યુ.કે.માં ભારતીય નૃત્ય-સંગીત કલાને વેગવંતી બનાવનાર મિલાપફેસ્ટ દ્વારા તા.૨૫-૧૦-૧૭ને બુધવારે લંડનમાં ભારતીય વિદ્યા ભવન ખાતે આર્ટ્સ કાઉન્સિલ ઈંગ્લેન્ડના સહયોગથી ત્રીજા નેશનલ ઈન્ડિયન આર્ટ્સ એવોર્ડ્ઝ સમારોહનું આયોજન કરાયું હતું.આ પ્રસંગે અતિથિવિશેષપદે લોર્ડ નવનીત ધોળકિયા (OBE)(હાઉસ ઓફ લોર્ડ્ઝમાં લીબરલ ડેમોક્રેટ્સના નેતા) અને મુખ્ય મહેમાનપદે કેનેથ બર્ડ (યુરોપિયન ઓપેરા સેન્ટરના મેનેજિંગ ડિરેક્ટર) અને અન્ય અગ્રણીઓ સહિત મિલાપફેસ્ટના પેટ્રન અને 'ગુજરાત સમાચાર' - 'એશિયન વોઈસ'ના પ્રકાશક-તંત્રી સી બી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. બ્રિટનમાં ભારતીય કલાને પ્રોત્સાહન આપવામાં અને તેને લોકપ્રિય બનાવવામાં સખત પરીશ્રમ અને યોગદાન આપનારા વ્યક્તિવિશેષોને આ એવોર્ડ એનાયત કરાયા હતા. યુકેમાં કલાના સમૃદ્ધ સ્વરૂપોને વિક્સિત કરનારા નવોદિત કલાકારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. "ગુજરાત સમાચાર" તથા Asian Voice" દ્વારા સ્પોન્સર કરાયેલા બે એવોર્ડ્સ કલાકારોને એનાયત કરાયા હતા. આ વર્ષે મળેલી સંખ્યાબંધ અરજીઓમાંથી એવોર્ડ વિજેતાઓની પસંદગી નેશનલ જ્યુરી દ્વારા કરાઈ હતી. અંતમાં ભારતીય કલાના
ક્ષેત્રના વિવિધ કલાકારો, તાલીમ આપનાર ગુરુઓ અને અગ્રણીઓને ૧૦ ખાસ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
છેલ્લાં ૭૦ વર્ષમાં ઈંગ્લેન્ડ આવેલા સાઉથ એશિયન લોકો તેમના બાળકો તેમજ લોકલ કોમ્યુનિટીઓને કાર્યક્રમોના માધ્યમથી તેમની કલા અને વારસા વિશે શીખવાની તક મળે તેની ખાસ તકેદારી રાખે છે. ઘણાં દાયકાથી સમર્પિત ગુરુઓ અને વ્યવસાયિકોએ તેને શક્ય બનાવવા માટે અથાગ પરીશ્રમ કર્યો હતો. દેશમાં દરેક ભાગમાં આવેલી સ્કૂલો અને સંસ્થાઓ આ શક્ય બનાવે છે.
અન્ય ક્ષેત્રોમાં જેમ યોગદાનને બીરદાવવામાં આવે છે તેમ કલાના ક્ષેત્રે સેવા આપનારને બીરદાવવા અને તેનું સન્માન કરવા માટે અગાઉ કોઈ નેશનલ એવોર્ડ સિસ્ટમ ન હતી. તેથી મિલાપફેસ્ટ દ્વારા ૨૦૧૫માં વાર્ષિક એવોર્ડઝની શરૂઆત કરવામાં આવી. મિલાપફેસ્ટ બ્રિટનના પ્રતિભાશાળી યુવાનોને મદદરૂપ થનારી વ્યક્તિઓના યોગદાનની પણ કદર કરે છે.
મિલાપફેસ્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રશાંત નાયકે જણાવ્યું હતું કે નિઃસ્વાર્થ ભાવે કરેલું કાર્ય યુવા પેઢીને કેવી રીતે સમૃદ્ધ બનાવે છે અને કેવી રીતે કોમ્યુનિટીઓ અને પ્રોફેશનલ્સ વચ્ચે સેતુ બનવામાં મદદરૂપ થાય છે તેની સમજ આ એવોર્ડની સ્થાપનાથી મળતી હોય તેમ તેઓ માને છે.
એવોર્ડ સમારોહમાં મિલાપફેસ્ટના યુથ ઓર્કેસ્ટ્રા ફોર સાઉથ એશિયન મ્યુઝીકમાં યોગદાન બદલ કર્ણાટકી ગાયિકા આસ્ના શશીકરણને સામ્યો મ્યુઝીશિયન ઓફ ધ યર એવોર્ડ, જાણીતી ઓડિસી નૃત્યાંગના ડો.એલેના કેટાલાનોને યુવા નૃત્ય રત્ન એવોર્ડ, તરંગના ઉભરતા કલાકારોને યુવા સંગીત રત્ન એવોર્ડ, સેક્સોફોન તથા સિતારવાદક જૈની-ખુશાલી પટેલને મિલાપફેસ્ટ એન્સેમ્બલ્સ એવોર્ડ ફોર એક્સેલન્સ, જાણીતા ભરતનાટ્યમ ડાન્સર ડો. સ્વાતિ રાઉત અને કથક ડાન્સર સોનિયા સાબરી બન્નેને નૃત્ય આચાર્ય રત્ન એવોર્ડ, હિંદુસ્તાની શાસ્ત્રીય ગાયક ચંદ્રીમા દાસને સંગીત આચાર્ય રત્ન એવોર્ડ, પ્રખ્યાત મૃદંગવાદક અને ગુરુ એમ બાલાચંદરને કર્ણાટકી સંગીત માટે સંગીત આચાર્ય રત્ન એવોર્ડ એનાયત કરાયો હતો. જાણીતા કલાકાર, કોરિયોગ્રાફર અને કલા વિવેચક તેમજ આરંગમ ટ્રસ્ટના સ્થાપક ડિરેક્ટર ડો અનિતા રત્નમને વિશ્વ કલા રત્ન એવોર્ડ અર્પણ કરાયો હતો. વિખ્યાત કથક નૃત્યકાર અને કોરિયોગ્રાફર નાહિદ સિદ્દીકીને લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

