એક જ વિદ્યાર્થિની માટે ચાલતી સ્કૂલ!

Wednesday 04th October 2017 06:29 EDT
 
 

લંડનઃ નોર્થ યોર્કશાયરના સ્કિપ્ટનમાં ઈંગ્સ કોમ્યુનિટી પ્રાઈમરી એન્ડ નર્સરી સ્કૂલમાં વિચિત્ર પરિસ્થિતિ સર્જાઈ છે. અહીં માત્ર એક વિદ્યાર્થિની માટે સ્કૂલ ચાલુ રાખવી પડી છે. છઠ્ઠા ધોરણમાં ભણતી ૧૦ વર્ષીય બાળા માટે જ પૂર્ણ સમયના શિક્ષક, હેડટીચર, સપોર્ટ ટીચર્સ અને રિસેપ્શનિસ્ટને નોકરીમાં યથાવત રખાયા છે. આ શાળા ડિસેમ્બરમાં બંધ થવાની હોવાથી અન્ય ૪૧ વિદ્યાર્થીઓએ અન્યત્ર એડમિશન મેળવી લીધું છે. લોકલ ઓથોરિટીએ સંઘર્ષ કરતી શાળાને બંધ કરવાનો નિર્ણય લીધો હોવાની જાણ જૂન મહિનામાં પેરન્ટ્સને કરી દેવાઈ હતી.
કુલ ૪૨ વિદ્યાર્થીમાંથી ૪૧ વિદ્યાર્થીએ નવા શૈક્ષણિક વર્ષના આરંભે શાળા છોડી દીધી હતી. જોકે, આ છોકરીના પેરન્ટ્સ આ સ્કૂલ છોડવા માગતા નથી. આના પરિણામે, કાનૂની જવાબદારી હેઠળ શાળાએ બધા સ્ટાફને રાખવો પડે છે. બાળાના પિતા કહે છે કે, ‘મેં અને મારા પરિવારના ઘણા સભ્યોએ આ શાળામાં અભ્યાસ કર્યો છે. તેને શા માટે બંધ કરવી પડે તે મને સમજાતું નથી.’
આ બાળા એકલી જ અભ્યાસ કરે છે અને રિસેસમાં પણ એકલી જ અને કદીક લંચટાઈમમાં સ્ટાફ સાથે નાસ્તો કરે છે. તેને રમવા માટે કોઈ સાથી પણ નથી. જો કેટલાક પરિવારોના પેરન્ટ્સ ૩૦થી ૪૦ બાળકોને આ શાળામાં ભણવા મોકલે તો તેને બંધ કરી શકાશે નહિ. જો આમ ન થાય તો, આગામી મહિને નોર્થ યોર્કશાયર કાઉન્ટી કાઉન્સિલની બેઠકમાં ટર્મના અંતે શાળા બંધ કરવાને બહાલી આપી દેવાશે.


comments powered by Disqus