લંડનઃ મેટ્રોપોલીટન પોલીસ ફોર્સના ૧૮૮ વર્ષના ઈતિહાસમાં સૌપ્રથમ મહિલા કમિશનર બનવાનું બહુમાન ૫૬ વર્ષીય ક્રેસિડા ડિકને સાંપડ્યું છે. ત્રણ વર્ષ અગાઉ મેટમાંથી આસિસ્ટન્ટ કમિશનરના પદે નિવૃત્ત થયેલાં ક્રેસિડા ડિક સર બર્નાડ હોગાન-હોવ પાસેથી કાર્યભાર સંભાળશે. હોવ સાડા પાંચ વર્ષ પછી આ પદેથી નિવૃત્ત થયા છે. આ નિયુક્તિનો અર્થ એ છે કે બ્રિટનની ટોપ થ્રી પોલિસિંગ પોઝિશન્સ- , મેટ કમિશનર, નેશનલ ક્રાઈમ એજન્સીના વડા અને નેશનલ પોલીસ ચીફ્સ કાઉન્સિલના પ્રમુખપદે મહિલા છે. આ ઉપરાંત, હોમ સેક્રેટરી અને જસ્ટિસ સેક્રેટરીના હોદ્દાઓ પર પણ મહિલા છે.
મેટમાં સૌપ્રથમ વખત ૧૯૮૩માં કોન્સ્ટેબલ તરીકે જોડાયેલાં મિસ ડિકે શોર્ટલિસ્ટ કરાયેલા ત્રણ ઉમેદવારને પાછળ પાડી દીધાં હતાં. હોમ સેક્રેટરી એમ્બર રડ અને લંડનના મેયર સાદિક ખાન સમક્ષ અનેક ઈન્ટરવ્યૂ પછી તેમની નિયુક્તિ કરાઈ હતી. એક નિવેદનમાં મિસ ડિકે જણાવ્યું હતું હતું કે આ એપોઈન્ટમેન્ટથી તેઓ રોમાંચ અનુભવે છે.
લંડનના સ્ટોકવેલ અંડરગ્રાઉન્ડ સ્ટેશને ટ્યૂબ કેરેજમાં આર્મ્ડ પોલીસ દ્વારા ૨૦૦૫માં બ્રાઝિલના નાગરિક જીન ચાર્લ્સ દ મેન્ઝેસને ભૂલથી સ્યુસાઈડ બોમ્બર માની ઠાર મરાયો હતો. આ પોલીસ ઓપરેશનના ઈન્ચાર્જ ક્રેસિડા ડિક હતાં. મેન્ઝેસના પરિવારે લાંબા સમય સુધી ન્યાય માટે અભિયાન ચલાવ્યું હતુ અને ડિકને કમિશનર ન બનાવાય તેવી માગણી પણ કરી હતી.
જોકે, લંડનના મેયર સાદિક ખાને ફોર્સના નવા કમિશનર તરીકે નિયુક્ત કરાયેલાં ક્રેસિડા ડિક આ પદ માટે શ્રેષ્ઠ ઉમેદવાર હોવાનું અને ૨૦૦૫ના મેન્ઝેસ શૂટિંગમાંથી ફોર્સે પાઠ શીખ્યો હોવાનું પણ જણાવ્યું હતું. ગ્રીન પાર્ટીના બે અગ્રણી રાજકારણીએ હોમ સેક્રેટરી એમ્બર રડ દ્વારા મિસ ડિકની નિયુક્તિ સામે પ્રશ્ન ઉઠાવ્યા પછી મેયર ખાનની ટીપ્પણી આવી હતી.
મિસ ડિક ૨૦૧૧માં આસિસ્ટન્ટ કમિશનર ફોર સ્પેશિયાલિસ્ટ ઓપરેશન્સ પદે આવ્યાં હતાં. આ હોદ્દા પર તેમની ભૂમિકા ત્રાસવાદ અને કટ્ટરવાદ સામે લડાઈમાં આગળ રહેવા તેમજ ક્વીન્સ ડાયમન્ડ જ્યુબિલી અને ૨૦૧૨ ઓલિમ્પિક ગેમ્સની સુરક્ષાની ચોકસાઈ રાખવાની હતી. તેમણે સ્ટીફન લોરેન્સની હત્યાની પુનઃતપાસ અને લી રિગ્બીની હત્યાના પોલીસ રિસ્પોન્સની કામગીરી પણ સંભાળી હતી. તેમણે ૨૦૧૫માં ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસમાં ડિરેક્ટરની કામગીરી સંભાળવા પોલીસિંગ છોડવા અગાઉ થોડા સમય માટે ફોર્સના ડેપ્યુટી કમિશનરની કામગીરી પણ નિભાવી હતી. સાદિક ખાનની ઓફિસે ગ્રીન પાર્ટીના સૂચનો ફગાવ્યા હતા અને પ્રવક્તાએ મેયરવોચને જણાવ્યું હતું કે,‘મેયરને જીન ચાર્લ્સ દ મેન્ઝેસના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ છે. લંડનના ઈતિહાસમાં આ નકરુણ ઘટના હતી અને કોઈ પરિવારને આવી કરુણાંતિકાનો સામનો કરવો પડે તેમ ન થવું જોઈએ.’
જોકે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ડિક મેટ્રોપોલીટન પોલીસ સેવાનું વડપણ કરવા અને સંડનવાસીઓને સલામત રાખવા માટે શ્રેષ્ઠ ઉમેદવાર હતાં. નવા કમિશનરની પસંદગી કરવામાં સંકળાયેલા ખાનને તેમણે અને હોમ સેક્રેટરીએ કરેલી પસંદગી વિશે ગૌરવ છે.
કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે પૂર્વ ચીફ કોન્સ્ટેબલ પીટર નેરુડે પણ મિસ ડિક આ સ્થાન માટે સારી પસંદગી હોવાનું જણાવ્યું હતું. તેમણે મિસ ડિકને સારાં કોમ્યુનિકેટર ગણાવ્યા હતા. મિસ ડિકે મેટ પોલીસની એન્ટિ ગેંગ યુનિટ ટ્રાઈડન્ટનું પણ સંચાલન કર્યું હોવાથી હિંસક અપરાધ સાથે કામ પાર પાડવાનો અનુભવ પણ ધરાવે છે.
તેઓ એક સમયે ફોર્સના કાઉન્ટર-ટેરર ઓપરેશન્સના વડા પણ હતાં. એક સૂત્રે રાષ્ટ્રીય દૈનિકને જણાવ્યું હતું કે તેમની નિયુક્તિ મહિલા હોવાનાં
કારણે થઈ નથી પરંતુ, તેઓ ઉમેદવાર હોવાના લીધે થઈ છે અને મેયર તેમની ક્વોલિટીઝથી ઘણા પ્રભાવિત થયા હતા.

