• બ્રેક્ઝિટ પછી ડ્યૂટી ફ્રી આયાત ચાલુ રહેશેઃ યુકે સરકારે જણાવ્યું હતું કે બ્રેક્ઝિટ પછી પણ ૪૮ જેટલા વિકસતા દેશોમાંથી ડ્યૂટી-ફ્રી આયાત ચાલુ રખાશે. તેનો અર્થ એ થાય કે યુકે દ્વારા શસ્ત્રો સિવાયના સામાનની ખરીદીની વ્યવસ્થાથી બાંગ્લાદેશ, હૈતી અને ઈથિયોપિયા સહિતના દેશોને લાભ મળતો રહેશે. દર વર્ષે આ દેશો અડધોઅડધ કપડા સહિત ૨૦ બિલિયન પાઉન્ડના મૂલ્યનો માલસામાન યુકેને મોકલે છે.
• ડ્રગ્સ દાણચોર ડેમેજીસનો કેસ જીત્યોઃ ૨૦૧૧માં ક્રિસમસની પૂર્વ સંધ્યાએ ડ્રગ્સની દાણચોરીના ૪૬ વર્ષીય ગુનેગાર ફેલીક્સ વામલાને યુગાન્ડા દેશનિકાલ કરવાના પ્રયાસમાં ગંભીર ઈજા થઈ હતી. તે બદલ તેણે ટેસ્કર સર્વિસિસ લિમિટેડ પર માંડેલો ૪૮,૦૦૦ પાઉન્ડના વળતરનો દાવો તે જીતી ગયો હતો. હાઈકોર્ટ સમક્ષ તેણે દાવો કર્યો હતો કે તેના હાથ, કાંડા, ગળા, પીઠ ખભા અને પગે ઈજા થઈ હતી અને ગંભીર માનસિક બીમારીનો ભોગ બન્યો હતો. તેને યુકેમાં જ રાખવાની બાબતે વિચારણા ચાલી રહી છે.
• સતત નાખુશ હૃદયરોગના દર્દીને મોતનું જોખમઃ સતત નાખુશ રહેતા હૃદયરોગના દર્દીના મૃત્યુનું જોખમ ચાર ગણુ વધી જતું હોવાનું એક અભ્યાસમાં જાણવા મળ્યું છે. ડિપ્રેશનથી પીડાતા આવા દર્દીઓને લાંબુ જીવન જીવવામાં મદદરૂપ થાય તેવી યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા ડોક્ટરોને ભલામણ કરાઈ હતી. યુનિવર્સિટી ઓફ ઓકલેન્ડના વિજ્ઞાનીઓએ છેલ્લા ૧૨ વર્ષમાં હૃદયરોગના એક હજાર દર્દીનો અભ્યાસ કર્યો હતો. તે દરમિયાન ૩૯૮ દર્દીનું મૃત્યુ થયું હતું.
• ટાટા સ્ટીલે મેનેજરોને £૨૫ મિલિયનનું બોનસ ચૂકવ્યુંઃ યુકેના વર્કરોએ સાઉથ વેલ્સના પોર્ટ તાલબોટ સ્ટીલવર્ક્સને ચાલુ રાખવા માટે પેન્શન કાપ સ્વીકારી લેતા ટાટા સ્ટીલે તેના યુરોપના ટોચના અંદાજે ૧૦૦ મેનેજરોને કુલ £૨૫ મિલિયનનું લોયલ્ટી બોનસ ચૂકવ્યું હતું. ગયા સમરમાં બંધ થવાના આરે આવેલા ને હજારો વર્કરોની જોબ બચાવવાના હેતુ સાથેના પેકેજના ભાગરૂપે આ સમાધાન થયું હતું. પેન્શનનો પ્રશ્ર ઉકેલાતા ટાટાના યુરોપિયન બિઝનેસના જર્મન હરિફ થાયસીનકૃપમાં સૂચિત વિલિનિકરણનો માર્ગ મોકળો થયો છે.
