અમારા સમયે ને સ્થળે પાકિસ્તાનને જવાબ અપાશેઃ ભારતીય સેના

Wednesday 03rd May 2017 06:21 EDT
 
 

નવી દિલ્હીઃ પાકિસ્તાનને ભારતીય જવાનોના મૃતદેહને ક્ષત-વિક્ષત કરવાના કૃત્યની આકરી કિંમત ચૂકવવી પડશે. ભારતીય સેના યોગ્ય સમયે અને સ્થળે પાકિસ્તાનને આકરો પાઠ ભણાવશે એમ ભારતીય સેનાના નાયબ વડા સરથ ચંદે મંગળવારે જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે ભારતીય સૈનિકોની હત્યા અને તેમના માથા કાપી નાંખવાનું કૃત્ય પાકિસ્તાની આર્મીની હતાશા દર્શાવે છે. તેના આ કૃત્યને કોઇ પણ વાજબી ઠેરવી શકાય તેમ નથી.
તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે શું કરશું તે અંગે હું કંઇ પણ બોલવા માગતો નથી. કંઇ બોલવાના બદલે યોગ્ય સમયે અને સ્થળે કાર્યવાહી કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવાનું અમને વધુ ગમશે. પાકિસ્તાનના કૃત્ય સામે ભારતીય સેના સંભવિત કેવા પગલાં લેેશે તેવા પ્રશ્નના જવાબમાં તેમણે આમ કહ્યું હતું.
વાઇસ ચીફ ચાંદે કહ્યું હતું કે તેઓ (પાકિસ્તાની સેના) કહે છે કે આ કૃત્ય તેમના દળો નથી થયું. તો પછી આ કોણે કર્યું છે? તેમના માણસો આપણા વિસ્તારમાં આવ્યા અને આ કૃત્ય આચર્યું છે.
પાકિસ્તાને ભારે કિંમત ચૂકવવી પડશે
પાકિસ્તાનની શૈતાની ચાલ પછી ભારતીય આર્મીએ પાકિસ્તાન પર વળતો હુમલો કર્યો હતો અને ભારે મોર્ટારમારો કરાયો હતો. સરહદ પરની પાકિસ્તાનની ચોકીઓને નિશાન બનાવાઈ હતી. ભારતીય જવાનોએ પાકિસ્તાનને તેની નાપાક હરકતનો તેની ભાષામાં જ જવાબ આપ્યો હતો. એક અહેવાલ પ્રમાણે ભારતે કરેલા મોર્ટારમારામાં પાકિસ્તાનની બે ચોકીનો સફાયો થઇ ગયો હતો. આર્મી અધિકારીઓએ કહ્યું હતું કે ભારતનું લશ્કર પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપીને જ રહેશે. પાકિસ્તાને આ કાયરતાપૂર્ણ હરકતની ભારે કિંમત ચૂકવવી પડશે. પાકિસ્તાની સેના દ્વારા ઉશ્કેરણી વિના એલઓસી પર મોર્ટારમારો કરાયો હતો.
આર્મી ચીફ રાવત કાશ્મીર પહોંચ્યા
ભારતીય સેનાના પ્રવક્તાએ કહ્યું હતું કે આ ઘટનાની વડા પ્રધાનનાં કાર્યાલય તેમજ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત ડોભાલને જાણ કરાઈ હતી. બીજી બાજુ શહીદ પ્રેમસાગરના ભાઈ દયાશંકરે માગ કરી છે કે હવે ભારતીય સૈન્ય પણ પાકિસ્તાની સૈનિકોના માથા કાપી લાવે. આર્મી ચીફ જનરલ બીપીન રાવત બે દિવસ માટે કાશ્મીર પહોંચી ગયા છે. તેમણે સ્થિતિની સમીક્ષા કરી હતી.


comments powered by Disqus