તેલ અવીવ, નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઇઝરાયલની ધરતી પર પગ મૂક્યો તે સાથે જ ભારતીય વિદેશ નીતિના ઇતિહાસમાં સોનેરી પ્રકરણ ઉમેરાયું છે. આ પ્રસંગ ઐતિહાસિક હતો કેમ કે ૭૦ વર્ષના ઇતિહાસમાં કોઇ ભારતીય વડા પ્રધાનની આ પ્રથમ ઇઝરાયલ મુલાકાત હતી. તેલ અવીવના બેન ગુરિયન એરપોર્ટ પર મોદી વિમાનમાંથી ઉતર્યા ત્યારે તેમને આવકારવા યજમાન વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ખુદ ઉપસ્થિત હતા. ત્રણ દિવસના ઇઝરાયલ પ્રવાસે પહોંચેલા મોદી વિમાનમાંથી નીચે ઉતર્યા કે તરત જ નેતન્યાહૂએ જોશભેર તેમનું સ્વાગત કર્યું.
લાંબો સમય તેમના હાથ પકડી રાખ્યા અને ભેટી પડ્યા હતા. બન્ને વડા પ્રધાનના ખુશખુશાલ ચહેરા દ્વિપક્ષીય સંબંધોમાં નવા અધ્યાયના આરંભની છડી પોકારતા હતા. એરપોર્ટ પર પહેલેથી જ સુશોભિત મંચ પર પહેલા નેતન્યાહૂ મંચ પર ચઢ્યા અને પછી મોદીનું સ્વાગત કરતાં હિન્દીમાં કહ્યું, ‘આપ કા સ્વાગત હૈ મેરે દોસ્ત...’ આ પછી મોદી મંચ પર પહોંચ્યા અને તેમણે પણ આ ભવ્ય સ્વાગત સમારોહનો એવો જ ઉમળકાભર્યો પ્રતિસાદ આપતાં કહ્યું હતું, ‘શાલૌમ’. હિબ્રૂ ભાષામાં શાલૌમનો અર્થ થાય છેઃ આભાર. એરપોર્ટની માત્ર દસ મિનિટની મુલાકાત દરમિયાન મોદી અને નેતન્યાહૂ ત્રણ વખત ભેટ્યા હતા, અને હાથ તો કેટલીય વખત મિલાવ્યા.
મંગળવારે રાત્રે ભારતના વડા પ્રધાન મોદી અને યજમાન વડા પ્રધાન નેતન્યાહૂ તેમના સરકારી નિવાસસ્થાનમાં એકસાથે રાત્રિ ભોજન કરશે. ત્રણ દિવસ દરમિયાન મોદી યેરુસલેમની ઐતિહાસિક કિંગ ડેવિડ હોટેલમાં મુકામ કરશે. આ જગવિખ્યાત હોટેલમાં પહેલાં પણ ઘણી મહાન હસ્તીઓ રોકાઈ ચૂકી છે. આ હોટેલમાં જ બંને દેશોના વડા પ્રધાનો વચ્ચે વાતચીત થશે અને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પણ આ જ હોટેલમાં યોજાશે.
મોદી શું બોલ્યા?
મોદીએ કહ્યું, ‘૭૦ વર્ષમાં કોઇ ભારતીય વડા પ્રધાનનો આ પહેલો ઇઝરાયલ પ્રવાસ છે. ઇઝરાયલ આવવું સન્માનની વાત છે. હું મારા મિત્ર વડા પ્રધાન નેતન્યાહૂનો આભાર માનવા માગું છું કે તેમણે મને આમંત્રણ આપ્યું અને આટલું ઉષ્માપૂર્ણ મારું સ્વાગત કર્યું. આ પ્રવાસ સંબંધોમાં નવું સિમાચિહન અંકિત કરશે.’
મોદીએ કહ્યું હતું, ‘મને ઇઝરાયલમાં ભારતીય સમુદાયના લોકોને અને યહૂદીઓને મળવાની ઉત્સુક્તા છે. મારો આ પ્રવાસ બન્ને દેશો વચ્ચે મંત્રણાનો નવો અધ્યાય શરૂ કરશે. આ બાબત આપણા દેશોની પ્રજા અને સમાજ માટે લાભકારક સાબિત થશે. હું આ જોરદાર સ્વાગત માટે આપ સહુનો આભાર માનું છું.’
તેમણે કહ્યું હતું કે ઇઝરાયલે તમામ અવરોધોને ઓળંગીને સફળતા હાંસલ કરી છે અને પડકારોને તકમાં બદલ્યા છે.
ભારત ઇઝરાયલને મહત્ત્વપૂર્ણ સાથીદારોમાંથી એક માને છે એમ કહીને તેમણે ઉમેર્યું હતું કે આ પ્રવાસ દ્વિપક્ષીય સંબંધોમાં નવી કેડી કંડારનારો બની રહેશે.
નેતન્યાહૂ શું બોલ્યા?
બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું, ‘આપ કા સ્વાગત હૈ મેરે દોસ્ત, અમે લગભગ ૭૦ વર્ષથી આ ઘડીનો ઈંતઝાર કરી રહ્યા હતા. આપનો પ્રવાસ ઐતિહાસિક છે. અમે આપનું ખુલ્લા દિલે સ્વાગત કરીએ છીએ. અમે ભારતને પ્રેમ કરીએ છીએ. મારી વડા પ્રધાન મોદી સાથે પહેલી મુલાકાત ત્રણ વર્ષ પહેલાં અમેરિકામાં થઇ હતી. અમે નક્કી કર્યું હતું કે આપણી વચ્ચેની દિવાલો તોડશું. અમે ઘણી વખત ફોન પર વાત કરી હતી, પરંતુ મને આપની એક વાત બરાબર યાદ છે. આપે કહ્યું હતું કે જો ભારત-ઇઝરાયલ સંબંધોની વાત કરીએ તો તેને કોઇ સીમાડા નથી.’
