બિહારમાં નીતીશની ઘરવાપસીઃ લાલુને પડતા મૂકી ભાજપનો હાથ ઝાલ્યો

Wednesday 02nd August 2017 07:07 EDT
 
 

પટનાઃ જનતા દળ (યુ)-રાષ્ટ્રીય જનતા દળ - કોંગ્રેસ મહાગઠબંધનમાં ૨૭ જુલાઇએ મહાભંગાણ સર્જાયા બાદ બીજા જ દિવસે નીતીશ કુમાર સરકારે ભાજપના સમર્થનથી વિધાનસભામાં વિશ્વાસમત હાંસલ કરી લીધો હતો. ૨૪૩ સભ્યોની વિધાનસભામાં જનતા દળ (યુ)-ભાજપ ગઠબંધનની નીતીશ સરકારને ૧૩૧ અને વિપક્ષને ૧૦૮ મત પ્રાપ્ત થયા હતા. નીતીશને બહુમતી પુરવા કરવા ૧૨૨ મતની જરૂર હતી. વિધાનસભ્ય સ્પીકર વિજયકુમાર ચૌધરીએ લોબી ડિવિઝન દ્વારા મતદાન કરાવ્યું હતું. બંને તરફના ધારાસભ્યોને અલગ અલગ લોબીમાં મતદાન કરવાનો આદેશ અપાયો હતો. જનતા દળ (યુ) અને ભાજપ વચ્ચે થયેલી સમજૂતી અનુસાર નાયબ મુખ્ય પ્રધાન પદ ભાજપના સુશીલ કુમાર મોદીને અપાયું છે.
વિશ્વાસ મત હાંસલ કરતાં પહેલાં નીતીશે વિધાનસભામાં જણાવ્યું હતું કે મેં મેવા ખાવા નહીં પરંતુ સેવા કરવા માટે મહાગઠબંધનનો સાથ છોડી ભાજપ સાથે હાથ મિલાવ્યા છે. વિશ્વાસ મત માગતાં નીતીશે કહ્યું હતું કે સત્તામાં હોવું એ કમાણી કરવા નહીં પરંતુ શાસન માટેની મોટી જવાબદારી છે. આ સેવાનો અવસર છે. બિહારની જનતાનાં હિતમાં સરકાર ચલાવવાના પ્રયાસમાં મારે ઘણા અવરોધોનો સામનો કરવો પડતો હતો. પરંતુ રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)નાં વલણને કારણે હું મહાગઠબંધન જાળવી રાખવામાં નિષ્ફળ ગયો છું.
નીતીશ કુમાર સરકારે બિહાર વિધાનસભામાં ભાજપના સમર્થનથી વિશ્વાસ મત જીતી લીધો છે. નીતીશના સમર્થનમાં ૧૩૮ જ્યારે વિરુદ્ધમાં ૧૦૮ મત પડયા હતાં. ૨૪૩ સભ્યોની વિધાનસભામાં ચાર સભ્યો મતદાન કરી ન શક્તા વિશ્વાસ મત દરમિયાન મતદારોની સંખ્યા ઘટીને ૨૩૯ થઇ ગઇ હતી. સંખ્યા ૨૩૯ થઇ જવાથી નીતીશને વિશ્વાસ મત જીતવા માટે ૧૨૦ મતોની જરૂર હતી. રાજદના રાજ વલ્લભ યાદવ જેલમાં હોવાથી મતદાન કરી શક્યા ન હતા જ્યારે ભાજપના આનંદશકર પાંડે સારવાર માટે રાજ્યની બહાર હતાં. કોંગ્રેસના સુદર્શન ટેકનિકલ કારણસર મત આપી શક્યા ન હતાં. વિધાનસભા અધ્યક્ષે મતદાનમાં ભાગ લીધો ન હતો.

મોદી જ વિકલ્પઃ નીતીશ

મુખ્ય પ્રધાન નીતીશ કુમારે સોમવારે સ્પષ્ટ જણાવ્યું હતું કે, દિલ્હીની ગાદી પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો બીજો કોઈ વિકલ્પ નથી. એનડીએ સરકારના મુખ્ય પ્રધાન બન્યા પછીની પહેલી પત્રકાર પરિષદમાં નીતીશે જણાવ્યું હતું કે, મોદીનો સામનો કરવાની ક્ષમતા કોઈમાં નથી. ૨૦૧૯માં મોદી જ વડા પ્રધાન બનશે. લાલુ પ્રસાદના રાજદ પર આકરા પ્રહાર કરતાં નીતીશે જણાવ્યું હતું કે, હું ભ્રષ્ટાચાર પર કોઈ સમજૂતી કરી શકતો નથી. તેજસ્વી યાદવને અમે ફક્ત સીબીઆઈ દરોડા પર સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું પરંતુ તે તૈયાર નહોતા.

પ્રધાનમંડળનું વિસ્તરણ

નીતીશ કુમારે ૨૯ જુલાઇએ પ્રધાનમંડળનું વિસ્તરણ કર્યું હતું. જદ(યુ) અને ભાજપ સહિતના એનડીએના ૨૭ ધારાસભ્યોને પ્રધાન બનાવવામાં આવ્યા છે. બિહારના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ રાજભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં નવા પ્રધાનોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતાં. શપથગ્રહણ સમાંરભ કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાન હાજર રહ્યાં હતાં. શપથ લેનારા ૨૭ પ્રધાનોમાં જદ(યુ)ના ૧૪ ધારાસભ્યો, ભાજપના ૧૨ ધારાસભ્યો અને રામવિલાસ પાસવાનની લોજપાના એક ધારાસભ્યનો સમાવેશ થાય છે. પ્રધાનમંડળમાં સામેલ કરવામાં આવેલા ભાજપના નેતાઓમાં નંદકિશોર યાદવ, પ્રેમ કુમાર, મંગલ પાંડે, વિનોદ નારાયણ ઝા, રામ નારાયણ મંડલ, સુરેશ શર્મા, પ્રમોદ કુમાર, વિજયકુમાર સિંહા, રાણા રણધીર સિંહ, વિનોદ કુશવાહા, કૃષ્ણકુમાર ઋષિ અને બૃજકિશોર બિન્દનો સમાવેશ થાય છે.
જદ(યુ)માંથી બિજેન્દ્રપ્રસાદ યાદવ, રાજીવરંજન સિંહ, શ્રવણકુમાર, જયકુમાર સિંહ, કૃષ્ણાનંદન પ્રસાદ વર્મા, મહેશ્વરી હજારી, શૈલેષકુમાર, સંતોષકુમાર નિરાલા, ખુર્શીદ અહેમદ, મદન સહની, કપિલદેવ કામત, દિનેશચંદ્ર યાદવ, રમેશ ઋષિ દેવને પ્રધાન બનાવવામાં આવ્યા છે.


comments powered by Disqus