હળવી ક્ષણોએ

Wednesday 01st March 2017 05:48 EST
 

નટુ (પુત્ર ગટુને)ઃ તને ખબર છે કે તારા અભ્યાસ પર કેટલો ખર્ચ થાય છે?
ગટુઃ હા, ખબર છે. એટલે જ તો હું ઓછો અભ્યાસ કરું છું. જેથી ખર્ચો પણ ઓછો થાય.

નટુ અને ગટુ શિકાર કરવા જંગલમાં ગયા. ગટુએ નટુને એક ઝાડ પાસે બેસવાનું અને અવાજ ન કરવાનું કહ્યું. પછી ગટુ હરણનો શિકાર કરવા જંગલમાં આગળ વધ્યો. ગટુ અડધો માઈલ દૂર પહોંચ્યો હશે ત્યાં જ તેને નટુની ભયંકર ચીસ સંભળાઈ. ગટુ દોડતો દોડતો નટુ પાસે આવ્યો અને તેને કહ્યું, ‘મેં તને શાંત રહેવાનું કહ્યું હતું. તેં ચીસ કેમ પાડી?’
ગટુ બોલ્યો, ‘મેં શાંત રહેવા ઘણા પ્રયત્નો કર્યા હતા. જ્યારે સાપ મારા શરીર પરથી પસાર થયો ત્યારે મેં ઊંહકારો સુદ્ધાં કર્યો નહોતો. જ્યારે રીંછ મારી નજીક આવીને ઊભું રહ્યું ત્યારે પણ મેં અવાજ નહોતો કર્યો, પરંતુ પછી બે ખિસકોલીઓ મારા શરીર પર ચડી ગઈ. આ ખિસકોલી વાતો કરતી હતી કે ‘શું આપણે આને આપણી સાથે લઈ જવો જોઈએ કે અહીં જ ખાઈ જવો જોઈએ?’ આ વાત સાંભળીને હું ચૂપ રહી શક્યો નહીં.’

આંખના ડોક્ટરઃ ‘તમને ખરેખર ચશ્માં છે.’
દર્દીઃ ‘અરે.... તપાસ કર્યા પહેલાં તમને કઈ રીતે ખબર પડી’
આંખના ડોક્ટરઃ ‘દરવાજો છોડી તમે બારીમાંથી આવ્યા.’

કંઈકેટલીય છોકરીઓ સપનાં જોતી હોય છે કે એક દિવસ એક રાજકુમાર ઘોડા પર સવાર થઈને આવશે... ખરેખર!
હવે પેટ્રોલના ભાવ જોતાં એ સપનું સાકાર થાય એવા દિવસો નજીક આવી રહ્યાં છે...

અમેરિકન, રશિયન અને ભારતીય એક એવા દેશમાં ગયા જ્યાં ડોલરનો વરસાદ થતો હતો. અમેરિકને એક સ્ટેડિયમ જેટલું વર્તુળ દોરીને કહ્યું કે આમાં પડે એટલા બધા મારા. રશિયને મોટા ગામ જેટલું વર્તુળ દોરીને કહ્યું કે આમાં જેટલા પડે એટલા મારા. ભારતીય શાંતિથી બેઠો હતો. ધીમે રહીને તે ઊભો થયો. ખિસ્સામાંથી પેન કાઢી અને જમીન પર એક ટપકું કર્યું અને બોલ્યો: આની બહાર જેટલા પડે એટલા બધા મારા!

રમણનું ઓપરેશન કરવા ડોક્ટર જ્યારે બેહોશીનું ઈન્જેક્શન લગાવવા ગયા ત્યારે એકાએક રમણ બોલ્યોઃ ‘સાહેબ, એક મિનિટ જરા ઊભા રહો!
ડોક્ટર ઊભા રહી ગયા. રમણે પાકિટમાંથી પર્સ કાઢ્યું.
આ જોઈ ડોક્ટર બોલ્યાઃ અરે ભાઈ ફીની ક્યાં ઉતાવળ છે લઈ લઈશું એ તો...
રમણઃ ફીની તો મને પણ ઉતાવળ
નથી ડોક્ટર સાહેબ, હું તો મારા રૂપિયા ગણી
રહ્યો છું.

પત્નીએ પતિને પૂછયુંઃ જ્યારે આપણા નવાં નવાં લગ્ન થયાં હતાં ત્યારે તો તમે મને ખૂબ સરસ નામોથી બોલાવતા હતા જેમ કે, મારી રસમલાઈ, મારી રબડી, મારી બરફી... વગેરે... તો હવે તમે મને એ નામોથી કે નથી બોલાવતા?
પતિઃ હા, તે પણ દૂધની મીઠાઈઓ આખરે કેટલા દિવસ તાજી રહે?

આ જે કુલ્ફી ખાતાં ખાતાં તમે એક હથેળી નીચે ધરી રાખો છો ને... એને 'મોહ' કહેવાય!
અને કુલ્ફી પતી ગયા પછી દાંડી ચાટો છો ને... એ છે 'લોભ'!
વળી પોતાની દાંડી ફેંકી દીધા પછી બીજાની કુલ્ફી હજી પતી કેમ નથી એમ કરીને જોયા કરો છો ને... એ જ છે 'ઇર્ષ્યા'
અને કુલ્ફી પતે એ પહેલાં દાંડી હાથમાં રહી જાય અને કુલ્ફી નીચે પડી જાય ત્યારે મનમાં જે ઉદ્ભવે છે ને... એ છે ક્રોધ!
છેલ્લે, આ બધું વાંચ્યા પછી જે ચહેરા પર સ્મિત આવે છે ને, એને જ કહે છે 'મોક્ષ'.


comments powered by Disqus