લંડનઃ શનિવાર ૨૨ જુલાઈએ હિન્દુ કાઉન્સિલ ઓફ નોર્થ (HCN)ની સિલ્વર જ્યુબિલીની ઉજવણી ઓલ્ડહામ લેંકેશાયરના ક્વિન એલિઝાબેથ હોલમાં કરાવામાં આવી હતી. સમગ્ર નોર્થ વિસ્તારમાં હિન્દુ કોમ્યુનિટીઓની એકતાના ૨૫ વર્ષને ઉજવવા યોજાયેલા આ કાર્યક્રમમાં ઓલ્ડહામના મેયર કાઉન્સિલર શાદાબ કમર, ભારતીય હાઈ કમિશનના ટેક્નીકલ એડવાઈઝર ડિફેન્સ અમિત શર્મા, કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા, બર્મિંગહામના હેડ ઓફ ચાન્સરી એસ એમ ચક્રવર્તી અને ગુજરાત સમાચાર/એશિયન વોઈસના પ્રકાશક-તંત્રી સી બી પટેલ અને અન્ય મહાનુભાવો સહિત ૬૦૦ આમંત્રિતોએ હાજરી આપી હતી. કાઉન્સિલનો મુખ્ય ઉદેશ સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો તેમજ હિંદુ સમુદાયને લગતી સમસ્યાઓના ઉકેલ માટે કાર્યરત રહેવાનો અને તમામ સભ્યોના હિત માટે નીતિઓ ઘડવાનો છે.
હિન્દુ સંસ્કૃતિ, ધર્મ અને સમુદાયના બંધુત્વ, ઐક્ય અને જોશનો પડઘો આ ઉજવણીમાં સ્પષ્ટ જણાતો હતો. સંસ્થાની સિલ્વર જ્યુબિલીની ઉજવણી નિમિત્તે શ્રી દશરથભાઈ નાયી અને કમિટીના અન્ય સભ્યોને નોર્થમાં હિન્દુઓની એકતા જાળવવા અને વધારવામાં ફાળવેલા સમય, મહેનત અને નિષ્ઠાપૂર્વકની સમર્પિત કામગીરી બદલ બીરદાવવામાં આવ્યા હતા. નોંધપાત્ર યોગદાન આપનારા મહાનુભાવોનું કાઉન્સિલ દ્વારા ચાર કેટેગરીમાં સન્માન કરાયું હતું. પ્લેક પ્રેઝન્ટેશન સેરીમનીની શરૂઆત કેક કટીંગથી થઈ હતી. પ્રથમ કેટેગરીમાં સંસ્થાના સ્થાપકો અને સંસ્થાના બંધારણ ઘડતરમાં વિપુલ યોગદાન આપનારા છોટાલાલ લીમ્બાચીયા અને દશરથભાઈ નાયી સહિત સાત મહાનુભાવોનું સન્માન કરાયું હતું. બીજી કેટેગરીમાં નોર્થની તમામ હિંદુ કોમ્યુનિટીઓને સંગઠિત કરવાની દૂરંદેશી ધરાવતા સ્થાપકો અને ગુજરાત સમાચાર/એશિયન વોઈસના પ્રકાશક-તંત્રી સી બી પટેલ, સુરેન્દ્રભાઈ પટેલ તથા ઈશ્વરભાઈ પટેલનું સન્માન કરાયું હતું. ત્રીજી કેટેગરીમાં કાઉન્સિલને અગાઉ પ્રેસિડેન્ટ અને PRO તરીકે શ્રેષ્ઠ સેવા આપનારા અને હાલ હિંદુ ફોરમ ઓફ બ્રિટનના પ્રેસિડેન્ટ શ્રીમતી તૃપ્તિબેન પટેલ, કાઉન્સિલના વર્તમાન સેક્રેટરી કાંતિભાઈ સી મિસ્ત્રી સહિત ૩૨ વ્યક્તિ વિશેષનું સન્માન કરાયું હતું. કાઉન્સિલના ૨૫ વર્ષની ઉજવણીને અનુલક્ષીને ખાસ સોવેનિયર મેગેઝિન પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
મહાનુભાવોએ પણ તેમના પ્રવચનમાં તમામ સભ્ય સંસ્થાઓને સંગઠિત કરવા બદલ તથા હિંદુ સંસ્કૃતિ અને પરંપરાને પ્રોત્સાહન આપવા માટે હિંદુ કાઉન્સિલ ઓફ નોર્થની પ્રશંસા કરી હતી. અત્યારે ૧૧ સંસ્થાઓ કાઉન્સિલની મેમ્બર છે. સમાજના દરેક શહેરના સભ્યો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર હતા. આ સંસ્થાઓમાં ગુજરાત હિંદુ સોસાયટી, પ્રેસ્ટન શ્રી ભારતીય મંડળ, એશ્ટન યુ લેન, ઈન્ડિયન એસોસિએશન ઓલ્ડહામ, શ્રી કૃષ્ણ ટેમ્પલ, બોલ્ટન, હિંદુ ચેરિટેબલ ટ્રસ્ટ, લીડ્સ, શ્રી પ્રજાપતિ એસોસિએશન, બ્રેડફર્ડ, બ્લેકબર્ન હિંદુ સેન્ટર, બ્લેકબર્ન, આનંદ મિલન સેન્ટર બ્રેડફર્ડ, લોહાણા એસોસિએશન માન્ચેસ્ટર, વેદ મંદિર, બોલ્ટન અને લેંકેસ્ટર એન્ડ મોરકેમ્બ હિંદુ સોસાયટીનો સમાવેશ થાય છે.
