સનાતન સત્યના બે ઉદાહરણ...
એક તો, કોઈ પણ માણસ પોતાના મતદાન કાર્ડના ફોટા જેટલો કાળો હોતો નથી.
અને બીજું, કોઈ પણ માણસ પોતાના ફેસબુકના ફોટા જેટલો રૂપાળો હોતો નથી.
•
સંતા એક બન્કમાં ખાતું ખોલાવવા માટે ગયો. ફોર્મમાં એક જગ્યાએ લખ્યું હતું કે ‘કહો, અમારી બેન્કમાં આપને શું ખાસ લાગે છે જેના કારણે આપ અમારી બેન્કમાં ખાતું ખોલાવવા માંગો છો.’
સંતાએ કોલમમાં લખ્યુંઃ ‘આપની રિસેપ્શનિસ્ટ રીમા.’
•
ગ્રાહકઃ ‘૪૦ રૂપિયાને ૧૦ પૈસા આવી તે કેવી કિંમત રાખી? આ પુસ્તકની કિંમત ચાલીસ રૂપિયા જ રાખવી હતીને...’
દુકાનદારઃ ‘હા, બરાબર, પણ પછી લેખકને શું મળે?’
•
ટીચરઃ સાત રીંગણાને દસ લોકો વચ્ચે કેવી રીતે વહેંચશો.
છોકરો માથું ખંજવાળતા બોલ્યોઃ ઓળો બનાવીને.
•
વીમા એજન્ટે લંબાણપૂર્વક વીમાના લાભ સમજાવ્યા પછી એક મોટા કારખાનાના માલિકે વીમાપોલિસી ખરીદી લીધી. પોલિસી પર સહી કરીને એજન્ટને તેણે ગર્વથી કહ્યુંઃ તમે નસીબદાર છો એટલે જ મેં તમારી પાસેથી પોલિસી ખરીદી છે. નહીંતર આજે આઠ વીમા એજન્ટને ના પાડી ચૂક્યો છું.
વીમા એજન્ટે જવાબ આપ્યોઃ ‘મને ખબર છે. હું વેશપલટો કરીને નવમી વાર આવ્યો છું.’
•
ગુજરાતીની પરીક્ષા હતી, તેમાં નીચેના વિષયો પર નિબંધ લખવાનો હતો.
‘આળસ કોને કહેવાય?’
ટપુ આળસુ વિષય જોઈને હસ્યો અને એ જ વિષય પર નિબંધ લખી નાખ્યો.
વર્ગશિક્ષક પરીક્ષાની નોટો તપાસવા બેઠા. ટપુની નોટમાં પહેલા બે પાનાં કોરાં હતાં અને તદ્દન નીચે એક લીટી લખી હતી. ‘આને કહેવાય આળસ.’
•
સત્સંગમાંથી આવતાની સાથે જ રમણે પત્નીને તેડી લીધી.
પત્નીઃ કેમ આજે ગુરુમહારાજે રોમાન્સના પાઠ ભણાવ્યા છે કે શું?
રમણઃ ના રે ના, આજે ગુરુમહારાજે કહ્યું કે પોતાના દુઃખને પોતે જ ઉઠાવવું જોઇએ... એટલે...
•
એક વ્યક્તિ અડધી રાત્રે ડોક્ટરને ત્યાં પહોંચ્યો. અને ડોક્ટરને પૂછ્યું, ‘સાહેબ, હોમ વિઝિટની કેટલી ફી લેશો?’
ડોક્ટરઃ ૩૦૦ રૂપિયા.
વ્યક્તિઃ ચાલો ત્યારે...
ડોક્ટરે ફટાફટ બાઈક કાઢી અને પેલી વ્યક્તિને બેસાડીને સડસડાટ પહોંચ્યા તેના ઘરે. ડોક્ટરઃ દર્દી ક્યાં છે?
વ્યક્તિઃ દર્દી કોઈ નથી. આ તો ટેક્સીવાળો ૫૦૦ રૂપિયા માગતો હતો, જ્યારે તમારો ચાર્જ ૩૦૦ રૂપિયા જ હતો.
•
પતિ અને પત્ની ઘરખર્ચની વાત કરતા હતા. તેવામાં પતિ બરાડ્યો.
પતિઃ જો હું પૈસા ન લાવતો હોત તો આ ઘર ન હોત!
પત્નીઃ જો તું પૈસા ન લાવતો હોત તો હું પણ ન હોત!
•
આજકાલ આર્થિક મંદી એટલી બધી વધી ગઈ છે કે, લોકો પોતપોતાની પત્નીને પ્રેમ કરવા લાગ્યા છે!
