ભારતીય મૂળની મહિલાએ ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમથી જોડિયાને જન્મ આપ્યો

Wednesday 02nd August 2017 07:31 EDT
 
 

લંડનઃ વિશ્વમાં પહેલીવાર ભારતીય મૂળની એક મહિલાના ગર્ભમાં ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમથી દેખરેખ રાખીને ડિલિવરી કરાવાઈ હતી. બ્રિટનમાં રહેતી માલા વસ્ત ધૂતિ નામની આ મહિલાના ગર્ભના વિકાસ માટે તબીબોએ ડિજિટલ ચાર્ટ પર આધાર રાખ્યો હતો.
આ મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. લંડનની સેંટ જ્યોર્જ હોસ્પિટલે જણાવ્યું હતું કે, માલા વસ્ત ધૂતિએ બે અને ૨.૧ કિલોગ્રામના બે બાળકોને જન્મ આપ્યો હતો. આ બાળકોના નામ કિઆન અને કુશ રાખવામાં આવ્યા છે. ૩૭ વર્ષીય માલાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલના તબીબો મારા ગર્ભનું ડિજિટલ નિરીક્ષણ કરતા હતા ત્યારે મને ખૂબ જ આનંદ થતો હતો. માતા બનવાના સપનાં જોઈને હું બાળકોને મળવા માટે ચાંદ પર પહોંચી જતી હતી. સુરક્ષિત રીતે ડિલિવરી કરાવવા બદલ હું સેંટ જ્યોર્જ હોસ્પિટલનો ખૂબ જ આભાર માનું છું. આ પ્રોજેક્ટ માટે યુકે ટ્વિન્સ એન્ડ મલ્ટિપલ બર્થ્સ એસોસિયેશને ભંડોળ ઉઘરાવ્યું હતું.
આ પ્રોજેક્ટ અંતર્ગત ગર્ભનું આશરે દસ હજાર વાર સ્કેન કરવાની જરૂર હતી. આ દરમિયાન તબીબોએ સિંગલ બર્થ અને ટ્વિન્સ બર્થ વચ્ચે ગર્ભ વિકસિત થવામાં કેવા ફેરફારો થાય છે એ વિશે પણ ઊંડુ સંશોધન કર્યું હતું. સેંટ જ્યોર્જ હોસ્પિટલના મલ્ટિપલ બર્થ એક્સપર્ટ આસ્મા ખલીલે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ જોડિયા તરીકે જન્મ લેતા હજારો બાળકોની સુરક્ષિત ડિલિવરી કરાવી શકાય એ માટે કરાયો હતો. દર વર્ષે હજારો જોડિયા બાળકો જન્મ લે છે, જેમાં અનેક કિસ્સામાં એક બાળકનું મૃત્યુ થાય છે.
ડો. આસ્મા ખલીલે જણાવ્યું હતું કે, સામાન્ય બાળક કરતા જોડિયાનું વજન ઓછું હોય છે. હવે ડિજિટલ ચાર્ટની મદદથી આવા કેસમાં ધ્યાન રાખી શકાશે. આ ઉપરાંત ગર્ભવિકાસને લગતી મુશ્કેલીઓમાં પણ ચોક્કસ નિદાન કરી શકાશે.
આવા કિસ્સામાં અનેકવાર વહેલી ડિલિવરી પણ થતી હોય છે અને તેના કારણો પણ જાણી શકાશે. આ બાળકોને સેરેબ્રલ પાલ્સી જેવા રોગ થવાની શક્યતા પણ સામાન્ય કરતા છ ગણી વધુ હોય છે. અમારો પ્રોજેક્ટ જોડિયા બાળકો
પણ તંદુરસ્ત જન્મી શકે એ માટે હતો.


comments powered by Disqus