ફોટોગ્રાફીમાં નેશનલ એવોર્ડ મેળવનાર રાહુલ ગજ્જરનો હેરોમાં ફોટો વિષયક વર્કશોપ

Wednesday 01st November 2017 06:29 EDT
 
 

ભારતમાં ઈન્ડો-સેરસેનિક સ્થાપત્ય વિશે જાણીતા ફોટોગ્રાફર રાહુલ ગજ્જરના ફોટોગ્રાફ્સનું પ્રદર્શન "આર્ટકોર" દ્વારા નહેરુ સેન્ટર (8 સાઉથ ઓડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF) ખાતે દ્વારા ખૂલ્લું મુકાયું. સોમવાર ૩૦, ઓક્ટોબર ૨૦૧૭ની સાંજે ૧૦૦થી આમંત્રિતોની ઉપસ્થિતમાં ‘ગુજરાત સમાચાર- Asian Voice’ ના પ્રકાશક-તંત્રી શ્રી સી.બી. પટેલના હસ્તે દીપ પ્રગટાવી પ્રદર્શનને વિધિવત્ ખુલ્લું મૂકાયું. આ પ્રસંગે વિદ્વાન-લેખિકા ડો. કુસુમબહેન વડગામા તથા ડાર્બી સ્થિત ‘આર્ટકોર’ના એકઝિકયુટીવ ડાયરેકટર રૂચિતા અને ઝહીર શેખ પણ ઉપસ્થિત રહ્યા હતા.
શુક્રવાર ૩ નવેમ્બર સુધી યોજાયેલ આ પ્રદર્શનનો વિષય વડોદરા અને ત્યાંથી નજીક ચાંપાનેર-પાવાગઢનો પ્રભાવી ઈન્ડો-સેરસેનિક સ્થાપત્ય વારસો છે. તેમણે ગત ત્રણ દાયકા યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ ચાંપાનેર-પાવાગઢના ફોટોગ્રાફિક ડોક્યુમેન્ટેશનમાં ગાળ્યા છે. અલગ અલગ મોસમ અને સમયે આ વિસ્તારના મિજાજને ઝીલતી ૫૫,૦૦૦થી વધુ તસ્વીરોનો સંગ્રહ તેમણે કર્યો છે. ચાંપાનેર-પાવાગઢસ્થિત જામા મસ્જિદના પ્રાંગણમાં લેવાયેલ ‘THE DANCER AND THE DOG’ ફોટોગ્રાફને લલિતકલા અકાદમી દ્વારા આયોજિત નેશનલ ફોટોગ્રાફી કોમ્પિટિશનમાં નેશનલ એવોર્ડ ફોર ફોટોગ્રાફી ઈનામ જાહેર કરાયું છે.તેમણે જામા મસ્જિદની કલાત્મક જાળીની હૂબહુ ડિઝાઇન પ્યોર સિલ્કની સાડીઓમાં રેશમ વણાટમાં ખૂબ સરસ રીતે ઉપસાવી છે.
હેરો સંગત સેન્ટરમાં વર્કશોપ
મૂળ સૌરાષ્ટ્રના પણ ગુજરાતના વડોદરાસ્થિત રાહુલ (સચાણીઆ) ગજ્જર એમ.એસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટ્સમાંથી ૧૯૮૩માં ગ્રેજયુએટ થયા હતા. તેઓ મુખ્યત્વે એડવર્ટાઈઝિંગ ફોટોગ્રાફર છે પરંતુ ફાઈન આર્ટ ફોટોગ્રાફીમાં ઊંડો રસ ધરાવે છે. તેમણે આર્કિટેક્ચર, હેરિટેજ, એન્વિરોન્મેન્ટ અને વાઈલ્ડ લાઈફ જેવા વ્યાપકતા ધરાવતા વિષયોમાં સ્પેશીયલાઈઝેશન કર્યું છે. ભારતને ન્યૂ મીડિયા આર્ટિસ્ટ (ડિજિટલ આર્ટ)ના માધ્યમનો પરિચય કરાવનારા ગજ્જરના ફોટોગ્રાફ્સ અને ડિજિટલ આર્ટવર્ક્સના પ્રદર્શનો વિશ્વભરમાં યોજાયાં છે. ફોટોગ્રાફી ક્ષેત્રે તેમના પ્રદાનને ધ્યાનમાં લઈ ગુજરાત સરકારે ૨૦૧૩માં તેમને ગુજરાત ગૌરવ પુરસ્કાર પણ એનાયત કર્યો હતો. તેઓ હાલ ભારતની ૩૦ વર્તમાન યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ ઓફ ઈન્ડિયાના ડોક્યુમેન્ટેશન સાથે સંકળાયેલા છે. તેમણે અત્યાર સુધી ભારતમાં ૧૮ અને વિદેશમાં ૧૨ સાઈટ્સની તસ્વીરો કેમેરામાં કંડારી છે.
રાહુલ (સચાણીયા) ગજ્જરની કુશળ દ્રષ્ટિથી કેમેરામાં ઝીલાયેલી તસવીરો જોઇ પ્રભાવિત થયેલ સી.બી. પટેલે લંડનમાં વર્કશોપ રાખવા આગ્રહ કરતાં રાહુલભાઇએ હેરોના "સંગત" એડવાઇઝ સેન્ટર,
Sangat Advice Centre, Sancroft Road, Harrow HA3 7NS ખાતે તા.૧૧ નવેમ્બર, શનિવારે બપોરે ૩ થી ૬ દરમિયાન એક વર્કશોપનું આયોજન કર્યું છે. જેમાં તેઓ ફોટોગ્રાફી કઇ રીતે કરી શકાય એની કલાકૌશલ્ય વિષે સમજ આપશે. વધુ વિગત માટે સંપર્ક વિનુભાઇ સચાણીયા 07811 963 109


comments powered by Disqus