જૈન સેન્ટર, કોલીન્ડલમાં અન્નદાન સહિત ક્રિસમસની શાનદાર ઊજવણી

જ્યોત્સના શાહ Wednesday 04th January 2017 05:11 EST
 
 

જૈન સેન્ટર, કોલીન્ડલ ખાતે ગત ૧૧ ડિસેમ્બરને રવિવારે ક્રિસમસ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રેમ અને મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું વહ્યું. કેરોલ ગીતો ગવાયા. સેન્ટરના સેવાભાવી સ્વયંસેવકો અને ભાવિકજનો દ્વારા કોલીન્ડલ ફૂડ બેન્ક માટે હજારેક ખાદ્ય સામગ્રી સાદર પ્રસ્તુત કરવામાં આવી હતી. સેન્ટરની બહેનોએ પણ શુદ્ધ, સાત્વિક, શાકાહારી ગરમાગરમ ભોજન તૈયાર કરીને મહેમાનોને ભાવપૂર્વક પીરસ્યું હતું.
આ કાર્યક્રમમાં માત્ર જૈનો જ નહીં, ઈન્ટર ફેઈથ કોમ્યુનિટી ફ્રેન્ડ્ઝ પણ ઉપસ્થિત રહ્યા હતા. ૬૦ જેટલાં આમંત્રિત મહેમાનોમાં બારનેટના મેયર કાઉન્સિલર ડેવિડ લોંગસ્ટફ, હેરોના મેયર કાઉન્સિલર રેખાબહેન શાહ, બ્રેન્ટના મેયર કાઉન્સિલર પરવેઝ અહેમદ, હેરો કાઉન્સિલના નેતા કાઉન્સિલર સચીન શાહ, હેન્ડનના એમપી ડો. મેથ્યુ એફોર્ડ, ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના તંત્રી સી. બી. પટેલ વગેરેની હાજરી ધ્યાનાકર્ષક રહી હતી.
આ પ્રસંગે જૈન સેન્ટરના ચેરમેન અને જૈન નેટવર્કના સીઈઓ ડો. નટુભાઈ શાહે ઉદબોધનમાં જણાવ્યું કે ક્રિસમસની ઊજવણીમાં અમારા મિત્રો અને પાડોશીઓ જુદા જુદા ધર્મોમાં માનતા નાગરિકો સૌ એક જ મંચ પર એકત્રિત થયા એનો અમને આનંદ અને ગૌરવ છે. ક્રિસમસનો તહેવાર આપવાનો અને વહેંચવાનો છે. આપણા કરતા ઓછી સદભાગી વ્યક્તિઓને મદદ કરી માનવતા ઊજાગર કરવાના આ તહેવારમાં પ્રેમ-મૈત્રી અને ભાઈચારાની લાગણી દર્શાવવી એ આપણી ફરજ છે.
જૈન ધર્મ અનેકાંતવાદમાં માને છે. બધા જ ધર્મના મૂલ્યોનું સન્માન કરે છે. જે અમારા વાર્ષિક ક્રિસમસ લંચનમાં પ્રતિબિંબિત થાય છે.
બહુવિધ ધર્મ-સંસ્કૃતિના દેશમાં આપણે સૌ સાથે મળી એકબીજાને સમજીએ, માન આપીએ તો આપણી સામાન્ય સમસ્યાઓનું હલ નીકળે જેનાથી સમાજને ઘણાં લાભ થાય. પરસ્પર હિતકારી બને અને એક સદ્ધર સમાજનું સર્જન થાય.
અમારા જૈન સેન્ટરનો હેતુ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા એકબીજા સાથે સંવાદ સાધી, એકમેકના સહકારથી એક હકારાત્મક ભવિષ્ય ઊભું કરવાનો છે.
કોલીન્ડલ ફૂડ બેંકના સુશ્રી ક્રિસ્ટીના સ્પેબેએ જણાવ્યું હતું કે જૈન સેન્ટર, કોલીન્ડલના સેવાભાવી સ્વયંસેવકો અને ભાવિકજનોના સહકારથી આ ક્રિસમસમાં સ્થાનિક ભૂખ્યાજનો ભોજન-વિહોણા નહીં રહે. આપના આ ઉદાર અન્નદાન માટે હું આપની આભારી છું.
અન્ય વક્તાઓએ પણ પ્રાસંગિક પ્રવચનમાં જૈન સેન્ટરની ક્રિસમસની ઊજવણીને આવકારી હતી.
જૈન સેન્ટરનું મીશન સ્થાનિક જૈનો અને વિશાળ જૈનેતર સમાજમાં આધ્યાત્મિક, શારીરિક, માનસિક જીવન સ્તરમાં સુધારો કરવાનું છે. તેના માટે ત્રણ માળનું વિશાળ ભવ્ય સેન્ટર ઊભું થશે. ગત ઓગષ્ટમાં એની ભૂમિપૂજન વિધિ થઈ હતી. તે પ્રસંગે ભારતથી ૧૦૦ જેટલા મહેમાનો પધાર્યા હતા. આ સ્થળે જૈન દેરાસર તથા કોમ્યુનિટી સેન્ટર બનશે, જેનો લાભ વિશાળ કોમ્યુનિટીને મળશે.
વધુ વિગત માટે વેબસાઈટની વિઝિટ કરો.
www.jainnetwork.com


comments powered by Disqus