સુરત નજીકના અરબી સમુદ્રમાં ૧૦ હજાર વર્ષ પુરાણી દ્વારિકા નગરી

Wednesday 04th October 2017 06:32 EDT
 
 

સુરતઃ શહેરના સીમાડા સાથે જોડાયેલા ઓલપાડ તાલુકાના ડભારી ગામના દરિયામાં ૧૦ હજાર વર્ષ પહેલાં ડૂબેલું એક પૌરાણિક નગર મળ્યું છે. આ નગર ભગવાન શ્રીકૃષ્ણના દ્વારિકા રાજ્યનો હિસ્સો છે તેમ નિષ્ણાતો માને છે. અગાઉ દ્વારિકા નગરીને લગતું સંશોધનકાર્ય અટકાવી દેવાયું હતું. જોકે આ અવશેષો મળ્યા બાદ ફરી અત્યાધુનિક ટેક્નોલોજીથી દ્વારિકાના અવશેષો શોધવાની તૈયારી શરૂ કરાઇ છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેક્નોલોજી દરિયામાં પ્રદૂષણની માત્રા ચકાસતું હતું તે કામગીરી દરમિયાન પૌરાણિક નગરના કેટલાક અવશેષો મળ્યા હતા. જેના આધારે સંશોધન શરૂ થયું હતું. પુરાતત્વવિદ્ ડો. એસ. કથરોલીના નેતૃત્વમાં કરાયેલા રિસર્ચમાં ઓલપાડના ડભારી ગામના દરિયાકિનારે - નર્મદા નદીના મુખપ્રદેશથી ૪૦ કિમી દૂર અને તાપી નદીના મુખપ્રદેશથી નજીક અરબી સમુદ્રના ઉત્તર-પશ્ચિમે૧૩૦ ફૂટ ઊંડે આ નગર મળ્યું હતું. આશરે પાંચ માઈલ લાંબું અને બે માઈલ પહોળું આ નગર ૧૦ હજાર વર્ષ જૂનું છે.
અવશેષો મળ્યા બાદ મરીન આર્કિયોલોજી વિભાગ દ્વારા બે વર્ષ સુધી વિવિધ પ્રકારે સંશોધન હાથ ધરાયું હતું. જેમાં જુદા જુદા પ્રકારના ૧૦૦૦થી વધુ નમૂના એકત્ર કરાયા હતા. આમાંથી ૨૫૦ નમૂના પૌરાણિક મહત્ત્વ ધરાવે છે. અવશેષોમાં પથ્થરના ઓજાર, માટીના વાસણ, નહેરના દટાયેલા માળખા, સ્નાનાગાર, મૂલ્યવાન પથ્થરો, બંગડી, બાજુબંધ, ત્રિમુખી પ્રતિમા, બળદના શિંગડાં સાથેના માનવ-અસ્થિ વગેરે મળતા આ પૌરાણિક નગરીમાં માનવવસ્તી હોવાની વાતને નક્કર સમર્થન મળ્યું હતું.
અહીંથી મળી આવેલા એક અવશેષનું કાર્બન ડેટિંગ ટેસ્ટ કરતા જાણવા તે ૯,૫૦૦ વર્ષ જૂનું હોવાનું જાણવા મળ્યું હતું. આ સાથે હડપ્પા સંસ્કૃતિના બાંધકામને મળતા આવતા તળાવો, સ્નાનાગાર અને ગટર જેવી માળખાગત સુવિધાની નિશાનીઓ પણ મળી આવી છે. ઉલ્લેખનીય છે કે કોઇ પણ અવશેષ કે અશ્મી કેટલા વર્ષ જૂના છે તે જાણવા માટે કાર્બન ડેટિંગ ટેસ્ટ એકદમ વિશ્વનીય વૈજ્ઞાનિક પદ્ધતિ ગણાય છે.
ડો. એસ. કથરોલીની આગેવાનીમાં બનેલી રિસર્ચ ટીમના એક સભ્ય અને સંશોધન માટે ઓલપાડના ડભારીના દરિયામાં ૮૦૦ ફૂટ સુધી જઈ આવેલા પુરાતત્વ વિશેષજ્ઞ મિતુલ ત્રિવેદીના કહેવા પ્રમાણે દ્વારિકા એક વિશાળ રાજ્ય હતું. દરિયાના પેટાળમાં આ પૌરાણિક અવશેષોને નિહાળનાર ત્રિવેદી કહે છે કે હાલના દ્વારકાથી સુરત સુધી આખા દરિયાકિનારા પર એક દીવાલ પણ જોવા મળે છે.

યાદવોની સુરક્ષા માટે સ્થળાંતર

પૌરાણિક ગ્રંથો મુજબ જરાસંઘ યાદવો પર વારંવાર હુમલો કરતો હતો. અંતે યાદવોની સુરક્ષા માટે શ્રીકૃષ્ણને મથુરા છોડી અરબ સાગરના કાંઠે નગર વસાવવાનું જણાવાયું હતું. આ પછી શ્રીકૃષ્ણે ગોમતી નદીના કાંઠે દ્વારિકા નગરી વસાવી હતી. એક કથા મુજબ હિમ યુગની સમાપ્તિ બાદ દરિયાઈ જળસ્તરમાં વધારો થતા દ્વારિકા સહિત અનેક નગરો દરિયામાં ગરકાવ થયા હતા.


comments powered by Disqus