સિએરાઃ: આફ્રિકી દેશ સિએરા લિયોનમાં ગ્રૂપમાં જોગિંગ કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પોલીસે આ પગલું જોગિંગ કરનારાઓની બિનજરૂરી ચેષ્ટાને કારણે ઉઠાવ્યું છે. પોલીસનું કહેવું છે કે લોકો ગ્રૂપમાં જોગિંગ માટે નીકળે છે એને કારણે અનેક પ્રકારના જોખમોની શંકા રહે છે. ગ્રૂપમાં જોગિંગ પર નીકળનારા લોકો ટ્રાફિકને રોકી નાંખે. એકબીજાને ટોણાં મારે છે. ગાડીઓને નુકસાન પહોંચાડવાની સાથે સ્નેચિંગ જેવી ઘટનાઓને પણ અંજામ આપવાના ફિરાકમાં રહેતા હોય છે. આ પ્રતિબંધ ૨૭ જુલાઈએ મૂકવામાં આવ્યો છે. પોલીસે એક લેટરમાં બંધારણનો હવાલો આપતાં કહ્યું છે કે આ પગલું જનતાની સુરક્ષા માટે ઉઠાવવામાં આવ્યું છે.
જોકે આ નિર્ણય સામે લોકોએ નારાજગી પણ વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે અમે પડોશીઓ અને મિત્ર સાથે બીચ પર જોગિંગ માટે જઈએ છીએ. ત્યાં અમે ફૂટબોલ રમીએ છીએ અને શાંતિથી પાછા આવીએ છીએ. કેટલાક લોકોએ તો આરોપ લગાવ્યા છે કે પોલીસ લોકોને કસરત જ કરવા દેવા માગે છે. તેમનું કહેવું છે કે બીજી મોટી સુરક્ષાઓની ચિંતા છોડીને પોલીસ બેકારમાં જોગિંગ જેવી ગતિવિધિઓને ખોટી હેરાનગતિમાં મૂકે છે. તેમનું કહેવું છે કે લૂંટ અને હિંસાની ઘટનાઓ પોલીસની ચિંતાનાં કારણ હોવા જોઈએ ન કે જે લોકો વીકએન્ડમાં સ્વાસ્થ્ય માટે સવારે ફરવા જાય છે તે. ગ્રૂપ જોગિંગ પર મૂકવામાં આવેલો આ પ્રતિબંધ દેશમાં રાજકીય વિવાદનો મુદ્દો બની ગયો છે.

