લંડનઃ હાલ લંડન અલગ પ્રકારના આતંકવાદની ઝપટમાં આવ્યું છે. શહેરમાં એસિડ એટેકના બનાવો વધી રહ્યા છે. ખાસ કરીને ઈસ્ટ લંડનમાં આવા હુમલા વધારે થયા છે. જોકે, પોતાના બાળકો સાથે હાલ વેકેશનનો આનંદ લઈ રહેલા પેરન્ટ્સ કોઈ પણ ઉશ્કેરણી વિના એસિડ એટેકની બીકને લીધે શહેરમાં ચાલતા પણ ગભરાય છે અને કારમાં પણ વિન્ડો ગ્લાસ બંધ રાખીને નીકળે છે.
આ હુમલા કોઈ ચોક્કસ જાતિ દ્વારા કરવામાં આવે છે કે કેમ તે અંગે કોઈને ચોક્કસ માહિતી નથી. નિષ્ણાતો એસિડ એટેકના વધારાને નાઈફ અથવા ગન ધરાવતા લોકો સામે કરવામાં આવેલી કાર્યવાહી સાથે સાંકળે છે. તેમનું માનવું છે કે એસિડ સહેલાઈથી મળતો હોવાથી સ્ટ્રીટ ગેંગ્સ દ્વારા તેનો ઉપયોગ શરૂ કરાયો છે.
લંડનમાં છેલ્લા ત્રણ વર્ષમાં એસિડ અથવા અન્ય હાનિકારક પદાર્થ દ્વારા હુમલાની સંખ્યા બમણા કરતા વધી હતી. ૨૦૧૬માં આવો પદાર્થ વપરાયો હોય અથવા તેના ઉપયોગની ધમકી અપાઈ હોય તેવા ૪૫૫ ગુના નોંધાયા હતા. એપ્રિલ, ૨૦૧૭ સુધીના છ મહિનાના સમયમાં આવા ૪૦૦ કરતા વધુ ગુના નોંધાયા હતા. એકલા લંડનમાં જ એસિડ એટેકના આતંકમાં ૬૫ ટકા જેટલો વધારો થયો હતો. એટલે કે દર ૨૦ કલાકે આવી એક ઘટના બની હતી.
છેલ્લા થોડા વર્ષમાં વેસ્ટ મીડલેન્ડ્સ અને એસેક્સમાં એસિડ એટેકના બનાવોમાં બારે વધારો નોંધાયો હતો. આ વિસ્તારોમાં ૨૦૧૪માં આવા ૩૪૦ બનાવો બન્યા હતા જે સંખ્યા વધીને ૮૪૩ પર પહોંચી છે.

