શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પૂંચમાં આવેલી કૃષ્ણાઘાટીમાં સોમવારે પાકિસ્તાન દ્વારા ફરી એક વાર કાયરતા અને હિણપતભર્યું કૃત્ય આચરાયું છે. છુપાઇને બેઠેલા પાકિસ્તાની જવાનોએ સીઝફાયરનો ભંગ કરીને ભારતના જવાનો પર હુમલો કર્યો હતો, જેમાં બે ભારતીય જવાનો શહીદ થયા છે અને એકને ઈજા થઈ છે. પાકિસ્તાને માત્ર યુદ્ધવિરામનો ભંગ જ નથી કર્યો, પરંતુ બન્ને શહીદ જવાનોના મૃતદેહ સાથે ક્રૂરતા અને બર્બરતા આચરી હતી. તેમણે આ શહીદોનો શિરોચ્છેદ કરીને તેમના મૃતદેહો ક્ષત-વિક્ષત કરી નાખ્યા હતા.
પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ (બીએટી) લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી) ઓળંગીને ભારતીય પ્રદેશમાં ૨૫૦ મીટર અંદર ઘૂસી આવી હતી અને ભયાનક ક્રૂરતા આચરીને નાસી ગઈ હતી. પાકિસ્તાનના આ હિચકારા કૃત્યના ભારતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. લોકોએ ભારત સરકારને પાકિસ્તાનમાં ફરી એક વખત સર્જિકલ સ્ટ્રાઇક કરીને તેને પાઠ ભણાવવા માગ કરી રહ્યા છે.
ભારતીય સુરક્ષા દળોએ જોકે પાકિસ્તાનને તેના કૃત્ય બદલ સોમવારે જ પાઠ ભણાવ્યો હતો. આર્મીના નોર્ધર્ન કમાન્ડના વડાએ કહ્યું હતું કે પાકિસ્તાનને જડબાતોડ જવાબ અપાયો છે. ભારતના વળતા હુમલામાં પાકિસ્તાનની બે ચોકી નાશ પામ્યાના અહેવાલ છે.
ઉલ્લેખનીય છે કે વીતેલા એક માસમાં જ પાકિસ્તાન દ્વારા લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી)ની નજીક પૂંચ અને રાજૌરીમાં ૭ વખત સીઝફાયર ભંગ કરાયું છે.
ભારતીય સેનાના ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (ડીજીએમઓ) લેફ. જનરલ એ. કે. ભટ્ટે મંગળવારે સવારે હોટલાઇન પર પાકિસ્તાની સેનાના ડીજીએમઓ સાથે ચર્ચા કરીને ભારતીય જવાનો સાથે થયેલા દુર્વ્યવહાર અંગે આકરા શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો. તેમજ આ પ્રકારની ઘટનાઓ અંગે ઊંડી ચિંતાની લાગણી વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું હતું કે આ નૃશંસ ઘટના દરમિયાન નજીકમાં આવેલી પાકિસ્તાની ચોકીએ સતત ગોળીબાર ચાલુ રાખીને હુમલાખોરોને સાથ આપ્યો હતો.
ભારતીય જવાનો પર કેવી રીતે હુમલો કરાયો?
કૃષ્ણા ઘાટીમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) જવાનોની ટુકડી બોર્ડર પર ઘૂસણખોરોએ સુરંગો બિછાવી છે કે કેમ તેની તપાસ કરવા માટે બોર્ડર સુધી ગઈ હતી. આ સમયે અગાઉથી ભારતમાં ૨૫૦ મીટર અંદર ઘૂસીને છુપાઈને બેઠેલા પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ (બીએટી)નાં સૈનિકો અને આતંકીઓએ એકદમ નજીકથી ગોળીઓ મારીને ભારતીય જવાનોની હત્યા કરી હતી. બાદમાં તેમનાં શરીરનાં અંગો કાપીને ક્ષત-વિક્ષત કર્યાં હતાં.
