, ત્રાસવાદ, ઈસ્લામિક કટ્ટરવાદ અને તેના કારણે સમગ્ર પ્રદેશમાં સર્જાયેલા ખતરા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. મોદીએ કહ્યું હતું કે યુએઈ ભારતનું મહત્ત્વનું મિત્ર રાષ્ટ્ર છે. યુએઈનાં સંસ્થાકીય રોકાણકારોને ભારતનાં નેશનલ ઈન્વેસ્ટમેન્ટ અને ઈન્ફ્રાસ્ટ્રકચર ફંડ સાથે જોડવામાં આવશે.
આતંકવાદ સામે સંયુક્ત લડાઈ
યુએઈએ ભારતનાં એનર્જી સેક્ટરમાં નવા પ્રોજેક્ટ શરૂ કરવા તૈયારી દર્શાવી હતી. સંરક્ષણ ક્ષેત્રે કરાર કરાયા હતા. બંને દેશોએ આતંકવાદ સામે સંયુક્ત રીતે લડવાનું નક્કી કર્યું હતું. આતંકી હુમલાઓની ટીકા કરી હતી. મોદી અને પ્રિન્સ જાયેદે સ્વીકાર્યું હતું કે આતંકવાદ બંને દેશો માટે ખતરો છે. આતંકવાદ સામે સાથે મળીને લડવા સંમતિ સધાઈ હતી. અફઘાનિસ્તાન અને પશ્ચિમ એશિયામાં સહયોગ વધારવા પર ભાર મૂકાયો હતો. અબુધાબીમાં મંદિર નિર્માણ માટે જમીન ફાળવવા બદલ વડા પ્રધાન મોદીએ પ્રિન્સનો આભાર માન્યો હતો. ભારતનાં ૨૬ લાખ લોકો માટે યુએઈ તેનાં ઘર જેવું છે તેમ કહ્યું હતું.
ભારતને ક્રૂડ ઓઈલ સંગ્રહની મંજૂરી
યુએઈ સાથે કરાયેલા ૧૪ કરારોમાં ગલ્ફના દેશોને દક્ષિણ ભારતમાં ઓઈલ રિઝર્વ તૈયાર કરવા માટે અપાયેલી મંજૂરીનો પણ સમાવેશ થાય છે. ૨૦૧૪માં ભારતે અબુધાબીને ઓઈલ સ્ટોરેજ સુવિધા લીઝ પર આપવાનો સોદો કર્યો હતો. જેમાં ઈમરજન્સીમાં ભારતને ક્રૂડ ઓઈલનો સંગ્રહ કરવા મંજૂરીનો અને ભારતને ઓઈલ સપ્લાય કરવાનો સમાવેશ થાય છે.
છ હાઈ-વે પ્રોજેક્ટમાં મૂડીરોકાણ
બંને દેશો વચ્ચે સંરક્ષણ, મેરિટાઈમ સિક્યુરિટી, સાયબર સ્પેસ, કોમર્સ તેમજ અન્ય ૧૦ કરાર કરાયા હતા. આર્થિક સંબંધો અંગેનાં સેક્રેટરી અમર સિંહાએ કહ્યું હતું કે યુએઈ ભારત માટે બેસ્ટ ટ્રેડ પાર્ટનર છે. બંને દેશો વચ્ચે વેપારી અને ઔદ્યોગિક સંબંધો વિકસાવવા કરાર કરાશે. પાઈરસી ઘટાડવા, નાગરિક અણુ ક્ષેત્રે, આઈટી સર્વિસીસ અને પાંચથી છ જેટલા હાઈ-વે પ્રોજેક્ટ અંગે કરાર કરાયા હતા.
દાઉદ ઇબ્રાહીમ માટે શું કરાશે?
મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહીમ સામે પગલાં લેવાનાં સંદર્ભમાં સિંહાએ કહ્યું હતું કે જ્યાં સુધી સરકાર કોઈ એક્શન ન લે ત્યાં સુધી કશું કહી શકાય નહીં. યુએઈ દ્વારા દાઉદની સંપત્તિ ટાંચમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાની પણ ચર્ચા છે. બંને દેશો ગુપ્ત માહિતીની આપ-લે કરે છે. યુએઈએ ક્યારેય ભારતને આઈએસ સામે લડવા કહ્યું નથી.
ઉલ્લેખનીય છે કે મોદી જ્યારે ૨૦૧૫માં યુએઈ ગયા હતા ત્યારે બંને દેશો વચ્ચે કેટલીક સમજૂતી થઈ હતી. જેમાં હવાલા કારોબાર રોકવા અને માહિતીની આપલે કરવાનું નક્કી કરાયું હતું. યુએઈ સરકાર દ્વારા દાઉદની ૧૫,૦૦૦ કરોડની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવી છે. દાઉદ હાલ કરાચીમાં છુપાયો હોવાનું મનાય છે.

