ગાંધીનગરઃ વિધાનસભા ચૂંટણીઓના રાજકારણમાં પહેલીવાર જ્ઞાતિવાદ એ હદે ચરમસીમાએ પહોંચ્યો છે કે રાજકીય પક્ષોને તેના ઘૂંટણીએ પડીને ઉમેદવારો ઉતારવા પડયા છે. બંને તબક્કાની ચૂંટણીમાં ૧૮૨ બેઠકોમાંથી ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષોએ પાટીદાર અને ઓબીસી વર્ગના ઉમેદવારોને ૧૧૫ બેઠકો ઉપર લડાવી રહ્યું છે. જેમાંથી ૩૪ બેઠકો ઉપર પાટીદારો તો ૩૯ બેઠકોમાં ઓબીસી વર્ગના ઉમેદવારો આમને સામને સ્પર્ધા કરી રહ્યા હોવાનું ચિત્ર સ્પષ્ટ થયું છે.
વર્ષ ૨૦૧૪ સુધી મોદી લહેર પછીના ગુજરાતમાં છેલ્લા બે-અઢી વર્ષથી સામાજિક આંદોલનોથી જ્ઞાતિવાદની જમીન મજબૂત થઈ છે તે નિર્વિવાદ છે. આ પૃષ્ઠભૂમિમાં આકાર પામેલા સમીકરણોથી સત્તાના રસ્તે પહોંચવા બંને રાજકીય પક્ષોએ ઉમેદવાર પસંદ કરવા માટે જ્ઞાતિવાદ સામે વિકાસવાદ, વિચારધારાને અભરાઈ ચઢાવી છે.
પાટીદાર આંદોલનની અસરને કારણે આ સમાજને આકર્ષવા ભાજપે-કોંગ્રેસે રીતસરની હોડ લગાવી છે. ૧૮૨માંથી ૫૦ બેઠકો ઉપર પાટીદારો સૌથી મોટો મતદાર સમૂહ છે. આ હકીકતને ધ્યાને રાખીને ભાજપે ૫૨ તો કોંગ્રેસ ૪૨ પાટીદારોને ચૂંટણીમાં ઉતાર્યા છે. તેમાંથી ૩૪ બેઠકો ઉપર પાટીદારો સામ-સામે ચૂંટણી લડી રહ્યા છે. આ ચિત્ર ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના ઈતિહાસમાં પહેલીવાર સર્જાઈ રહ્યું છે. કારણ કે ૧૯૮૫ પછી પાટીદારો ભાજપની કોર વોટ બેન્ક રહ્યા છે અને આથી અત્યાર સુધી ઘણીખરી બેઠકો ઉપર કોંગ્રેસને આ સમાજના ઉમેદવારો પણ મળતા ન હતા! આ વખતે પહેલી વાર કોંગ્રેસે ૪૨ બેઠકો આપી છે.
પાટીદારોની અનામતની માંગણી સામે અચાનક પોતાના અધિકારોના મુદ્દે ઊભા થયેલા ઓબીસી આંદોલનની અસર આ ચૂંટણીમાં સ્પષ્ટપણે વર્તાઈ છે. આથી ભાજપ-કોંગ્રેસે જૈન, વૈષ્ણવ, બ્રાહ્મણ સહિતના સર્વણો ઉમેદવારોમાં કાપ મૂકીને પાટીદાર-ઓબીસી વચ્ચે સંતુલન રાખવા પ્રયાસો કર્યા છે. ૧૪૬ જ્ઞાતિઓમાં વિભાજિત ઓબીસી વર્ગ ૧૮૨માંથી ૭૪ બેઠકો ઉપર સૌથી મોટી વોટબેંક છે. આથી ભાજપે ૫૮ અને કોંગ્રેસે ૬૨ ઉમેદવારો ઓબીસી વર્ગમાંથી પસંદ કર્યા છે. જેમાંથી ૩૯ બેઠકો ઉપર ઠાકોર, કોળી, આહીર, મેર, આંજણા ચૌધરી જેવા ઓબીસી વર્ગના મોટા સમાજના ઉમેદવારો આમનેસામને ચૂંટણી લડી રહ્યા છે.
ચૂંટણી જીતવા રાજકીય ચાણક્યોએ પાટીદાર-ઓબીસી મતોના સરવાળા સાથે ગોઠવેલી આ ડિઝાઈન વિધાનસભામાં સરકાર રચવા ૯૩ના આંકડે કોને લઈ જશે કળવું અત્યંત મુશ્કેલ છે. પરંતુ ૧૮મી ડિસેમ્બરની બપોરે આ ભર્યું નારિયળ ઈવીએમથી ફૂટયા પછી તેના છાંટા દેશના રાજકારણ ઉપર પડે અને નવી રાજનીતિ આકાર પામે તો નવાઈ નહીં.
ક્યાંય બ્રાહ્મણ સામસામે નહીં! માંડવીમાં ક્ષત્રિયો, મજૂરામાં જૈનો વચ્ચે ટક્કર
ભાજપે ૧૦ અને કોંગ્રેસે ૬ બ્રાહ્મણોને ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા છે. આ ૧૬ ઉમેદવારો એક પણ બેઠક ઉપર આમને-સામને નથી! ભાજપના ચાર જૈન અને કોંગ્રેસના બે જૈન ઉમેદવારો પૈકી મજૂરા બેઠકો ઉપર સામસામે ટક્કર છે. જ્યારે ભાજપના ૧૨ ક્ષત્રિય અને કોંગ્રેસના ૧૦ ક્ષત્રિય ઉમેદવારો પૈકી માત્ર માંડવીમાં જ સામસામે ચૂંટણી જંગમાં છે. ભાજપે ત્રણ લોહાણાને ટિકિટો આપી છે. જ્યારે કોંગ્રેસે ૬ મુસ્લિમોને ઉમેદવાર બનાવ્યા છે. વાંકાનેર અને ભુજમાં લોહાણા સામે મુસ્લિમ ઉમેદવારો છે.
ભારતના સંવિધાને સૂચવેલી વ્યવસ્થા મુજબ ૧૮૨માંથી ૨૭ બેઠકો આદિવાસી(એસટી) અને ૧૩ બેઠકો દલિતો (એસસી) સમુદાય માટે રિઝર્વેશન હેઠળ છે. મોટાભાગે રાજકીય પક્ષો આ બંને સમુદાયને અનામત સિવાયની બેઠકો ઉપર ટિકિટો આપતા નથી! પરંતુ, આ વખતે ભાજપે ૨૮ એસટી અને કોંગ્રેસે ૧૪ એસસી ઉમેદવારો આપ્યા છે.