પૂંચના એસએસપી રાજીવે કહ્યું હતું કે પાકિસ્તાન સૈન્યે સવારે ૮.૩૦ કલાકે ભારતીય પોસ્ટો પર રોકેટ લોન્ચર અને ઓટોમેટિક હથિયારો દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં નાયબ સુબેદાર પરમજિત સિંહ અને બીએસએફના હેડ કોન્સ્ટેબલ પ્રેમસાગર શહીદ થયા હતા, જ્યારે જવાન રાજેન્દ્ર સિંહને ઈજા થઈ હતી.
ભારતીય જવાનો ‘બેટ’ના છટકામાં સપડાયા
ભારતીય ભૂમિ દળ અને બીએસએફની પેટ્રોલિંગ ટુકડીના જે બે જવાનોના માથા કાપી નંખાયા છે તેઓ પાકિસ્તાનની ‘બેટ’ દ્વારા ગોઠવાયેલા ડેથ ટ્રેપ (મોતના છટકા)માં સપડાઇ ગયા હશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ભારતીય સુરક્ષા દળોને ગુપ્તચર બાતમી મળી હતી કે પાકિસ્તાને ભારતની બાજુએ સુરંગ બિછાવી છે. ભારતીય પેટ્રોલિંગ ટુકડીના સૈનિકો સરહદી ક્ષેત્રમાં કોઈ સુરંગ બિછાવાઇ છે કે કેમ તેની તપાસ કરી રહ્યા હતા. ‘બેટ’ ટીમે સુરંગો જેવો દેખાવ કરીને આ જવાનોને છટકામાં ફસાવ્યા હોઈ શકે છે. ભારતીય જવાનો સુરંગ શોધવા ગયા હોય ત્યારે તેમના પર હુમલો કરી દેવાયો હોય એવું પણ અનુમાન છે. જોકે, તે વિસ્તારમાં ખરેખર સુરંગો હતી કે કેમ? તે બાબતે પણ શંકાઓ થઈ રહી છે.
પાકિસ્તાન સામે ફરી સર્જિકલ સ્ટ્રાઇક કરો
પાકિસ્તાનના આ કૃત્ય બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાન સામે રોષ પ્રવર્તે છે અને ફરી એક વાર સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને તેની ભાષામાં જ જવાબ આપીને ૨૦-૨૫ પાકિસ્તાની સૈનિકોના ઢાળી દેવાની માગણી ઊઠી છે. પાકિસ્તાનની ફરી લશ્કરી સર્જરી કરીને તેની સાન ઠેકાણે લાવવા લોકો આક્રોશ ઠાલવી રહ્યાં છે. એક શહીદ જવાનના પરિવારજને તો કહ્યું હતું કે ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાના ૫૦ જવાનોના માથા વાઢી લાવીને તેને પાઠ ભણાવવો જોઇએ. ખાસ તો પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમને પાઠ ભણાવવા માગણી થઈ રહી છે.
નિવૃત્ત મેજર જનરલ એસ. આર. સિંહાએ કહ્યું હતું કે આપણે પાકિસ્તાનના આતંકીઓની સાથે સાથે તેનાં સૈનિકોને પણ મારવાં જોઈએ. આપણી વસતી ૧૨૫ કરોડની છે જ્યારે તેની ૨૬ કરોડની. આમ છતાં આપણાં જ સૈનિકો કેમ શહીદ થાય છે?
અત્યાચાર માટે બહુ કુખ્યાત છે ‘બેટ’
પાકિસ્તાની આર્મીની ‘બેટ’ના ટૂંકા નામે ઓળખાતી બોર્ડર એક્શન ટીમ ગેરિલા પદ્ધતિથી હુમલો કરવા અને દુશ્મનો સાથે અમાનવીય વ્યવહાર કરવા માટે કુખ્યાત છે. આ ટીમમાં પાકિસ્તાની સેનાના જવાન ઉપરાંત આતંકવાદીઓને પણ સામેલ કરવામાં આવે છે. આ સભ્યોને આકરી લશ્કરી તાલીમ આપીને લડાઇ માટે તૈયાર કરવામાં આવે છે. ભારતીય જવાનો સાથેની દરેક અમાનવીય અને બર્બરતાપૂર્ણ વ્યવહારની ઘટનામાં ‘બેટ’નું નામ બહાર આવ્યું છે.