કાર્યક્રમમાં મેન ફ્રોમ આફ્રિકા અને ડેલ્કો બેન્ડના એન્ટરટેનમેન્ટ ગ્રૂપે હાજર લોકોએ ગીત-સંગીતનો કાર્યક્રમ રજૂ કર્યો હતો. ઉપસ્થિતોએ મનોરંજન અને સ્વાદિષ્ટ ભોજનને ભરપૂર માણ્યું હતું.
૧૯૯૨માં પૂજ્યશ્રી રમેશભાઈ ઓઝા અને પૂજ્ય ચિદાનંદ સરસ્વતી (મુનિજી)ની ઉપસ્થિતિ અ ને આશીર્વાદ સાથે હિન્દુ કાઉન્સિલ ઓફ નોર્થની સ્થાપના કરવામાં આવી હતી. આ મહાનુભાવોએ સહકાર અને સંવાદિતા સાથે કાર્ય કરવા નોર્થના હિન્દુ સંગઠનો અને મંદિરોને શીખ અને શુભેચ્છા પાઠવી હતી. ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટનના શ્રી છોટાભાઈ લિંબાચિયા સંસ્થાના પ્રથમ પ્રમુખ અને શ્રી દશરથભાઈ નાયી પ્રથમ જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા હતા. સ્થાપક સભ્યોમાં શ્રી રમેશભાઈ કુંપાવત, શ્રી રિતિલાલ સી. ચૌહાણ અને શ્રી ભગુભાઈ મિસ્ત્રીનો સમાવેશ થયો હતો. એક્ઝિક્યુટિવ મેનેજમેન્ટ કમિટીમાં દરેક સંગઠન અથવા મંદિરના બે સભ્યને સ્થાન અપાયું હતું.
યુવા પેઢીમાં સાંસ્કૃતિક વિરાસત વિશે જાગૃતિ કેળવવાના હેતુસર રાસ ગરબાની સ્પર્ધા, યુવા વર્ગ માટે રમતો અને ભજનો સહિત વિવિધ વાર્ષિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હતું. વર્ષ ૨૦૦૯માં લિવરપૂલ મર્સી ફેરી ટર્મિનલ ખાતે ૧૦૦૦થી વધુ શ્રદ્ધાળુઓ સાથે ‘ગણેશ વિસર્જન મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેની સાથે સુંદર પરંપરાનો આરંભ થયો હતો. કાઉન્સિલ દ્વારા વિસર્જન મહોત્સવ માટે શ્રી ભારતીય મંડલ એસ્ટનને આયોજનની કામગીરી સુપરત કરવામાં આવી હતી, જે તેમણે ઉત્સાહ અને આનંદ સાથે નિભાવી હતી.
૧૨ જૂન, ૨૦૧૨ના દિવસે ૨૦૦થી વધુ મહિલાઓ સાથે યુકેમાં સૌપ્રથમ ‘વિમેન ટુગેધર’ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં તમામ સભ્ય સંસ્થાઓની માગણી અને લાગણી સાથે HCNના પ્રખર સમર્થક તથા ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક અને તંત્રી શ્રી સી.બી. પટેલનું ‘કર્મયોગી’ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. HCN અને હિન્દુ કોમ્યુનિટીના ઈતિહાસમાં આ બે મહત્ત્વના કદમ નોંધપાત્ર સ્થાન ધરાવે છે, જેનું આયોજન યુકેમાં વિશાળ હિન્દુ સંગઠનના પ્રમુખપદે ચૂંટાયેલા સર્વપ્રથમ મહિલા, ઈન્ડિયન એસોસિયેશન ઓલ્ધામના આજીવન સભ્ય અને સંસ્થાના તત્કાલીન પ્રમુખ શ્રીમતી તૃપ્તિબહેન પટેલ તેમજ HCNના તત્કાલીન જનરલ સેક્રેટરી કાન્તિભાઈ મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું.
હિન્દુ ફોરમ ઓફ બ્રિટન (HFB)ના હિસ્સારુપે હિન્દુ કોમ્યુનિટીની સેવા કરવામાં HCN ગૌરવ અનુભવે છે. સંસ્થાને એ જણાવતા ગર્વ અને આનંદ થાય છે કે શ્રી ઈશ્વર ટેલર ૨૦૦૪માં HFB ના પ્રથમ પ્રમુખ બન્યા હતા અને શ્રીમતી તૃપ્તિબહેન પટેલ ૨૦૧૪માં HFB ના પ્રથમ મહિલા પ્રમુખ બન્યાં હતાં.
નોર્થ વિસ્તારોમાં હિન્દુ કોમ્યુનિટીના હિતોના રક્ષણ અને વિશેષતઃ સનાતન સંસ્કૃતિ અને ધાર્મિક વિચારોની જાળવણી માટે હિન્દુ કાઉન્સિલ ઓફ નોર્થની ભૂમિકાનું મહત્ત્વ ઉત્તરોત્તર વધતું રહ્યું છે. નોર્થની સમગ્ર હિન્દુ કોમ્યુનિટીઓના બાળકોથી માંડી વૃદ્ધો સહિતના લોકો એક છત નીચે એકત્ર થાય તે જોવાનો લહાવો અવર્ણનીય છે. આપણી કોમ્યુનિટીઓમાં સંસ્કૃતિ અને ધર્મની વિરાસત જીવંત રહે તે માટે વડીલોએ ઉઠાવેલી જહેમત કાબિલેતારીફ જ ગણાય, જેનાથી ભાવિ પેઢીઓને મહાન કાર્ય આગળ ધપાવવાનું પ્રોત્સાહન સાંપડે છે.

