નવી દિલ્હીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનને ગણતરીનાં કલાકો બાકી છે ત્યારે ઓપીનિયન પોલના આંકડા જાહેર થયા છે જે મુજબ ભાજપ અને કોંગ્રેસ લગોલગ આવી ગયા છે. આ સર્વે મુજબ બન્ને મુખ્ય પક્ષોને ૪૩-૪૩ ટકા મત મળશે તેવો અંદાજ છે. બન્ને પક્ષોની મતની ટકાવારી નજીક હોવા છતાં ભાજપને ૯૫ બેઠકો જ્યારે કોંગ્રેસને ૮૨ બેઠકો મળશે તેવું સર્વેનું તારણ છે. પાંચ બેઠકો અન્યોને મળશે.
એબીપી ન્યૂઝ દ્વારા લોકોની લાગણી પારખવા માટે લોકનીતિ અને સીએસડીએસ સાથે મળીને ઓપિનિયન પોલ કરાયો છે. લોકલાગણી અને લોકજુવાળ આ વખતે કોઈ એક પક્ષ તરફ જ રહેશે તેના એંધાણ ઓછા દેખાયા છે. લોકોએ ભાજપની સાથે સાથે કોંગ્રેસને પણ મત આપવાનું મન બનાવ્યું હોય તેમ લાગી રહ્યું છે. સર્વેમાં જોવા મળેલા ટ્રેન્ડ અનુસાર મતદાન થાય તો રાજ્યમાં શાસક ભાજપને ૯૫, વિપક્ષ કોંગ્રેસને ૮૨ બેઠકો મળી શકે છે.
હાર્દિકને ઝાટકો?
સર્વેનું મહત્ત્વનું તારણ એ છે કે પાટીદાર આંદોલન સમિતિ (‘પાસ’)ના નેતા હાર્દિક પટેલને મોટો ઝાટકો લાગી શકે છે. પાટીદાર સમાજ માટે અનામતની માગણી સાથે નીકળેલા હાર્દિકે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો તેને કારણે પ્રથમ દૃષ્ટિએ કોંગ્રેસને ફાયદો થશે એમ લાગતું હતું. પરંતુ હાર્દિકની વિવાદાસ્પદ સીડી જાહેર થયા પછીથી સમીકરણો રોમાંચક બની ગયા છે. પાટીદાર સમુદાયમાં જ હાર્દિકની લોકપ્રિયતા ઘટી ગઇ છે. તેનું નુકસાન હાર્દિકને થશે અને કોંગ્રેસને પણ થશે.
શહેરમાં ભાજપ, ગામડાંમાં કોંગ્રેસ
પોલ અનુસાર ભાજપને શહેરી વિસ્તારમાં જ્યારે કોંગ્રેસને ગ્રામીણ વિસ્તારમાં વધારે સમર્થન મળવાની સંભાવના છે. સર્વેમાં ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસ કાઠું કાઢી રહી છે જ્યારે શહેરી વિસ્તારોમાં હજુ પણ ભાજપનો દબદબો જળવાશે.
વેપારીઓ જીએસટીથી નારાજ
ઓપિનિયન પોલ પ્રમાણે જીએસટીના કારણે વેપારીઓમાં ભારે નારાજગી પ્રવર્તે છે. અને રાહુલ ગાંધીએ આ વાતને સારી રીતે સમજી લીધી છે. પોલના તારણ અનુસાર, વેપારીઓમાં ભાજપ કરતાં કોંગ્રેસને મત આપવાનું પ્રમાણ વધારે છે. ૪૪ ટકા વેપારીઓ જીએસટીથી નારાજ છે અને તેમાંથી મોટા ભાગના લોકો કોંગ્રેસને મત આપવાના મૂડમાં છે.

