નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નૂતન વર્ષની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધન કરતાં ખેડૂતો, નાના વેપારીઓ, વરિષ્ઠ નાગરિકો, ગર્ભવતી મહિલાઓ અને ગરીબો માટે પાંચ મહત્ત્વની યોજનાઓની જાહેરાત કરી હતી. વડા પ્રધાનના આ ૪૩ મિનિટના સંબોધનમાં નોટબંધીથી હેરાન-પરેશાન ગરીબો, ખેડૂતો, નાના વેપારીઓ અને મધ્યમ ઉદ્યોગો કેન્દ્રસ્થાને રહ્યા હતા.
રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ રદ કરવાનો ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યાના બાવન દિવસ બાદ રાષ્ટ્રને સંબોધતાં મોદીએ કલાકો સુધી બેન્કોની લાઈનમાં ઊભાં રહેનારા લોકોનો આભાર માન્યો હતો. તેમણે ૧૨૫ કરોડ લોકોએ જાળવેલી ધીરજ અને સરકારને સાથ-સહકાર આપવા બદલ પ્રશંસા કરી હતી. દિવાળી પછી દેશ ઐતિહાસિક શુદ્ધિયજ્ઞનો સાક્ષી બન્યો છે તેમ જણાવ્યું હતું. શુદ્ધિયજ્ઞ આવનારાં અનેક વર્ષો સુધી દેશની દશા અને દિશા નક્કી કરશે. નોટબંધીના મુશ્કેલીના સમયમાં પણ દેશનાં લોકોએ ગજબનાક ધીરજ દર્શાવી છે.
આમ આદમીએ દેશમાં રહેલી બૂરાઈઓને ખતમ કરવા ત્યાગ, ધીરજ અને મુશ્કેલીઓ ઉઠાવીને વિશ્વમાં બેમિસાલ ઉદાહરણ પૂરું પાડયું હોવાનું પણ તેમણે કહ્યું હતું. કુછ બાત હૈ કી હસ્તી મિટતી નહીં હમારી... તે શેર ટાંકીને તેમણે કહ્યું હતું કે આ વાતને દેશવાસીઓએ સાકાર કરી બતાવી છે.
મોટી નોટોથી મોંઘવારી, ભ્રષ્ટાચાર, કાળાબજારમાં વધારો થયો હતો.
ગરીબોના અધિકાર છીનવાઈ જતા હતા. જોકે હવે વિશ્વના ઇતિહાસમાં એવી મિસાલ રજૂ કરાઈ છે જેમાં સચ્ચાઈ અને અચ્છાઈ માટે સરકાર અને જનતા બંનેએ ખભેખભા મિલાવીને લડાઈ લડી છે. હવે નવા વર્ષમાં બેન્કોની વહીવટી કામગીરી સામાન્ય બનાવવા ધ્યાન કેન્દ્રીત કરાયું છે. ગ્રામીણ ક્ષેત્રોમાં ગરીબો અને નાના માણસોને તકલીફ ન પડે તે માટે જવાબદાર લોકોને આદેશ અપાયા છે.
નિયંત્રણો દુર ન થયા
નોટબંધીના ઐતિહાસિક નિર્ણય બાદ મોદીનું આ પ્રથમ રાષ્ટ્રજોગ સંબોધન હોવાથી લોકોને સ્વાભાવિકપણે જ એવી આશા હતી કે વડા પ્રધાન તેમનાં ભાષણમાં એટીએમમાંથી લોકો વધુ પૈસા ઉપાડી શકે તેવી કોઈ જાહેરાત કરશે કે બેન્કોમાંથી પૈસા ઉપાડવા પર લદાયેલાં નિયંત્રણો દૂર કરશે. જોકે તેમણે આવી કોઈ જાહેરાત નહીં કરતાં લાંબા સમયથી હાલાકી ભોગવતો વર્ગ નિરાશ થયો હતો. હાલમાં માત્ર એટીએમમાં પ્રતિ દિન માત્ર ૪૫૦૦ રૂપિયા મેળવી શકાય છે જ્યારે સાપ્તાહિક ઉપાડની મર્યાદા ૨૪,૦૦૦ યથાવત છે.
પાંચ મહત્ત્વની યોજનાઓ
(૧) પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બે નવી હાઉસિંગ યોજનાઓ
• શહેરોમાંઃ ૨૦૧૭માં શહેરમાં નવું ઘર બનાવવા માટે રૂ. ૯ લાખ સુધીની લોન પર વ્યાજમાં ૪ ટકા અને રૂ. ૧૨ લાખ સુધીની લોન માટે વ્યાજમાં ૩ ટકા છૂટ અપાશે.
