જૂનાગઢઃ વૈષ્ણવ સંપ્રદાયમાં સૌપ્રથમ વખત ઐતિહાસિક પુષ્ટિ મહાપર્વ મહોત્સવ જૂનાગઢ ખાતે યોજાઇ રહ્યો છે. જે અંતર્ગત વૈષ્ણવ ગૌરથ દ્વારા શ્રી યમુના યાત્રા સૌરાષ્ટ્રના ૧૦ જિલ્લાના ૧૧૧ શહેરો તથા ૧૦૦૦થી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં વિહાર કરી આગામી ૧૩ ફેબ્રુઆરીએ પુષ્ટિ મહાપર્વ મહોત્સવ ખાતે પહોંચશે અને વૈષ્ણવ સંપ્રદાયના આસ્થાના પ્રતીક સમી યમુના નદીજીનું પ્રદૂષણ દૂર કરવા માટે જનજાગૃતિ અભિયાન છેડી પાંચ લાખથી વધુ સહીઓ મેળવી સરકાર સુધી સૌરાષ્ટ્રના વૈષ્ણવોની લાગણી અને માંગણી પહોંચાડવામાં આવશે.
ગોસ્વામી ૧૦૮ દ્વારકેશલાલજી મહારાજના અધ્યક્ષસ્થાને જૂનાગઢ ખાતે આગામી ૧૦મીથી ૧૩મી ફેબ્રુઆરી દરમિયાન વૈષ્ણવ સંપ્રદાયમાં અનેક વિશ્વ રેકર્ડ સ્થાપિત કરતો ભવ્યાતિભવ્ય પુષ્ટિ મહાપર્વ મહોત્સવ યોજાનાર છે. ૧૦૦ વીઘાથી વધુ જમીનમાં યોજાઇ રહેલા આ મહોત્સવમાં દેશ-વિદેશથી લગભગ ૫થી ૮ લાખ વૈષ્ણવો હાજરી આપી દર્શનનો લાભ લેશે. ચાર દિવસ દરમિયાન વિવિધ સાંપ્રદાયિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે વિવિધ પ્રદર્શનો આ મહોત્સવમાં ગોઠવવામાં આવશે. આ પ્રસંગે કૂળના બાલકુ ખાસ ઉપસ્થિત રહેશે.
પુષ્ટિ મહાપર્વ મહોત્સવ અંતર્ગત વિશ્વમાં પહેલી વખત દેશવિદેશના વૈષ્ણવો યજમાન બની સામૂહિક રીતે ૧૧૧૧ લોટી ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત વૈષ્ણવો દ્વારા નોંધાયેલ શ્રી યમુનાજીની લોટીજીને વૈષ્ણ ગૌરથમાં બિરાજમાન કરી સૌરાષ્ટ્રભરમાં ૨૯ દિવસ સુધી શ્રીયમુના યાત્રા વિહાર કરશે. ૧૬મી જાન્યુઆરીએ અમરેલીથી ગોસ્વામી દ્વારકેશલાલજી મહારાજની ઉપસ્થિતિમાં આ યાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. તેમાં હજારો ભાવિકો જોડાયા હતા. આ યાત્રા જૂનાગઢમાં આગામી ૧૧ ફેબ્રુઆરીએ પહોંચશે અને બે દિવસ શહેરના તમામ વિસ્તારમાં વિહાર કરી ૧૩ના રોજ પુષ્ટિ મહાપર્વ મહોત્સવ ખાતે
પહોંચશે ત્યારે લગભગ ૫૧ હજારથી વધુ વૈષ્ણવો આ યાત્રાના સામૈયા કરી એક વિશ્વ રેકર્ડ સ્થાપિત કરશે.
વૈષ્ણવ સંપ્રદાયનો સામૂહિક રીતે પુષ્ટિ મહાપર્વ મહોત્સવ યોજાય તે માટે સંસ્થાના પ્રમુખ મિલન જોષી, ઉપપ્રમુખ ઇન્દુભાઇ વ્યાસ, મહામંત્રી આરતીબહેન ગઢિયા, ટ્રસ્ટી આદ્યશક્તિબેન મઝમુદાર, જયેશ ઉપાધ્યાય સહિતના સૌરાષ્ટ્ર- ગુજરાતના વૈષ્ણવ અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
