હળવે હૈયે...

જોક્સ

Wednesday 02nd August 2017 07:40 EDT
 

એક વાઘ સિગારેટ પીવા જ જઈ રહ્યો હતો ત્યાં એક ઉંદર આવ્યો અને બોલ્યોઃ મારા ભાઈ છોડી દે નશો, આવ મારી સાથે અને જો આ જંગલ કેટલું સુંદર છે, આવ મારી સાથે દુનિયાને નિહાળ.
વાઘે થોડોક વિચાર કર્યો અને પછી તે તેની સાથે દોડવા લાગ્યો. આગળ હાથી અફીણ પી રહ્યો હતો.
ઉંદર ફરીથી બોલ્યોઃ આવો મારી સાથે દુનિયાને નિહાળો. હાથી પણ તેની સાથે દોડવા લાગ્યો. આગળ સિંહ વ્હિસ્કી પી રહ્યો હતો. ઉંદરે એને પણ તેવું જ કહ્યું. સિંહે ગ્લાસ સાઇડમાં મૂક્યો અને ઉંદરને પાંચ-છ ફડાકા ઠોકી દીધા.
હાથી બોલ્યોઃ અરે, આ તો આપણને જિંદગી તરફ લઈ જાય છે. શા માટે આ બિચારાને મારો છો? 
સિંહ બોલ્યોઃ આ નાલાયકે ગઈ વખત પણ ભાંગ પીને મને ત્રણ કલાક સુધી જંગલમાં ફેરવ્યો હતો.

ભૂરોઃ અમારાં લગ્નને દોઢ વર્ષ થઈ ગયાં પરંતુ અત્યાર સુધી મેં મારી પત્નીને એક પણ શબ્દ કહ્યો નથી.
ભગોઃ બહુ સારું, પણ એવું કેમ?
ભૂરોઃ તેને પસંદ નથી કે જ્યારે તે બોલતી હોય ત્યારે કોઈ તેની વાત વચમાંથી કાપી નાખે.

પોતાની એક સહેલીને એક દિવસ ઘણી ખુશમિજાજ જોઈને એની બહેનપણીએ પૂછયુંઃ ‘શું વાત છે? બહુ આનંદમાં જણાય છે ને. શાની ખુશીનો અવસર છે?’
જવાબમાં પેલી સહેલીએ કહ્યું, ‘તને ખબર નથી મારા પતિને વેપારમાં ઘણું મોટું નુકસાન ગયું. એથી મનને ઘણો આઘાત પહોંચ્યો છે. હવે ડોક્ટરે કહ્યું કે એમને વહેલી તકે અહીંથી દૂર કોઈ સારા હિલ સ્ટેશન પર લઈ જાવ. એટલે કાલે અમે સૌ દાર્જીલિંગ જઈ રહ્યા છીએ.’

મુંબઈના પરામાં રહેતી એક બાઈએ દૂધવાળા ભૈયાને પૂછયુંઃ જો મારો નોકર તમારા તબેલામાં દૂધ લેવા આવે તો શું ભાવ લેશો?
‘૨૦ રૂપિયે લીટર.’ દૂધવાળાએ કહ્યું.
બાઈઃ ઠીક છે, પણ દૂધ સારું આપજો.
દૂધવાળોઃ તો પછી ૨૫ રૂપિયે લીટરનો ભાવ થશે.
બાઈઃ ભલે, થોડા રૂપિયા વધારે. પણ દૂધ તમારે નોકરની સામે જ દોહીને આપવું પડશે.
દૂધવાળોઃ તો પછી ૩૦ રૂપિયે લીટર થશે.

નોકર (અભિનેત્રીના પતિને)ઃ બસ, શ્રીમાન. હવે મને છૂટો કરો. હું શેઠાણી સાથે નહિ રહી શકું.
અભિનેત્રીનો પતિઃ શું શેઠાણી તને ખૂબ હેરાન કરે છે?
‘જી હા,’ નોકરે જતાં-જતાં કહ્યું.
‘તે જાણતી નથી કે મારી નોકરી ટેમ્પરરી છે. હું ગમે તે સમયે છોડી શકું છું. એ તો મારા ઉપર એવો રોફ જમાવે છે, મને એમ હુકમ આપે છે કે જાણે હું તેનો પતિ ન હોઉં.’

ગટુ ઘોડા પર બેસી રોજ કોલેજ જતો હતો...
ત્રણ વર્ષ પછી ગટુને એકલો કોલેજ જતો જોઈને કોઈએ પૂછયું, ગટુ ઘોડો ક્યાં?
ગટુઃ ઘોડો ગ્રેજ્યુએટ થઈ ગયો.

પ્રેમ અને સિગારેટ વચ્ચે એક સમાનતા છે!!!
બન્ને હોઠો પર ખુશી લાવે છે! પણ હૃદયમાં દુઃખ લાવે છે!!

કનુઃ મારે ચાર દીકરા છે.
પહેલો એમબીએ છે. બીજો એમસીએ છે અને ત્રીજો પીએચડી છે. ચોથો ચોર છે.
મનુઃ તો ચોરને ઘરમાંથી કાઢી કેમ નથી મૂકતો?
કનુઃ એ જ તો કમાય છે, બાકીના બેરોજગાર છે.


comments powered by Disqus