અહેવાલ અનુસાર ‘બેટ’ને પાકિસ્તાની સેનામાં સત્તાવાર સ્થાન નથી અપાયું. આની પાછળનું મુખ્ય કારણ એ છે કે આ ટીમનો કોઇ સભ્ય તેની કામગીરી દરમિયાન દુશ્મન દેશના હાથમાં સપડાય જાય તો તે પાકિસ્તાની નાગરિક હોવાનું નકારી શકાય. તેમજ અમાનવીય અને ક્રૂરતાપૂર્ણ વ્યવહારમાં પાકિસ્તાની સેનાની સંડોવણી ખુલ્લી પડી ન જાય.
બર્બરતા આચરી નથીઃ પાકિસ્તાની નફટાઈ
ભારતીય શહીદોના મૃતદેહો સાથે હિચકારું કૃત્ય કર્યા પછી પાકિસ્તાને પૂંચમાં ઘૂસણખોરી કર્યાનો કે બર્બરતા આચર્યાનો ઈનકાર કર્યો હતો. તેણે કહ્યું હતું કે અમે ઘૂસણખોરી કરી નથી કે ભારતીય જવાનો સાથે કોઇ બર્બરતા આચરી નથી.
પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ કહ્યું કે તેમણે કોઈ યુદ્ધવિરામ ભંગ કર્યો નથી. પાકિસ્તાની સેના ક્યારેક કોઈ જવાનનું અપમાન કરી શકે નહીં, પછી ભલે ને તે ભારતીય જવાન કેમ ન હોય.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની સેનાના વડા કમર બાજવા રવિવારે જ એલઓસીના નીરીક્ષણ માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે એવું કહ્યું હતું કે પાકિસ્તાન કાશ્મીરી અલગતાવાદીઓને રાજકીય સમર્થન આપતું રહેશે.
ગૃહ પ્રધાનની બેઠક: જવાબ આપવા છુટ્ટો દોર
આ ઘટનાને પગલે ભારત સરકારના ગૃહ પ્રધાન રાજનાથ સિંહે તાકીદની બેઠક બોલાવી હતી. રાજનાથ સિંહે આર્મીના અધિકારીઓ સાથે વાતચીત કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા આદેશ આપ્યો હતો. ગૃહ પ્રધાને લશ્કરને કાર્યવાહી કરવા છુટ્ટો દોર આપ્યો છે. પાકિસ્તાન દ્વારા એલઓસી પર સીઝફાયર ભંગ, કાશ્મીરમાં હિંસા અને તંગદિલી તેમજ સુકમામાં સીઆરપીએફના જવાનોની નક્સલીઓ દ્વારા હત્યાના મામલે આ બેઠકમાં ચર્ચા થઈ હતી. બેઠકમાં ગૃહ સચિવ, સીઆરપીએફના ડિરેક્ટર જનરલ, આઈબી વડા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ હાજર રહ્યા હતા.
શહીદી એળે નહીં જાયઃ સંરક્ષણ પ્રધાન જેટલી
પાકિસ્તાન દ્વારા ભારતીય જવાનો સાથે બર્બરતા આચરવાની ઘટનાના ભારતે ઉગ્ર પ્રત્યાઘાતો આપ્યા હતા. સંરક્ષણ પ્રધાન અરુણ જેટલીએ આક્રમક ભાષામાં કહ્યું હતું કે શહીદોની શહાદત એળે નહીં જાય. પાકિસ્તાને આ કૃત્યની ભારે કિંમત ચૂકવવી પડશે. ભારતની જનતાને આર્મી અને આર્મીના જવાનો પર પૂરો ભરોસો છે.

