પાક.ને ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો સમય આવી ગયો છે

Wednesday 03rd May 2017 06:16 EDT
 
 

નવી દિલ્હીઃ કાશ્મીરમાં લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી) પર પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કરતા બે જવાનોની હત્યા કરીને મૃતદેહોને ક્ષતવિક્ષત કરતાં લોકોનો ગુસ્સો સોશિયલ મીડિયા પર ફાટી નીકળ્યો છે. લોકોએ વડા પ્રધાન મોદીના જૂના ટ્વિટ શેર કરીને તેમની સામે સવાલો ઊભા કર્યા હતા.
૨૦૧૩માં મોદીએ મનમોહન સરકાર સામે સવાલ કરતાં ટ્વિટ કર્યું હતું કે ભારત પાકિસ્તાનના અમાનવીય કૃત્યોનો કડક જવાબ આપવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. આપણા સૈનિકોના માથા કાપવા અને સરબજીતનું મોત હાલના જ ઉદાહરણ છે. સોમવારે સૈનિકો સાથે બર્બરતા આચરાઈ હોવાના અહેવાલો આવતા જ લોકોએ મોદીના આ જૂના ટ્વિટ શેર કર્યા હતા.
એક યુઝરે લખ્યું હતું કે ત્રાસવાદીઓ સૈન્ય અને સૈન્ય છાવણીઓ પર હુમલા કરે છે. પાકિસ્તાની સૈનિકો શહીદ જવાનોનું અપમાન સતત કરી રહ્યા છે અને મોદી સરકાર આકરી ટીકાથી આગળ નથી વધતી.
એક યુઝરે લખ્યું હતું કે સૈન્યને જો કામ કરવાની આઝાદી ન આપવામાં આવે તો કોઈ પણ સરકાર વચ્ચે શું અંતર છે? તો કોઈકે લખ્યું કે મોદીજી હવે પાકિસ્તાનને ઇંટનો જવાબ પથ્થરથી આપવાનો સમય આવી ગયો છે.


comments powered by Disqus