• ગામડાઓમાંઃ ગામડાઓમાં ગરીબો અને નિમ્ન મધ્યમ વર્ગનાં લોકો માટે જૂના મકાનો રિપેર કરાવવા, જૂના ઘરમાં એક કે બે માળ વધારવા માગતાં હોય તેવાં લોકો માટે રૂ. ૨ લાખ સુધીની લોન પર વ્યાજમાં ૩ ટકાની છૂટ અપાશે.
આ ઉપરાંત પીએમ આવાસ યોજના હેઠળ ગામડાંઓમાં બનનારા ઘરની સંખ્યામાં ૩૩ ટકાનો વધારો કરાશે. આમ દર વર્ષે ૩૩ લાખ નવા ઘર બનાવવામાં આવશે.
(૨) ખેડૂતોનું ૬૦ દિવસનું વ્યાજ સરકાર ભોગવશે
• શું મળશે?ઃ ખરીફ અને રવી મોસમ માટે જે ખેડૂતોએ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કોમાંથી કે સહકારી મંડળીઓમાંથી લોન લીધી છે તેનું ૬૦ દિવસનું વ્યાજ સરકાર ભરશે. ‘નાબાર્ડ’ને અગાઉ રૂ. ૨૧૦૦૦ કરોડ ફાળવાયા છે. તેમાં વધુ રૂ. ૨૦,૦૦૦ કરોડ ફાળવાશે. આમ કુલ રૂ. ૪૧૦૦૦ કરોડની ફાળવણી કરાશે. ‘નાબાર્ડ’ને વ્યાજની જે ખોટ જશે તેનો બોજો સરકાર ઉઠાવશે. આગામી ત્રણ મહિનામાં ૩ કરોડ ખેડૂતોનાં કિસાન કાર્ડને રૂપે કાર્ડમાં બદલવામાં આવશે.
• કેવી રીતે મળશે?ઃ ૬૦ દિવસનું વ્યાજ સરકાર ખેડૂતોનાં ખાતામાં ભરશે. ખેડૂતોએ પૈસા ઉપાડવા બેન્કોમાં જવું પડતું હતું તેને બદલે તેઓ હવે રૂપે કાર્ડ દ્વારા પૈસા ઉપાડી શકશે અને ખરીદ-વેચાણ કરી શકશે.
(૩) નાના વેપારીઓ અને લઘુ તેમજ મધ્યમ કદના ઉદ્યોગોને રાહત
• શું મળશે?ઃ નાના વેપારીઓ માટે ક્રેડિટ ગેરંટી રૂ. ૧ કરોડથી વધારીને રૂ. ૨ કરોડ કરાઈ. નાના ઉદ્યોગ માટે કેશ ક્રેડિટ લિમિટ ૨૦ ટકાથી વધારીને ૨૫ ટકા કરાશે. ડિજિટલ માધ્યમથી થયેલા ટ્રાન્ઝેક્શન માટે વર્કિંગ કેપિટલ લોન ૨૦ ટકાથી વધારીને ૩૦ ટકા કરાશે. સરકાર લોન માટે ટ્રસ્ટ દ્વારા કે બેન્કો દ્વારા વેપારીઓને ગેરંટી અપાવશે અને ગેરંટીનો ખર્ચ સરકાર ઉઠવશે. આથી વ્યાજ દર ઘટશે. એનબીએફસીને પણ આવી ગેરંટીમાં સામેલ કરાશે.
(૪) ગર્ભવતી મહિલાઓને રૂ. ૬,૦૦૦ ની મદદ
• શું મળશે?ઃ ગર્ભવતી મહિલાઓને રજિસ્ટ્રેશન માટે કે ડિલિવરી રસી મુકાવવા કે પૌષ્ટિક આહાર માટે રૂ. ૬૦૦૦ની આર્થિક સહાય કરાશે. સરકારી હોસ્પિટલોમાં જવાથી આ રકમ ગર્ભવતી મહિલાનાં ખાતામાં જમા કરાશે.
(૫) વરિષ્ઠ નાગરિકોને વધુ વ્યાજની રાહત
• શું મળશે?ઃ વરિષ્ઠ નાગરિકો માટે રૂ. ૭.૫૦ લાખ સુધીની ડિપોઝિટ પર ૧૦ વર્ષ માટે વ્યાજનો દર વધારીને ૮ ટકા કરાયો છે.

