નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પૂંછ ક્ષેત્રમાં જવાનો સાથે બર્બરતાની ઘટના બની છે કે કંઈ પહેલીવહેલી નથી, આ પહેલા પણ આવી ઘટનાઓ બની ચૂકી છે. ૧૯૯૯માં આવું પ્રથમવાર થયું હતું ત્યારે કારગીલ યુદ્ધ થયું હતું.
• મે ૧૯૯૯ઃ જમ્મુ-કાશ્મીરના કાકસર સેક્ટરમાં પેટ્રોલિંગ પર નીકળેલા કેપ્ટન સૌરભ કાલિયા સહિત છ ભારતીય સૈનિકોને પાકિસ્તાની સૈન્યે બંધક બનાવી અઠવાડિયા સુધી તેમને ટોર્ચર કરી પછી તેમના ક્ષત-વિક્ષત મૃતદેહો ભારતને નવમી જૂને પરત સોંપ્યા હતા. આ પછી કારગીલ યુદ્ધ શરૂ થયું.
• ફેબ્રુઆરી ૨૦૦૦ઃ પાકિસ્તાની ત્રાસવાદી ઇલિયાસ કાશ્મીરીએ નૌસેરા સેક્ટરમાં ભારતીય પોસ્ટ પર હુમલો કરીને સાત ભારતીય સૈનિકોની હત્યા કરી હતી. એક જવાનનું માથું કાપી તે પાકિસ્તાન લઈ ગયો.
• જૂન ૨૦૦૮ઃ ગોરખા રાયફલ્સનો એક જવાન માર્ગ ભુલી જતા પાકિસ્તાનમાં પ્રવેશી ગયો હતો. પાકિસ્તાનની બોર્ડર એકશન ટીમે કેલ સેક્ટરમાં તેને પકડી લીધો તેના થોડા દિવસો પછી તેનો મૃતદેહ માથું કપાયેલી હાલતમાં મળ્યો હતો.
• જુલાઇ ૨૦૧૧ઃ કુપવાડા ક્ષેત્રમાં પાકિસ્તાની હુમલામાં છ ભારતીય જવાનો શહીદ થયા. પાકિસ્તાની જવાનો લાન્સ નાયક દેવેન્દર સિંહ અને હવાલદાર જયપાલના માથા કાપીને લઇ ગયા.
• જાન્યુઆરી ૨૦૧૩ઃ પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમે મેંધર સેક્ટરમાં લાન્સ નાયક હેમરાજ અને સુધાકર સિંહની હત્યા કરીને મૃતદેહોને ક્ષત-વિક્ષત કરી નાખ્યા હતા. જેમાંથી હેમરાજનું માથું કાપીને તેઓ લઇ ગયા હતા.
• ઓક્ટોબર ૨૦૧૬ઃ કુપવારાના માછિલ સેક્ટરમાં જ આતંકવાદી સાથે અથડામણ. એલઓસી ઓળંગીને ભારતીય પ્રદેશમાં ઘૂસેલા પાકિસ્તાનીઓ ભારતીય જવાન મનદીપ સિંહને મારીને તેના મૃતદેહને ક્ષત-વિક્ષત કરીને નાસી ગયા હતા.
• નવેમ્બર ૨૦૧૬ઃ માછિલમાં જ એલઓસી પર પાકિસ્તાનની ત્રાસવાદીઓના હુમલામાં ત્રણ ભારતીય જવાન શહીદ થયા હતા. આમાંથી એક જવાનનો મૃતદેહ ક્ષત વિક્ષત હાલતમાં મળ્યો હતો.