નેતન્યાહૂએ કહ્યું હતું, ‘મને કેટલાય કારણોસર આપણી દોસ્તી પર ભરોસો છે, આમાં બન્ને દેશોનું યુવા ધન પણ સામેલ છે. મોદી ભારત અને દુનિયાના મહાન નેતા છે.’
મોટા ભાઇનું સ્મરણ
મોદીએ ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામીન નેતન્યાહૂના મોટા ભાઈએ બરાબર ૪૧ વર્ષ પહેલાં ઈઝરાયલીઓને બચાવવા માટે યુગાન્ડામાં આપેલું બલિદાન યાદ કર્યું હતું. મોદીએ બેન ગુરિયન એરપોર્ટ પર તેમના ટૂંકા વક્તવ્યમાં કહ્યું હતું કે, ‘આજે ૪ જુલાઈ છે. ઓપરેશન એન્ટેબીને બરાબર ૪૧ વર્ષ થયા છે. એ દિવસે તમારા વડા પ્રધાન અને મારા મિત્ર બિબિ (નેતન્યાહૂ)ના મોટા ભાઈ યોનાતને યુગાન્ડામાં બંદી બનાવાયેલા અનેક ઈઝરાયલીના જીવ બચાવ્યા હતા.’ મોદીએ કરાવેલા આ સંસ્મરણથી નેતન્યાહૂ થોડી વાર માટે સ્થિતપ્રજ્ઞ બની ગયા હતા.
૧૯૭૬માં એર ફ્રાન્સનું વિમાન તેલ અવીવથી પેરિસ જઈ રહ્યું હતું. જેમાં કેટલાક ઈઝરાયલીઓને બંદી બનાવીને વિમાન એન્ટેબી એરપોર્ટ લઈ જવાયું હતું. તેમને છોડાવવા નેતન્યાહૂના મોટા ભાઈ લેફ્. કર્નલ યોનાતનની આગેવાનીમાં ઈઝરાયલની સેનાના એલિટ કમાન્ડો યુનિટ સાયરેત મત્કલે ઓપરેશન એન્ટેબી હાથ ધર્યું હતું. સાતેય અપહરણકર્તાનો ખાત્મો બોલાવી દેવાયો હતો. ત્રણ પ્રવાસીનાં મોત થયા હતા. સેનાના યુનિટમાંથી યોનાતન એકમાત્ર શહીદ હતા. તેમને ગોળી વાગતાં મૃત્યુ થયું હતું. જોકે ૧૦૬ પૈકી ૧૦૨ ઈઝરાયલીને બચાવી લીધા હતા ને મિશન સફળ રહ્યું હતું. ત્યારપછી ‘ઓપરેશન એન્ટેબી’ નામ બદલીને તેને ‘ઓપરેશન યોનાતન’ નામ અપાયું હતું. મોદીએ નેતન્યાહૂને કહ્યું હતું કે, ‘તમારા જાંબાઝ હીરો યુવા પેઢીઓ માટે પ્રેરણારૂપ છે.’ વડા પ્રધાન નેતન્યાહૂ પણ સાયરેત મત્કલના મેમ્બર હતા.
મહિનાઓનું ‘હોમવર્ક’
સામાન્ય રીતે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દરેક પ્રવાસ પહેલા બધી જ તૈયારીઓ થઈ જ જાય છે, પરંતુ જે પ્રમાણેની તૈયારીઓ મોદીના ઈઝરાયલ પ્રવાસ માટે થઈ છે તેવી પહેલા ક્યારેય જોવા મળી નથી. ફક્ત મોદી જ નહીં, પણ આ પહેલાં પણ કોઇ વડા પ્રધાનનાં વિદેશ પ્રવાસ માટે આટલી વિસ્તૃત તૈયારીઓ નથી કરવામાં આવી. આ જ કારણસર મોદીએ ઈઝરાયલ પ્રવાસને અત્યંત મહત્ત્વનો કહ્યો છે. એક અહેવાલ પ્રમાણે આ પ્રવાસ માટે ૨૦૧૫થી આયોજન થઇ રહ્યું હતું.
છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારતના અલગ-અલગ મંત્રાલયોના ઉચ્ચ અધિકારીઓનાં ઓછામાં ઓછા સાત પ્રતિનિધિ મંડળને ઈઝરાયલ મોકલવામાં આવ્યા હતા કે જેથી ઈઝરાયલ સાથેનાં સંબંધ વધારે સારી રીતે વિક્સી શકે. આ માટે ભારતીય સાયબર સિક્યુરિટીનાં પ્રમુખ ગુલશન રાય પણ ઈઝરાયલ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે ભારત અને ઈઝરાયલ સાયબર ક્ષેત્રમાં સાથે મળીને કામ કરી રહ્યા છે, પરંતુ તેની સાથે જોડાયેલી માહિતીઓને બધાને જણાવવી ઊચિત નથી. બંને દેશોના સંયુક્ત નિવેદનોમાં પણ આ વાતનો ઉલ્લેખ ભાગ્યે જ થતો જોવા મળશે. ઈઝરાયલે પણ પોતાના તરફથી આ પ્રવાસને ‘ખાસ અને મહત્ત્વનો’ બનાવવામાં કોઈ કસર છોડી નથી.

