લંડનઃલેડી ડાયેનાના ભાઈ અર્લ સ્પેન્સરે તેની સ્વર્ગસ્થ બહેન ડાયેનાની ટેપનું પ્રસારણ ન કરવા ચેનલ 4ને અનુરોધ કર્યો હતો. આ ટેપ્સમાં ડાયેનાએ પ્રિન્સ ઓફ વેલ્સ સાથેના તેમના લગ્ન વિશે અંગત વિગતોની ચર્ચા કરી હતી. અભિનેતા પીટર સેટલટન તેમના વોઈસ કોચ હતા ત્યારે તેમની મુલાકાત વખતે આ વાતોનું રેકોર્ડિંગ ૧૯૯૨ અને ૧૯૯૩માં કેન્સિંગ્ટન પેલેસમાં કરાયું હતું. ડાયેનાએ ૧૯૮૫માં પ્રિન્સ હેરીના જન્મ પછી તેમનું લગ્નજીવન કેવી રીતે વેરવિખેર થઈ ગયું અને પ્રિન્સ તેમની સાથે કેવું વર્તન કરતા હતા તે તેમાં જણાવ્યું હતું. તે ઉપરાંત ડાયેના તેમના એક બોડીગાર્ડ બેરી મેનેકીના પ્રેમમાં પડ્યા હતા તેની પણ વાત કરી હતી. બેરીનું પાછળથી કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. અમેરિકી બ્રોડકાસ્ટર NBCએ ૨૦૦૪માં કેટલીક ટેપ્સનું પ્રસારણ કર્યું હતું. પરંતુ, BBCએ ૨૦૦૭માં બીજી ટેપ્સના પ્રસારણની તેની યોજના પડતી મૂકી હતી.
