અમદાવાદઃ ફ્રેન્ચ આલ્પ્સ પર્વતના મોં બ્લા શિખર પરથી ૧૯૬૬ના એર ઈન્ડિયા વિમાન અકસ્માતનો કાટમાળ મળી આવ્યો છે. મુંબઈથી લંડન જઈ રહેલી એ એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર ૧૦૧માં ભારતીય ન્યૂક્લિયર એનર્જી કમિશનના અધ્યક્ષ ડો. હોમી જહાંગીર ભાભા પણ સફર કરતા હતા. વિમાની અકસ્માતો પર સંશોધન કરતા ડેનિયલ રોશેને આલ્પ્સ પરથી અકસ્માત વખતના માનવ અવશેષો મળી આવ્યા છે. અવશેષોમાં એક સ્ત્રીનો હાથ અને પગનો ઊપરનો ભાગ મળ્યો છે.
મુંબઈથી લંડન જવા ઉપડેલા ‘કાંચનજંઘા’ નામના બોઈંગ ૭૦૭ વિમાનમાં કુલ ૧૧૭ પ્રવાસીઓ હતા. એ ફ્લાઈટ લંડન થઈને છેક ન્યુ યોર્ક જવાની હતી, પરંતુ આલ્પ્સ પર્વતમાળાના ૧૫ હજાર ફીટ કરતા વધુ ઊંચા મોં બ્લા શિખર પર તૂટી પડી હતી. એ ફ્લાઈટમાં અમદાવાદના મુસાફર મુનીર દલાલ પણ હતા. આ શિખર પર એ પહેલાં ૧૯૫૦માં પણ એક એર ઈન્ડિયાની ફ્લાઈટ તૂટી પડી હતી, જેમાં ૪૮ મુસાફરોના મોત થયા હતા.
મોં બ્લા પર મોટેભાગે તાપમાન શૂન્ય ડિગ્રી કરતાં નીચે રહેતું હોવાથી અકસ્માત થયા પછી કોઈ બચી શકે તેવી સંભાવના ઓછી હોય છે. ‘કાંચનજંઘા’ના મુખ્ય કેપ્ટન ડિસોઝા હતા, જેઓ ૧૯૬૪માં પોપ રોમથી ભારત આવ્યા ત્યારે તેમના વિમાનના પાઈલટ રહી ચૂક્યા હતા.
રોશેએ સમાચાર એજન્સીને જણાવ્યું કે મેં અગાઉ આવા માનવાશેષો મળ્યા હોવાનું જોયું નથી. અવશેષો મળ્યાં પછી તેના ડીએનએ તપાસ કરતાં મહિલાના શરીરના અંગો હોવાનું જણાયું હતું. જોકે એ બંને અવશેષો એક જ અકસ્માત વખતના છે કે અલગ અલગ અકસ્માત વખતના એ નક્કી થઈ શકતું નથી. વધુમાં વિમાનના ચાર પૈકી એક એન્જિનનો કાટમાળ પણ મળી આવ્યો છે.
હોમી ભાભાએ છેલ્લી ઘડીએ ફેરફાર કરતાં તેમને આ વિમાનમાં મુસાફરી કરવાની આવી હતી. બાકી તેમની અગાઉની ટિકિટ ૨૨મી જાન્યુઆરીની હતી.
સીઆઇએનું કાવતરું હતું?
વર્ષ ૧૯૬૬માં ફ્રાન્સના આલ્પ્સ પહાડો નજીક એર ઇન્ડિયાનું વિમાન બોઈંગ ૭૦૭ તૂટી પડયું હતું. મૃતકોમાં ભારતના હોમી ભાભાને મહાન વિજ્ઞાની હોમી ભાભાનો પણ સમાવેશ થતો હતો. એક ન્યૂઝ વેબસાઇટે એ વાતના સંકેત આપ્યા છે કે તે વિમાન દુર્ઘટના પાછળ અમેરિકી જાસૂસી એજન્સી સીઆઈએનો હાથ હતો. ડીબીઆરન્યૂઝઓર્ગ નામની વેબસાઇટ પરના અહેવાલમાં હોમી ભાભા સાથે સંકળાયેલી હકીકત સામે આવી રહી છે.
આ વેબસાઇટે જુલાઈ ૨૦૦૮માં એક પત્રકાર ગ્રેગરી ડગ્લાસ અને સીઆઈએ અધિકારી રોબર્ટ ક્રાઓલી વચ્ચે થયેલી કહેવાતી વાતચીત અહેવાલરૂપે રજૂ કરી છે. વાતચીત દરમિયાન સીઆઈએ અધિકારી રોબર્ટ કહી રહ્યા હતા કે, ‘અમારી સામે સમસ્યા હતી, તમે જાણો છો, ભારતે ૬૦ના દાયકામાં પરમાણુ બોમ્બ પર કામ કરવાની શરૂઆત કરી દીધી હતી.’ વાતચીત દરમિયાન રશિયાનો ઉલ્લેખ કરીને કહેવાઈ રહ્યું હતું કે રશિયા ભારતની મદદ કરી રહ્યો હતો.
વાતચીતમાં હોમી ભાભાનો ઉલ્લેખ કરતાં સીઆઈએ અધિકારીએ કહ્યું કે, ‘મારા પર વિશ્વાસ કરો, તેઓ ખતરનાક હતા, તેમની સાથે દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત સર્જાયો હતો. મુશ્કેલીમાં વધારો કરવા તેઓ વિયેના તરફ જઈ રહ્યા હતા ત્યારે જ તેમનાં બોઈંગના કાર્ગોમાં મુકાયેલા બોમ્બનો વિસ્ફોટ થયો.’ જોકે દેશની રક્ષા માટે પરમાણુ બોમ્બ બનાવવાનું ભાભાનું સપનું ૧૮ મે ૧૯૭૪ના રોજ પૂરું થયું હતું. પોખરણમાં ભારતે પ્રથમ સફળ પરમાણુ પરીક્ષણ કર્યું હતું.

