પ્રથમ તબક્કાનો તખતો તૈયારઃ બળવાખોરીથી ડઝન બેઠક પર ત્રિપાંખિયો જંગ

Wednesday 06th December 2017 06:21 EST
 
 

અમદાવાદઃ ગુજરાતમાં પ્રથમ તબક્કામાં શનિવારે - નવમી ડિસેમ્બરે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની ૮૯ બેઠકો ઉપર ચૂંટણી થનારી છે. આમાંથીલગભગ એક ડઝન જેટલી બેઠકો ઉપર મહદઅંશે બળવાખોરીના કારણે ત્રિપાંખિયા જંગની સ્થિતિ સર્જાઈ છે. આ બળવાખોરો જીતે એવા નથી, પણ એમના કારણે મતો કપાવાથી હાર-જીતના સમીકરણો ઉપર અસર પડે તેવી શક્યતા છે. ત્રિપાંખિયા જંગમાં કોંગ્રેસ કરતાં ભાજપને વધુ નુકસાન થઈ રહ્યાનું જણાય છે.
કચ્છ જિલ્લાની એક માત્ર રાપર બેઠક ઉપર ડખો સર્જાયો છે. ભાજપ-રાજપના ધારાસભ્ય તથા કેબિનેટ પ્રધાન રહી ચૂકેલા અને છેલ્લે કોંગ્રેસના પણ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા મેઘજી શાહે કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર સંતોકબહેન આરથિયા સામે બળવો કરી ઉમેદવારી નોંધાવી છે. શાહે એનસીપીમાંથી ઉમેદવારી નોંધાવતા અહીં કોંગ્રેસને નુકસાન થવાની શક્યતા પાક્કી છે.
પોરબંદરની કુતિયાણા બેઠક ઉપર ગઈ વખતે ગઠબંધનના કારણે કોંગ્રેસે ઉમેદવાર ઊભો રાખ્યો ન હતો એટલે એનસીપીમાંથી કાંધલ સરમણ જાડેજા ચૂંટાઈ આવ્યા હતા. આ વખતે સમજૂતી નથી એટલે કોંગ્રેસ-એનસીપીની લડાઈમાં ભાજપને ફાયદો થઈ શકે.
વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં રાજકોટ-દક્ષિણની બેઠક ઉપર ૨૮,૪૭૭ મતોની જંગી લીડથી ધોબીપછાડ ખાનારા મિતુલ દોંગાને આ વખતે કોંગ્રેસે રાજકોટ-પૂર્વમાં અજમાવ્યા છે. આ બેઠક છોટુ વસાવાએ સમજૂતીમાં માગી હતી પણ એ શક્ય ના બનતાં, ભારતીય ટ્રાઈબલ પાર્ટીના કરણાભાઈ માલધારીએ ઉમેદવારી નોંધાવી છે. પરિણામે અહીં પણ ભાજપને સીધો ફાયદો થઈ રહ્યો છે.
અમરેલી જિલ્લાની સાવરકુંડલા બેઠક ઉપર ભાજપ માટે આ વખતે કપરાં ચઢાણ છે, તો બીજી બાજુ કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર પ્રતાપ દૂધાત સામે શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમત બગડાએ બળવાખોરી કરીને અપક્ષ તરીકે ચૂંટણી લડતાં હોવાથી અહીં ભાજપને સરવાળે ફાયદો થઈ રહ્યો છે.
મોરબી જિલ્લાની વાંકાનેર સીટ ઉપર છેલ્લી બે ટર્મથી કોંગ્રેસના ધારાસભ્ય મોહમ્મદ પીરઝાદા સામે આ વખતે જોખમ ઘટયું છે, કારણ કે ભાજપમાંથી ટિકિટ નહીં મેળવનારા તાલુકા ભાજપ પ્રમુખ ગોરધન સરવૈયાએ અપક્ષ તરીકે ઝંપલાવ્યું છે. અહીં ભાજપના મતો તૂટવાની શક્યતા છે.
ભાવનગર જિલ્લાની બે બેઠક ગારિયાધાર અને પાલિતાણામાં ત્રિપાંખિયો જંગ સર્જાયો છે, જેમાં ભાજપને જ નુકસાન થઈ રહ્યું છે. ગારિયાધારમાં સતત પાંચ ટર્મથી ચૂંટાતા કેશુભાઈ નાકરાણી આ વખતે એક તરફ પાટીદારોની નારાજગીનો સામનો કરી રહ્યા છે તો બીજી તરફ મનુભાઈ ચાવડાએ અહીં ગુજરાત જનચેતના પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવતા ભાજપના ઓબીસી મતોમાં ગાબડું પડવાની શક્યતા ઊભી થઈ છે.
પાલિતાણા બેઠક ઉપર ભાજપ બળવાખોર મહેન્દ્ર સરવૈયાને સમજાવીને તેમની ઉમેદવારી પાછી ખેંચાવામાં સફળ થયો છે, પણ પ્રવીણ ગઢવીએ ગુજરાત જનચેતના પાર્ટીમાંથી તથા નાનુ ડાખરાંએ અપક્ષ તરીકે ઉમેદવારી ચાલુ રાખતાં અહીં કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય પ્રવીણ રાઠોડને સીધો ફાયદો થઈ રહ્યો છે.
