લંડનઃ બાળકો માટેની ચેરિટીને ભારે પ્રોત્સાહનરૂપ ઘટનામાં વિશ્વના વિખ્યાત સાઉથ એશિયન ગાયકો પૈકીના એક રાહત ફત્તેઅલી ખાન 'બર્નાર્ડો'ના એમ્બેસેડર તરીકે જોડાયા હતા. યુકેમાં બાળકો અને યુવાનો માટે બર્નાર્ડો દ્વારા ચાલતી પ્રવૃત્તિને સહાય પૂરી પાડવા ડોર્ચેસ્ટર હોટલ ખાતે યોજાયેલા એન્યુઅલ ગાલા ડીનર બાદ તેમણે આ ઓફર સ્વીકારી હતી.
જાણીતા પાકિસ્તાની ગાયકે બર્નાર્ડોના એમ્બેસેડર્સ એન્ડી સર્કીસ, નિકોલા રોબર્ટ્સ, લીડીયા બ્રાઈટ અને ડેબી ડગ્લાસ તેમજ પ્રખ્યાત ગાયક નોટી બોય અને ટોચના ટીવી પ્રેઝન્ટર સોનાલી શાહની ઉપસ્થિતિમાં કવ્વાલીની મહેફિલ જમાવી હતી. બર્નાર્ડોના ચીફ એક્ઝિક્યુટિવ જાવેદ ખાને જણાવ્યું હતું કે રાહત ફતેઅલી ખાન બર્નાર્ડો સાથે સંકળાયા તે ગૌરવની વાત છે. આભાર માનતા રાહત ફત્તેઅલીખાને જણાવ્યું હતું કે સંસ્થા સાઉથ એશિયન મૂળના લોકો સહિત બ્રિટનના બાળકો, યુવાનો, કેરર્સ અને પેરન્ટ્સને મદદ કરે છે તે ખૂબ પ્રશંસનીય વાત છે.

