મહાબલિપુરમ્ઃ દુનિયામાં ઘણાં રહસ્યો એવા છે કે જે આજે પણ વણઉકેલ છે. આધુનિક વિજ્ઞાન અને ટેક્નોલોજી પણ તેનો તાગ મેળવી શક્યા નથી. તમિળનાડુના મહાબલિપુરમમાં આવેલા રહસ્યમય પથ્થરનું પણ કંઇક આવું જ છે. ૨૦ ફૂટ ઊંચો અને પાંચ ફૂટનો ઘેરાવો ધરાવતો આ વિરાટકાય પથ્થર એટલો તો વજનદાર છે કે સાત-સાત હાથીઓની તાકાત પણ તેને રતિભારેય ચસકાવી શકી નથી. આ પથ્થર કેટલો જૂનો છે એ કહી શકાય તેમ નથી, પણ સ્થાનિક લોકોના મતે આ પથ્થર ખરેખર તો કૃષ્ણની બાલ્યાવસ્થા સમયનો બટર બોલ (માખણનો દડો) છે.
આ પથ્થર વિચિત્ર રીતે પડયો છે એ જાણીને ૧૯૦૮માં એક અંગ્રેજ અધિકારીએ તેને હટાવવા માટેનો આદેશ આપ્યો હતો. લોકોથી ના ખસ્યો એટલે પછી હાથીની મદદ લેવામાં આવી. એક હાથીથી પણ કામ ન થયું એટલે પછી બે હાથીને કામે લગાવાયા. તો પણ પથ્થર ન ચસક્યો. આથી ત્રીજો હાથી તેની સાથે જોડવામાં આવ્યો. તો પણ કામ પાર ન પડ્યું. આમ કરતાં કરતાં સાત-સાત હાથીઓને જોડવામાં આવ્યા, પણ પથ્થર તેની જગ્યાએ સ્હેજ પણ ખસ્યો નહોતો. જોવા જેવી વાત એ છે કે આ પથ્થર સાવ જમીનની સપાટી પર છે. જમીનમાં ખોંસાયેલો હોય એવો ય કોઈ આધાર નથી. આમ આ પથ્થર પ્રાકૃતિક રીતે જ ત્યાં પડયો છે કે પછી ક્યારેય કોઈ માનવીએ ત્યાં લાવીને મૂક્યો હશે એ પણ ચોક્કસ કહી શકાતું નથી. આ પથ્થર વિજ્ઞાનીઓ માટે પણ રહસ્ય બન્યો છે.
સ્થાનિક દંતકથા અનુસાર શ્રીકૃષ્ણ જે માખણ ખાતા હતા એમાંથી જે માખણ પડી જતું તે બધું એકઠું થઈને આ પથ્થર બન્યો છે. આથી જ તેને શ્રીકૃષ્ણનો માખણનો દડો એવું નામ પણ અપાયું છે. ભગવાન શ્રીકૃષ્ણ સાથે આ પથ્થરની કથા જોડાયેલી છે. અને અધૂરામાં પૂરું, તેને સાત-સાત હાથીઓનું બળ પણ ખસેડી શક્યું નથી એટલે લોકો ખૂબ ભાવપૂર્વક તેને જોવા આવે છે.

