અમદાવાદઃ બનાસકાંઠાના વડગામના મુક્તેશ્વર મઠના મહામંડલેશ્વર સાધ્વી જયશ્રીગીરીના પાલનપુર ગૌરીસદન સ્થિત મકાન ઉપર પોલીસ અને એલસીબીએ ૨૮મી જાન્યુઆરીએ દરોડો પાડીને રૂ. ૧.૨૫ કરોડ રોકડા, ૨.૫ કિલો સોનું, બે પેટી વિદેશી દારૂ, દાતરડું અને ધોકા જેવા હથિયારો જપ્ત કર્યાં હતાં. પાલનપુર પોલીસે કુલ રૂ. ૨.૨૦ કરોડની મત્તા ઝડપવા ઉપરાંત ઠગાઈ અને ધાકધમકીનો ગુનો નોંધી સાધ્વીની ધરપકડ કરી હતી. પાલનપુરમાં ન્યુ દાગીના જ્વેલર્સના માલિક પાસેથી સાધ્વીએ રૂ. ૫ કરોડનું સોનું ખરીદ્યું હતું. બાદમાં વેપારીએ પૈસા માગતા સાધ્વીએ બહાના કરીને રૂપિયા આપ્યા નહોતા. વેપારીએ પોલીસ ફરિયાદ કરતાં સાધ્વી તેના સાગરિતો ચિરાગ રાવલ અને દક્ષ નામના યુવક સહિત ત્રણ સામે ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી. ચિરાગની પોલીસે ૩૦મીએ ધરપકડ કરી છે.
દરમિયાન ૩૦મી જાન્યુઆરીએ અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પણ સાધ્વી સામે ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. ચોટીલામાં રહેતા નવલગીરીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, વડોદરાના ગોરવામાં આવેલી જગ્યાને હાઉસિંગ બોર્ડમાંથી ક્લિયર કરાવવા માટે જયશ્રીગીરીને રૂ. ૧.૨૫ કરોડ આપવાનું નક્કી થયા પછી આ રકમમાંથી રૂ. ૧ કરોડ શાહીબાગમાં આવેલી નવલગીરીની એનેક્સી ઓફિસમાં નવલગીરીએ સાધ્વીને આપ્યાં હતાં. બાકીના રૂ. ૨૫ લાખ અમદાવાદની નારણપુરાના હાઉસિંગ બોર્ડની કચેરીમાં આપ્યા હતા. રૂ. ૧.૨૫ કરોડની રકમ અપાઈ ગયા બાદ સાધ્વીએ ટૂંક સમયમાં આ કામ પૂરું થઈ જશે તેવી ખાતરી આપી હતી, પરંતુ કામ થયું નહોતું.
સાધ્વી સસ્પેન્ડ
સાધ્વી પર ઠગાઈ અને હત્યાનો આક્ષેપ થતાં તેમને મુક્તેશ્વર મઠના મહામંડલેશ્વર પદેથી સસ્પેન્ડ કરાયા છે. ભારત સાધુ સમાજની આંતરરાષ્ટ્રીય કમિટીએ તેમને સસ્પેન્ડ કર્યાં છે. આ ઉપરાંત જૂનાગઢના ભવનાથ મંદિરના વહીવટકર્તા પદે તેઓની મહામંડલેશ્વર તરીકે મહંત હરિગીરીજીએ તાજેતરમાં વરણી કરી હતી. આ પદેથી પણ સાધ્વીને હટાવાયા છે.
ડાયરામાં રૂ. ૨ હજારની નોટો ઉડાડી
થોડા સમય અગાઉ આશ્રમમાં ચૌલક્રિયા વખતે કીર્તિદાન ગઢવીના લોકડાયરામાં સાધ્વીએ લાખો રૂપિયા ઉડાડયા હતા. જેમાં રૂ. ૨ હજારની નવી નોટો પણ હતી. જેનો વીડિયો વાઈરલ થયો હતો. સાધ્વી આટલી રકમ ક્યાંથી લાવ્યા તેની તપાસ ચાલે છે. પોલીસે પકડેલી રોકડ રકમ ગણવા માટે મશીન લાવવું પડયું હતું.
ગુરુની હત્યાનો આક્ષેપ
મૌન વ્રતધારી સંજયગીરી મહારાજની પણ હત્યાની શંકા છે. મૌન વ્રતધારી સંજયગીરીની હત્યા કેસમાં ફરિયાદી જયંતિભાઈ પ્રજાપતિએ કહ્યું કે, મુક્તેશ્વર મઠના મહંત જગદીશપુરીજી વર્ષ ૨૦૦૭થી મઠમાંથી ગાયબ છે. જેની ફરિયાદ પોલીસમાં કરાઈ હતી. આ મુદ્દે તપ કરતા સંજયગીરી મહારાજે સ્લેટમાં લખીને તેમને જણાવ્યું હતું કે, જગદીશપુરીજી આ દુનિયામાં રહ્યા નથી. આ ઉપરાંત મુક્તેશ્વરમાં ચૌધરી સમાજની વાડી પર પણ સાધ્વીએ કબજો જમાવી લીધાના આક્ષેપ છે. અગ્નિ સંસ્કાર કરવા આવતા લોકો પાસેથી પણ રૂપિયા લેવાયા છે તેવું કેટલાક લોકોએ જણાવ્યું છે. સાધ્વીની હકીકત બહાર આવ્યા પછી જયશ્રીગિરિના પૂર્વ અંતેવાસી રાજન બારડેએ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. રાજન બારડે કહ્યું છે કે, જયશ્રીગિરિનું મૂળ નામ હસુમતિ છે. તેઓ વીજાપુર ખાતે આવેલા ખણુસા ગામનાં છે. વીજાપુરના અયુબ પઠાણ સાથે તેમણે ભાગીને લગ્ન કર્યા બાદ હસીનાબાનુ બન્યા હતા. ફિલ્મ જોવાની શોખીન હસુમતિ વીજાપુરના સિનેમાના ટિકિટ ચેકર અયુબ પઠાણના પ્રેમમાં પડી હતી અને તેની સાથે ભાગી ગઈ હતી. હાલ બિપિન બારોટ તરીકે ઓળખાતો તેનો પતિ હકીકતમાં અયુબ પઠાણ ઉર્ફે શક્તિ છે. અયુબથી તેને એક દીકરો અને એક દીકરી છે, આ બંને પરણાવેલા છે. જયા બનીને જયામાંથી જયશ્રીગિરિ બનેલી આ સાધ્વી ચંદ્રિકા નામે પણ ઓળખાય છે. રાજન બારડ કહે છે કે, સાધ્વી વગદાર સરકારી અધિકારીઓ, પોલીસ અધિકારીઓને પહેલા તેમની તમામ જરૂરિયાતો સંતોષીને મોટી ભેટસોગાદો મોકલીને ઓબ્લિગેશનમાં લઈ લે છે. એ પછી તેમના નામે લોકોને ડરાવે છે. પૈસા પડાવે છે.