નર્મદા જિલ્લાની ડેડિયાપાડા બેઠક ઉપર ત્રિપાંખિયા જંગથી કોંગ્રેસને મોટું નુકસાન થઈ રહ્યું છે. છોટુ વસાવા સાથેની સમજૂતીમાં આ બેઠક ભારતીય ટ્રાઈબલ સેનાને મળતાં ગઈ વખતે કોંગ્રેસના ૨૦ હજાર મતો તોડનારા મહેશ છોટુ વસાવા આ વખતે ફરી અહીં ઉમેદવારી કરી રહ્યા છે. જોકે ગઈ વખતે માત્ર ૨,૫૫૫ મતોથી હારનારા કોંગ્રેસના પૂર્વપ્રધાન અમરસિંહ વસાવાએ બંડ કરી અપક્ષ તરીકે ઝંપલાવતા ભાજપના વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ એવા મોતી વસાવાને ફાયદો થઈ રહ્યો છે.
સુરત જિલ્લાની પાંચ બેઠકો ઉપર લિંબાયત, ચોયાર્સી, માંડવી, માંગરોળ અને ગણદેવી ખાતે ત્રિપાંખિયા જંગથી ભાજપને નુકસાન થવાની શક્યતા છે. લિંબાયતમાં શિવ સેનામાંથી ઉમેદવારી કરી રહેલા સમ્રાટ પાટિલ ભાજપના જ ભાઈ હોઈ અહીં સાંસદ સી. આર. પાટિલના ભાજપી ઉમેદવાર સંગીતા પાટિલના મતો કપાવાની શક્યતા ઊભી થઈ છે. આ જ રીતે ‘મિની ઇન્ડિયા’ ગણાતી ચોર્યાસી બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ બંનેએ કોળી પટેલને ટિકિટ ફાળવી છે. પરિણામે ૧.૧૦ લાખ મતો ધરાવતા ઉત્તર ભારતીયોએ ભાજપથી નારાજ થઇ બિહારી અજય ચૌધરીને અપક્ષ તરીકે ઊભા કર્યા છે, જેના કારણે અહીં ભાજપના ઉત્તર ભારતીયોની વોટબેન્કમાં મોટું ગાબડું પડી રહ્યું છે.
સુરતની માંગરોળ બેઠક ઉપર કેબિનેટ પ્રધાન ગણપત વસાવા માટે કપરાં ચઢાણની સ્થિતિ છે. એક તરફ એન્ટિ ઈન્કમ્બન્સી છે, તો બીજી તરફ ગઢબંધન ફોક કરી કોંગ્રેસના નાનસિંગ વસાવા અને ભારતીય ટ્રાઈબલ સેનાના ઉત્તમ સોમાભાઈ વસાવા ચૂંટણી લડી રહ્યાં છે. આ બેની લડાઈમાં ફાયદો રળવા માટે ગણપત વસાવાએ જનતા દળ યુનાઈટેડમાંથી ટ્રાઈબલ સેનાના ઉમેદવારના નામધારી ઉત્તમ તુલસી વસાવાને ફોર્મ ભરાવડાવ્યું છે, એટલે અહીં ચૂંટણી જંગ ખરેખર રસપ્રદ બની રહેવાની શક્યતા છે.
માંડવીમાં ભાજપના બળવાખોર કુંવરજી હળપતિ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા હોઈ ભાજપને હળપતિ સમાજના મત ગુમાવવાનો ભય ઊભો થયો છે. જ્યારે ગણદેવી બેઠક ઉપર પૂર્વ પ્રધાન અને પૂર્વ સાંસદ એવા ભાજપના પીઢ આગેવાન કાનજીભાઈ પટેલના પુત્ર સુનિલ પટેલે બળવાખોરી કરી અપક્ષ તરીકે ઝંપલાવતા અહીં ભાજપના કોળી મતો તૂટી રહ્યા છે.
વલસાડ જિલ્લાની વલસાડ અને ઉમરગામ બેઠકો ઉપર પણ બળવાખોરીના કારણે ભાજપને મોટું નુકસાન થઈ રહ્યું છે. વલસાડમાં ભાજપના જિલ્લા પંચાયતના પૂર્વ હોદ્દેદાર ચેતન પટેલે બગાવત કરી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. જ્યારે ઉમરગામમાં ચાર ટર્મ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ભાજપના રમણ પાટકર આંતરિક ઝંઝાવાતનો સામનો કરી રહ્યા છે. અહીં ભાજપના આગેવાનો ઉમેદવાર બદલવાની માગણી કરતાં હતા એમ છતાં પક્ષે વિરોધ ધ્યાને નહીં લેતાં ગઈ વખતના બળવાખોર દીપક ચોપડિયા જેમણે ૨૦૧૨માં ૨૪,૨૦૮ મતો તોડયા હતા, તેમને ભાજપના અસંતુષ્ટોએ સમર્થન જાહેર કરી દીધું છે. પરિણામે અહીં પણ અપક્ષ ઉમેદવારીથી રસપ્રદ ત્રિપાંખિયો જંગ સર્જાયો છે.


comments powered by Disqus