અમદાવાદઃ વલ્લભ વિદ્યાનગરની ભૂમિ પર ૬૮મા પ્રજાસત્તાક પર્વના મંગલ પ્રભાતે રાજ્યપાલ ઓ. પી. કોહલીએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિતના મહેમાનોની ઉપસ્થિતિમાં પોલીસ બેન્ડે છેડેલી રાષ્ટ્રગીતની કર્ણપ્રિય સુરાવલીઓ સાથે દેશભક્તિની માહોલમાં ત્રિરંગો લહેરાવ્યો હતો. ધ્વજને સલામી આપવા મોટી સંખ્યામાં નગરજનો, શાળાના બાળકો અને તાલુકા જિલ્લા કક્ષાના અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહ્યા હતા.
આણંદમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ભવ્ય ઊજવણી તો કરાઈ જ હતી. આ ઉપરાંત ગણતંત્ર પર્વની પૂર્વસંધ્યાએ જ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા કેટલાક લોકોપયોગી યોજનાની જાહેરાત કરાઈ હતી. જેમાં આણંદમાં રૂ. ૬૦ કરોડના ખર્ચે ૧૫૦ પથારીની નવી સિવિલ હોસ્પિટલ બનશે એ જાહેરાત મુખ્ય અને સૌથી અગત્યની હતી.
મુખ્ય પ્રધાને ગ્રામીણ પ્રજાની મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા આણંદ, વલ્લભ વિદ્યાનગર, કરમસદ વિકાસ સત્તામંડળના કાર્યક્ષેત્રમાંથી ૩૦ ગામડાંઓને મુક્ત કરવા અને માત્ર મ્યુનિ. વિસ્તારો સુધી જ અવકુડાને સીમિત રાખવાની મહત્ત્વપૂર્ણ ઘોષણા પણ કરી હતી.
યોજાયેલી સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન તેમજ રાજ્યપાલ ઓ. પી. કોહલી પણ હાજર રહ્યા હતા. રાજ્યપાલે આ પ્રસંગે જણાવ્યું કે, ગુજરાત રાજ્ય સમગ્ર દેશ માટે વિકાસનું રોલ મોડેલ બન્યું છે.
હજુ આગામી સમયમાં ગુજરાતના મહેનતુ લોકો પોતાની સાહસિકતાના જોરે ગુજરાતને ઉન્નતિની નવી ટોચ પર લઈ જશે. સરદાર પટેલનું કરમસદમાં આવેલું પિતૃગૃહ અને સરદાર સ્મારક વલ્લભભાઈ પટેલ તથા વિઠ્ઠલભાઈ પટેલના આદર્શ જીવનની ઝાંખી કરાવવાની સાથે યુવાનોને પ્રેરણા આપી રહ્યા છે.
આણંદમાં રૂપાણીનું હેલિકોપ્ટર ખોટકાયું
આણંદમાં યોજાયેલા રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વ ઉજવણી સમારોહમાંથી પરત ફરતી વખતે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતાં હેલિકોપ્ટર ઉડાન ભરી શક્યું ન હતું. જેને કારણે રૂપાણીને આણંદથી ગાંધીનગર બાયરોડ આવવું પડ્યું હતું. આ મામલે મુખ્ય પ્રધાનની વીવીઆઇપી સુરક્ષા વ્યવસ્થામાં ખામી અંગે સરકારે તપાસના આદેશ કર્યા છે અને નવા હેલિકોપ્ટરની ખરીદીની પ્રક્રિયા ઝડપી બનાવવા પણ સૂચના અપાઇ છે.

